બે અલગ-અલગ અથડામણમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ માઓવાદીઓ ઠાર મરાયા
અબતક, રાયપુર
છત્તીસગઢ-તેલંગણા બોર્ડર પાસેનાં જંગલો તેમ જ સુકમા જિલ્લામાં ગઈ કાલે સવારે સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ માઓવાદીઓ ઠાર મરાયા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સુકમા, દાંતેવાડા અને બસ્તરમાંથી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનો અને માઓવાદીઓની વચ્ચે સુકમા જિલ્લામાં થયેલા સામસામે ગોળીબારમાં એક ખૂનખાર મહિલા માઓવાદીને ઠાર મારવામાં આવી હતી કે જેના માથે પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું.’
બીજી અથડામણ છત્તીસગઢ અને તેલંગણાની બોર્ડર પાસેનાં જંગલોમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થઈ હતી. બિજાપુરથી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની જોઇન્ટ ટીમે આ એરિયાને ઘેરી લીધો હતો. સવારે સાત વાગ્યાની આસપાસ જંગલોમાં આ ટીમ અને માઓવાદીઓની વચ્ચે અથડામણ થઈ હતી. બાદમાં ઘટનાસ્થળેથી ચાર માઓવાદીઓના મૃતદેહોને રિકવર કરવામાં આવ્યા હતા.