- જેલમાં લાંચ લેતા કર્મચારી રંગે હાથ ઝડપાયો
- લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ પાસેથી લાંચ લેવાના કેસમાં પ્રતિક સસાને ACBએ ઝડપ્યો
- આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ
- ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
સુરત: એસીબીએ ગતરોજ લાજપોર જેલમાં છટકું ગોઠવી બે કેદીની મુલાકાત કરાવવા કેદી દીઠ રૂ.500 લેખે રૂ.1000 ની માંગણી કરી પૈસા સ્વીકારતા જે ખાનગી વ્યક્તિને ઝડપી લીધો હતો તે ભેસ્તાનનો યુવાન પ્રતીક સસાને મારામારીના ગુનામાં જેલની હવા ખાધા બાદ જેલના ભ્રષ્ટાચારીઓનો ટાઉટ બની ગયો હતો.પ્રતીક નોકરીએ આવતો હોય તેમ રોજ જેલમાં આવે છે.એસીબીએ ગતરોજ તેને પકડયો ત્યારે ખિસ્સામાંથી રોકડા રૂ.65,884 મળ્યા હતા.
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલશ સસાને (ઉ.વ. 34, ) ને ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. ACB ને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે રૂ.500 થી રૂ. 2,000 સુધીની લાંચ લેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે રૂ.10,000 થી રૂ.1,00,000 સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી.
આ માહિતીની ખાતરી કરવા ACB ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું. 17/02/2025 ના રોજ ડિકોય ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલીફોન બુથ નં. 19 પર આરોપી પ્રતિક કૈલશ સસાને એ ડિકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂ.1,000 ની લાંચની માંગણી કરી.
લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACB ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો. આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોાયેલા છે કે કેમ….
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય