કોરોના વાઇરસ સામેની લડાઈમાં રસી જ હાલ મોટા અસ્ત્ર સમાન ગણાય રહ્યું છે. વિશ્વભરના દેશોમાં રસીકરણ ઝૂંબેશ જોરોશોરમાં ચાલી રહી છે. પરંતુ આજ વિશેષ જરૂરીયાતને પગલે છેલ્લા કેટલાક સમયથી રસી પર વૈશ્વિક રાજકારણ ચાલી રહ્યું હતું. તો આ સાથે રસીની આડઅસર, કિંમતો તેમજ તેની સંગ્રહ ક્ષમતા અને વહેંચણીને લઇને રસીની રસ્સાખેંચ ઊભી થઈ હતી. રસીની આ રસ્સાખેંચમાં જગત જમાદારી પર ઉતરેલા અમેરિકાએ હવે પોતાના હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ વેક્સિન પર પેટર્ન પડતી મૂકવાની ભારતની દરખાસ્તને અમેરિકાએ સમર્થન આપ્યું છે. અત્યાર સુધી અમેરિકા રસીની રસાખેચમાં સૌથી આગળ દોડતું હતું. અને પોતાની ફાઈઝર સહિતની રસીઓ માટેની પેટન્ટનનો આગ્રહ રાખતું હતું. ત્યારે હવે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલા ભારતે વૈશ્વિક
મહામારીને ધ્યાને લઇને તમામ દેશો રસીનું ઉત્પાદન કરી શકે તે માટે પેટન્ટના અવરોધ ન હોય તેવી માંગ કરતું આવ્યું છે. જેને અમેરિકાએ શરૂઆતમાં વિરોધનો મુદ્દો બનાવ્યો હતો પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા પેટન્ટના આગ્રહ થી વિશ્વ સમાજમાં એકલું પડતું જતું હોવાથી તેણે વાત તરફ ઘોડી માંડવાનું વલણ અપનાવ્યું હોય તેમ ભારતે કોરોનાની રસી પેટન્ટ ફ્રી હોવાની કરેલી દરખાસ્તને અમેરિકાએ સમર્થન આપ્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝર એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં અમેરિકાના પ્રતિનિધિ કેથરીનએ જણાવ્યું હતું કે હવે વૈશ્વિક પરિસ્થિતિને લઈને રસીની પેટન્ટ લેવાની જરૂર નથી. રસીકરણના પેટન્ટની જરૂરિયાત ન હોવાની દરખાસ્તને અમેરિકાએ ટેકો આપ્યો છે. તાજેતરમાં અમેરિકી પ્રમુખ જો બીડેને ભારતના આ પ્રસ્તાવને સમર્થન પૂરું પાડી જણાવ્યું કે વૈશ્વિક મહામારીમાં ભારતે અમારી પણ ઘણી મદદ કરી છે. પ્રથમ તબક્કામાં જ્યારે અમેરિકાની હાલત કફોડી બની હતી ત્યારે ભારતે માસ્કનો સેંકડો જથ્થો મોકલ્યો હતો. અને રસીની વિશ્વભરના એક પણ દેશમાં અછત ન સર્જાય અને તમામ જરૂરિયાતમંદ દેશોને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પેટન્ટનો ખ્યાલ હોવો જોઈએ નહીં આ ભારતની વાતને અમે સમર્થન આપીએ છીએ.