કોરોના વાયરસની બીજી લહેરએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેસ અતિ ઝડપથી વધતાં મૃત્યુ દર પણ વધી રહ્યો હતો. સમગ્ર દેશમાં જાણે સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતિ સર્જાઇ હોય તેવા તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ હવે આ બીજી લહેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ હવે તેનો ગ્રાફ નીચે સરકી રહ્યો છે. કેસ ઘટી રહ્યા છે તો સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એમાં પણ દર્દીઓના સાજા થવાના દરમાં સમગ્ર દેશમાં ગુજરાત અવ્વલ નંબરે છે. દેશવાસીઓ માટે મોટી રાહત એ છે કે ગુજરાતની સાથે સાથે અન્ય 18 રાજ્યોમાં પણ કોરોના નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અણસાર છે કે બીજી લહેરનો અંત હવે નજીક છે. આખરે નવા કેસોમાં અને મૃત્યુઆંકની સંખ્યામાં પણ પ્રારંભિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો એવા રાજ્યોમાં જોવા મળી રહ્યો છે કે જે રાજ્યો અત્યાર સુધીમાં બીજી કોવિડ તરંગમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો રહ્યા હોય. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્તીસગ,, બિહાર, મધ્યપ્રદેશ અને તેલંગાણા એવા 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શામેલ છે. જે દર્શાવે છે કે દરરોજ નવા કોવિડ -19 કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
કોરોનાની બીજી લહેરનો અંત નજીક: છેલ્લાં એક અઠવાડિયાથી દેશના
182 જીલ્લાઓમાં કેસ સતત ઘટી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે દેશમાં બીજી લહેરના સૌ પ્રથમ કેસનો ઘટાડો ગુજરાતમાં જ જોવા મળ્યો હતો. તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ “વિજય” વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર દેશમાં બીજી લહેરમાંથી ઉગરનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે. રિકવરી રેટ સૌથી વધુ ગુજરાત રાજ્યનો જ છે. આ 18 રાજ્યોમાં તો કેસ ઘટતા આંશિક રાહત તો મળે છે પરંતુ દેશના હજુ અન્ય 16 રાજ્યો એવા છે કે જ્યાં ચિંતાજનક સ્થિતિ છે. જેમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, અસમ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ત્રિપુરા એવા 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શામેલ છે.
બીજી લહેરમાં સૌથી વધુ સંક્રમિત થયેલા રાજ્યોમાં જ ઝડપભેર રિક્વરી!!
અહેવાલ અનુસાર દેશમાં કોરોનાની બીજી લહેર આવ્યા પછી આશરે 61 દિવસ બાદ નવા કેસમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસ 3.29 લાખ નોંધાયા છે જ્યારે તેની સામે સાજા થવાનો દર વધી 3.54 લાખ લોકો રિકવર થયા છે. આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં 2 કરોડ લોકો સાજા થઇ ઘેર ભેગા થઈ ગયા છે. અને સમગ્ર દેશમાં રિકવરી રેટ 82.75 ટકાએ પહોંચ્યો છે જે સ્થાનિક તંત્ર ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મોટી રાહતરૂપ છે.
છેલ્લા એક અઠવાડિયાના પરીક્ષણોમાં વધારો થયો છે તો પણ પોઝિટીવ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સતત એક સપ્તાહથી ઘટાડો ધરાવતા જિલ્લાઓની સંખ્યા 73 (એપ્રિલ 15-21 પર) થી વધીને 182 (એપ્રિલ 29- મે 5) સુધી પહોંચી ગઈ છે. એટલે કે આ 182 જિલ્લાઓ કોરોનાની બીજી લહેર માંથી ઝડપભેર બહાર નીકળી રહ્યા છે જેમાં ગુજરાતમાં સુરતનો સમાવેશ પ્રથમ ક્રમે છે.