ચૂંટણી પંચે આગામી ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને વીવીપીએટી મશીનોથી કરાવવાનો નિર્ણય લીધો છે. જો કે નિશ્ચિત મતદાન કેન્દ્રો પર આમાંથી નીકળનાર પેપર વોટનું અનિવાર્ય કાઉન્ટીંગ નહી થાય. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચ હાલ એક નિશ્ચિત ટકાવારીની વોટીંગવાળા મતદાન કેન્દ્રો પર અનિવાર્ય વીવીપીએટી પેપર વોટનું કાઉન્ટીંગ કરાવવાના પક્ષમાં નથી અને તેનુ ધ્યાન ફકત નવી વ્યવસ્થા યોગ્ય રીતે લાગુ કરવા પર છે.આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ચરણબદ્ધ રીતે આગળ વધવા માંગીએ છીએ. ગોવામાં પહેલીવાર ઉપયોગમાં લેવાયા બાદ ગુજરાત અને હિમાચલની ચૂંટણી મોટા રાજયોની ચૂંટણી પહેલા થશે જયાં વીવીપીએટી આધારિત વોટીંગ થશે. તેમણે કહ્યુ હતુ કે, દરેક વિધાનસભામાં મતદાન કેન્દ્રોની નિશ્ચિત સંખ્યા પર પેપર ટ્રેલના કાઉન્ટીંગ પહેલા આ નવી વ્યવસ્થાને યોગ્ય રીતે લાગુ કરવાની જરૂર છે.વીવીપીએટી મશીનો ઇવીએમ પર નોંધાયેલ દરેક વોટનું પ્રિન્ટ આઉટ આપે છે. કોઇપણ વિવાદની સ્થિતિમાં આ પેપર ટ્રેલનો ઉપયોગ થઇ શકે છે. પંચનું કહેવુ છે કે કાઉન્ટીંગ નિયમોમાં પહેલેથી જ એવી વ્યવસ્થા છે કે જો ઉમેદવાર પરિણામથી સંતુષ્ટ ન હોય તો પેપર ટ્રેલ કાઉન્ટ કરાવી શકે છે. તેમણે કહ્યુ હતુ કે ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં પણ આ ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે.