રાજ્યભરની શાળાઓમાં આજથી ધો.1થી5ના વર્ગો શરૂ: રાજકોટ શહેર અને જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
વર્ગોમાં 50 ટકા સંખ્યા ક્ષમતાની મર્યદામાં વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે: સમાયંતરે વર્ગોનું સેનિટાઈઝેશન કરવાનું રહેસે તેમજ સ્કૂલોમાં હેન્ડ વોશિંગ- સેનેટાઈઝેશનની વ્યવસ્થા રાખવાની રહેશે: વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ કર્મચારીઓ માટે માસ્ક ફરજીયાત
જે વિદ્યાર્થીઓ સ્કૂલે ન આવે તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા યથાવત રાખવી પડશે
રાજ્યમાં અંદાજે દોઢ વર્ષના સમયગાળા બાદ શાળાઓ ફરી બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે અને સૌથી લાંબા વેકેશનનો અંત આવી ગયો છે.રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થયા છે. ધો.૧થી૫ની સ્કૂલો શરૃ કરવાની છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ અને આયોજન વચ્ચે સરકાર દ્વારા એકાએક આજથી ૨૨મી નવેમ્બરથી રાજ્યમાં ધો.૧થી૫ની સ્કૂલો શરૃ કરી દેવાની જાહેરાત કરી દેવાઈ છે.
સરકારના ઠરાવ મુજબ રાજ્યમાં આવેલી ગુજરાત,સીબીએસસઈ, આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની સ્કૂલોમાં ધો.૧થી૫ના વર્ગો શરૃ કરી શકાશે.સરકારના આ નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે પરંતુ વાલીઓ કોરોનાના ભય અને વેક્સિન બાકી હોવાને લીધે બાળકોને હજુ સ્કૂલે મોકલવામા દ્રિધામાં છે. જો કે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓસર્યા બાદ અને કોરોનાના કેસોમાં ઘટાડા સાથે સ્થિતિ કાબુમાં આવ્યા બાદ સરકાર દ્વારા તબક્કાવાર ધો.૬થી૧૨ની સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી દેવાઈ હતી.પરંતુ ધો.૧થી૫ની સ્કૂલો શરૃ કરવાની સરકારે મંજૂરી આપી ન હતી અને છેલ્લા ઘણા સમયથી ધો.૧થી૫ના વર્ગો ઓફલાઈન શરૃ કરવા માટે ચર્ચા ચાલી રહી હતી.
જ્યાં એક બાજુ વાલીઓ ધો.૧થી૫ માટે તૈયાર ન હતા.સરકાર દ્વારા દિવાળી બાદ ૧થી૫ના વર્ગો શરૃ કરવાનું આયોજન હતુ અને ૧લી ડિસેમ્બરથી સરકાર મંજૂરી આપે તેવી પુરી શક્યતા હતી.પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસમાં થોડો વધારો જોવા મળતા ડિસેમ્બરમાં પણ સ્કૂલો શરૃ થશે કે કેમ તે પ્રશ્ન હતો. જો કે અચાનક જ ગઈકાલે શિક્ષણમંત્રી ધો.1થી5ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી દેવાતા એક આતુરતાનો હવે અંત આવ્યો છે.
રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવામા આવ્યા છે. કોરોનાની જૂની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે ઓફલાઇન વર્ગો શરૂ કરવા આયોજન કરાયું છે. જોકે બાળકોને શાળાએ મોકલવા વાલીઓની મંજૂરી જરૂરી છે. તો સાથે જ શાળામાં બાળકોની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
પ્રાથમિક શાળાઓ શરૂ કરવાના નિર્ણયને આવકારતું રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
શિક્ષણમંત્રી જીતુભાઇ વઘાણીના ધો.1થી5ના વર્ગો શરૂ કરવાના નિર્ણયને રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવકાર્યું છે. આ તકે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું હતું કે, રિવ્યુ કમિટીએ દોઢ વર્ષથી બંધ રહેલ શાળાના ધો.1થી5ના વર્ગો શરૂ કરવા અને આ પરિસ્થિતિમાં બગડેલા શિક્ષણ અને બાળકોની મનોદશા નિવારણ અંગે તેમજ દરેક વિષયમાં અભ્યાસક્રમમાં શુ ફેરફાર કરી શકાય તે અંગે અભિપ્રાય લઈને બાળકોના હિતમાં ઉચિત અને ત્વરિત નિર્ણય કર્યો તે માટે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તમામ સભ્યો, શિક્ષણમંત્રી અને સરકારનો ખૂબ આભાર માને છે.
આગામી બે-ત્રણ દિવસોમાં 50 ટકા હાજરી સાથે પ્રાથમિક વર્ગો ધમધમશે: ડી.વી.મહેતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આવકારે છે. જો કે હવે, આગામી 2 થી 3 દિવસમાં પ્રાથમિક શાળાઓ ધમધમતી થઈ જશે. કેમ કે આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો છે જેથી હજુ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ માનસિક રીતે ત્યાર નથી. જેથી વાલીઓની પરવાનગી સાથે અમે તમામ ધો.1થી5ના વિદ્યાર્થીઓને ઓડઇવન મુજબ બોલાવશું. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ નહીં આવે તેની માટે ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ શરૂ જ રાખવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ બાદ નાના ભૂલકાઓ હવે શાળાએ આવવાના છે. ત્યારે માનસિક રીતે બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ માટે ત્યાર કરવામાં આવશે.
હવે, બાળકોને મોબાઇલની લત ઓછી થઈ જશે: જતીન ભરાડ
ભરાડ સ્કૂલના સંચાલક ડો.જતીનભાઈ ભરાડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાંબા સમયના અંતર બાદ આજથી ધો.1થી5ના વર્ગો ફરી શરૂ થયા છે. ત્યારે બાળકો, વાલીઓ અને શિક્ષકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારથી પત્યક્ષ શિક્ષણ શરૂ થશે. જો કે હવે આતુરતાનો અંત આવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાથી બાળકોને મોબાઈલની લત પણ ઓછી થઈ જશે અને બાળકોનો સર્વાંગી વિકાસ તો માત્ર અને માત્ર સ્કૂલમાં જ થઈ શકે. આગામી ગુરૂવારથી અમે પ્રાથમિક શાળાઓ શરૂ કરશું .તે માટેની ત્યારી પણ થઈ ગઈ છે અને તમામ ઓરડા પણ સેનેટાઇઝ કરી દેવામાં આવ્યા છે.
બાળકોનો સર્વાંગી વિકાસ તો શાળામાં જ થાય ઘરમાં નહીં: વાલી
પ્રાથમિક શાળાઓ આજથી લાંબા સમયના અંતર બાદ શરૂ થઈ છે ત્યારે વાલીઓનું કહેવું છે ખરા અર્થમાં તો બાળકોનો સર્વાંગી વિકાસ શાળામાં જ થાય ના કે ઘરમાં. હવે જ્યારે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થયું છે જેનાથી બાળકોનો અભ્યાસ બગડતો પણ અટકશે અને મોબાઈલમાં ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ હતું જેનાથી બાળકોને મોબાઇલની લત લાગી હતી તે પણ દૂર થશે.