ધરતીનો છેડો ‘ઘર’. દુનિયા આખામાં તમે ગમે તેવી સુખ સુવિધામાં રહો પણ અંદરનો આરામ તો તમને તમારું ઘર જ આપી શકે. રાવણ દહન પછી બધા વિજયમાં મશગૂલ હતા, ત્યારે રામનું મન અયોધ્યાના મહેલમાં પહોંચી ગયું હતું. ઘર વિશે આનાથી મોટું ઉદાહરણ કોઈ બીજું ના હોય શકે. આજના યુગમાં લોકો ગામડાથી શહેર તરફ ભાગ્ય છે, ત્યાં બધા પોતાના સપનાના ઘર માટે વલખા મારી રહ્યા છે.
માણસ માત્ર શરૂઆતથીજ સલામતી ઈચ્છતો આવ્યો છે. જીવન જરૂરિયાતની સલામતીની વાત કરીયે તો તેમાં ‘ઘર’નો સમાવેશ થઈ શકે. ‘પોતાના ઘર’ની પ્રથા માનવ સાથે બીજા અન્ય જીવ માત્રમાં પણ જોવા મળે છે. જેમ પક્ષીઓ પોતાનો માળો બનાવે, પ્રાણીઓ જંગલમાં પોતાના આસરા માટે ગુફા બનાવે. આવી રીતે દરેક જીવમાત્ર પોતાની સલામતી માટે એક આસરો બનાવી જ લે છે.
આજના જમાનામાં પોતાના ઘરનું મહત્વ !
વિવેક બુદ્ધિથી વિચાર કરીયે તો આજના યુગમાં તમારું પોતાનું ઘર એ એક તમારી ઓળખાણ ઉભી કરે છે. તમારા ઘર દ્વારા તમારી આર્થિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. આજે પણ પુત્ર કે પુત્રીના લગ્નની વાત આવે તો સૌથી પહેલા “પોતાનું ઘર” છે, તે વાત કરવામાં આવે છે. આજના યુગમાં કામ કરતો દરેક માણસની “પોતાનું ઘર” બનાવની પ્રબળ ઈચ્છા હોય છે.