આપાતકાલીન સ્થિતિમાં આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપી તબીબ અને નર્સિંગ સ્ટાફ સાથે સિવિલમાં ખસેડવામાં આવે છે: ઇમરજન્સી વોર્ડમાં 4 એનેસ્થેટિક, 2 રેસીડેન્ટ અને 10 નર્સિંગ સ્ટાફની ટીમ કાર્યરત
રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલના નિર્માણ બાદ સૌરાષ્ટ્રવાસીઓનો તેમના પરનો ભરોસો વધુ દ્રઢ થઈ રહ્યો છે. ત્યારે અબતક મીડિયા દ્વારા એઇમ્સના ઇમરજન્સી વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અદ્યતન સાધનોથી સજ્જ ઇમરજન્સી વિભાગ દર્દીઓની સારવાર માટે હંમેશા તત્પર રહે છે.
આપાતકાલીન સ્થિતિમાં આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને નિષ્ણાત અને નર્સિંગ સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
આ અંગેની માહિતી મુજબ એઇમ્સ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ કાર્યરત થઈ ગયો છે.
જેમાં 4 સ્પેશિયાલીસ્ટ ડોકટર, 4 રેસીડેન્ટ ડોકટર અને સુપર સ્પેશિયાલીસ્ટ નર્સિંગ સ્ટાફ કામ કરી રહ્યા છે. એક સપ્તાહમાં એઇમ્સ હોસ્પિટલ ખાતે 10-15 જેટલા દર્દીઓ ઇમરજન્સી વોર્ડમાં આવે છે. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જ રિફર કરવામાં આવે છે. આ સાથે ટૂંક સમયમાં જ ઇમરજન્સી વોર્ડમાં વધુ સઘન અને સવલતો ઉમેરવામાં આવશે.
ઇમરજન્સી વોર્ડમાં સપ્તાહના 10-15 દર્દીઓ આવે છે: ડો.ખુશ્બુ
અબતક સાથેની વાતચીતમાં ઇમરજન્સી વોર્ડના ડો.ખુશ્બૂએ જણાવ્યું હતું કે, એઇમ્સ ખાતે કાર્યરત ઇમરજન્સી વોર્ડમાં હાલ એક સપ્તાહમાં 10-15 દર્દીઓ આવે છે. વોર્ડમાં આવતા દર્દીઓને સૌપ્રથમ મોનીટરીંગ કરી તેની તકલીફને હળવી કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. હાલ ઇમરજન્સી વોર્ડમાં હૃદય, ડાયાબિટીસ, અને છાતીના દુખાવાના દર્દીઓ વધુ આવતા હોય છે. જેના માટે ઇમરજન્સી વોર્ડમાં સ્ટાફ હમેશા દર્દીઓની સારવાર માટે તત્પર રહે છે. સૌપ્રથમ ઇમરજન્સી વોર્ડમાં આવતા દર્દીઓની સ્થિતિ જોઈ તેમને લગતી તમામ પ્રાથમિક સારવાર આપી તેને સ્ટેબલ કરવામાં આવે છે. દર્દીની સ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ તેમને સ્પેશિયલ કાર્ડિયાક એમ્બ્યુલન્સમાં એક તબીબી નિષ્ણાત અને નર્સિંગ સ્ટાફ સાથે રાખી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે.
તાત્કાલિક સારવાર શરૂ કરી દર્દીની સ્થિતિને કાબૂ કરવામાં આવે છે: ડો.અભિલાષા
એઇમ્સ હોસ્પિટલમાં કાર્યરત ઇમરજન્સી વોર્ડ અંગે માહિતી આપતા ડો. અભિલાષાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇમરજન્સી વોર્ડમાં અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ છે. જેમાં આધુનિક મોનીટર, ઇસીજી મશીન સહિતની સાધન સામગ્રી સાથે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આપાતકાલીન સ્થિતિમાં આવતા દર્દીઓને સૌપ્રથમ મોનીટર કરીને તેને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવે છે. દર્દીઓની ખાસ દેખરેખ રાખી તેમને મોનીટર કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઇમરજન્સી વિભાગમાં હાલ 10 બેડની સુવિધા રાખવામાં આવી છે.જ્યારે ઇમરજન્સી વિભાગની ટીમમાં 4 નિષ્ણાત તબીબો, 4 રેસીડેન્ટ અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે.