ચૂંટણીને અપવિત્ર બનાવવામાં દેશના વિનિપાતનો અભિશાપ ! સવા અબજ લોકોની મીટ
દેશની સૌથી મોટી લોકશાહી હોવાનો ગર્વ લેતા ભારત પાસેથી સૌ એવી અપેક્ષા રાખતા હોવા જોઈએ કે આ વખતની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં જબરદસ્ત પરિવર્તન આવશે.
આપણા દેશની વર્તમાન હાલત જોતા અહીં આવા પરિવર્તનની તાતી આવશ્યકતા છે. એવું દીવા જેવું દેખાય છે. જોકે અહી એવો સવાલ ઉઠાવાય છે કે, જે દેશ ચૂંટણી યોજવામાં કલ્પનામાં ન આવે એટલો જંગી ખર્ચ કરેઅને એકથી વધુ તબકકાઓમાં મતદાનની રીત અપનાવે એને કેવો ગણવો અને એની લોકશાહીને કેવી ગણવી?
શું એ નવાઈજનક નથી લાગતું કે લોકસભાની ૫૪૩ બેઠકોની ચૂંટણી દશ તબક્કાના મતદાન સુધી પહોચે? અલબત બધી જ ચૂંટણીઓ એક સરખા તબકકાના મતદાન દ્વારા જ થાય એવું નથી, તો પણ જયારે એ ચાર-પાંચ તબકકાના મતદાન સુધી પહોચી જાય છે. ત્યારે તે આશ્ચર્યજનક લાગ્યા વિના રહેતું નથી અને અકારૂ પણ લાગે જ છે! વહીવટીતંત્ર માટે એ શોભાસ્પદ નથી રહેતું ! ભાગ્યે જ કોઈ દેશમાં ભારત જેવી વાહિયાત અને બેહૂદી ચૂંટણી પ્રક્રિયા અપનાવાતી હશે ! આપણા દેશમાં આવી કઢંગી ચૂંટણી પ્રક્રિયા અપનાવવી જ પડે તેવી દલીલ જો ચૂંટણી પંચના સત્તાધીશો કરે તો એનો એક અર્થ એવા થાય કે આપણા દેશમાં કેટલાક પ્રદેશો કાયદો-વ્યવસ્થાની જાળવણી બાબતમાં સ્ફોટક છે. અને ત્યાં મતદાન વખતે અશાંતિ-અરાજકતા ન સર્જાય તે માટે પોલિસે તેમજ સૈનિકોના પહેરાની ખાસ ગોઠવણો કરવાનું અનિવાર્ય બને છે!…
જો કે, આવું બધું રાજકીય ક્ષેત્રનાં તથા રાજકીય પક્ષો અને તેના નેતાઓનાં લાભા લાભ અર્થે જ ગોઠવાતું હોવાની ટીકા-ટિપ્પણી થયા વિના રહેતી નથી!
આ અગાઉની ચૂંટણીઓમાં અત્યારના જેવી સ્થિતિ નહોતી. એમ કહેવાતું રહ્યું છે કે, ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેવા આશયથી મતદાન વિભિન્ન તબકકામાં કરાવાય છે. સુરક્ષા કર્મીઓની સંખ્યા જરૂરિયાત કરતાં સારી પેઠે હોવાનાં કારણે આવી વ્યવસ્થા ગોઠવવી પડે છે. એવો બચાવ પણ થાય છે. આવા કર્મીઓને જુદા જુદા ઠેકાણે મોકલવાની ગોઠવણો થાય છે. એવું સત્તાવાળાઓ દર્શાવતા રહે છે… જો આ વાતને સ્વીકારીએ તો એક એવો સવાલ જાગે જ કે, જો ચૂંટણી પ્રક્રિયાને ‘ફૂલપ્રુફ’ બનાવવા માટે અને એક જ તબકકાની ચૂંટણી કે મતદાન માટે જોઈતી સુરક્ષાની ગોઠવણ ન થઈ શકે તો પાકિસ્તાન જેવા શત્રુ દેશો સાથે યુધ્ધને વખ્તે આવશ્યક સૈનિકોની ગોઠવણો કેમ કરી શકાય?
બીજી એક સૌનું ધ્યાન ખેંચવા જેવી બાબત એ છેકે, એક કરતાં વધુ તબકકામાં થતા મતદાનને કારણે સૌથી વધુ સાનુકૂળતા અને ફાયદો એવા રાજકીય પક્ષોને થાય છે કે જે જે તબકકાની ચૂંટણી પૂરી થઈ જાય ત્યાં પ્રચાર અને અન્ય મહત્વની કામગીરીઓ માટે રોકાયેલા કાર્યકરો તેમજ મોટાં માથાઓ બાકી રહેલા તબકકાઓમાં પહોચી જઈ શકે છે. અને પક્ષની નિશ્ચીત રણનીતિ અનુસાર વિવિધ કામગીરીઓમાં જોડાઈ જઈ શકે છે. આમાં છેલ્લી ઘડીના પ્રચાર સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે…અશાંતિ સર્જાવાની વધુમાં વધુ સંભાવના આ છેલ્લી ઘડીની ગતિવિધિઓ વખતે થતી હોવાનો ભય રહે છે!
આપણા દેશની કરૂણા એ છે કે, આપણા દેશની ગરીબડી પ્રજા હજુ એવીને એવી જ રહી છે. એની ગરીબાઈ દૂર થાય કે કમસેકમ એમાં રાહત મળે એવી માનવતાભીની કામગીરીમાં શ્રીમંતોને રસ નથી, ધરમના થાંભલાઓને રસ નથી કે રાજકીય પક્ષોનાં ખેરખાંઓને રસ નથી. આ બધા એવા ખ્વાબમાં રાચે છે કે, તેઓ સર્વોપરિ છે. રાજકર્તાઓ અને રાજપુરૂષો રાજા-મહારાજા અને શહેનશાહ જેવી માનસિકતા ધરાવતા થઈ ગયા છે. આ માનસિકતા બેહદ ગંદી છે. અને ઘાતક પણ છે. એ ગરીબો ભૂખ્યાજનોનો પૂણ્યપ્રકોપ ભભૂકાવી શકે છે. યુવાપેઢીને ધુંવાફૂંવા કરી શકે છે.
કહે છે કે, ગરીબાઈ જેવી બેરહમ મશ્કરી કોઈ કરતું નથી. અને ભૂખ્યાજનોનાં અભિશાપથી વધુ વિનાશક અન્ય કશું જ હોતું નતી. ચૂંટણી પ્રક્રિયામાં અપવિત્રતા આચરનારાઓને આ વધુ લાગૂ પડે છે. કારણ કે એમાં પ્રજાદ્રોહ, વચનદ્રોહ, અને માતૃભૂમિના દ્રોહનું પાતક લાગે છે. એમ મહાત્મા ગાંધીએ દર્શાવ્યું છે. સિધ્ધાંતને નેવે મૂકતું રાજકારણ બહૂમુખી પતન નોતર્યા વિના રહેતું નથી… મતિભ્રષ્ટતા એનું પ્રથમ ચરણ બને છે, જે સાચુ કશું જ સુઝવા દેતુ નથી!
લોકસભાની ચૂંટણી દરમ્યાન આપણો દેશ અને રાજકારણીઓ આવા વિનિપાતથી બચે અને ઉજજવળ ભવિષ્ય માટેની દિવ્યોત્તમ તેજસ્વિતા પામે એમ કોણ નહિ ઈચ્છે અને કોણ નહિ વર્તે ?
આપણા ઈષ્ટદેવ અને ગૂ‚વર્યએ પામવાની સહુને બુધ્ધિ તેમજ બળ આપે તેવી પ્રાર્થના !