મતદાર યાદીનો ‘ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ જાહેર
તા.૯ થી ૧૨ સુધી નવા ચૂંટણીકાર્ડ કઢાવવા, નામ-સરનામામાં ફેરફાર કરવા સહિતની કામગીરી સંબંધીત વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કચેરી ખાતે થશે
કોઈપણ બે રવિવારની ઝુંબેશમાં ચૂંટણી નિરીક્ષક મનિષા ચંદ્રા નિરીક્ષણ અર્થે રહેશે હાજર
- ફોર્મ નં.૬: મતદાર યાદીમાં નામ દાખલ કરવા
- ફોર્મ નં.૭: મતદાર યાદીમાં નામ કમી કરવા
- ફોર્મ નં.૮: મતદાર યાદીમાં નોંધેલ વિગતો સુધારવા
- ફોર્મ નં.૮-ક: મતદાર યાદીમાંની નોંધ બદલવા
ખાસ ઝુંબેશના દિવસો
- તા.૨૨ નવેમ્બર, રવિવાર
- તા.૨૯ નવેમ્બર, રવિવાર
- તા.૬ ડિસેમ્બર, રવિવાર
- તા.૧૩ ડિસેમ્બર, રવિવાર
ચૂંટણી તંત્ર દ્વારા તા.૧-૧-૨૦૨૧ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૧ અને ખાસ ઝુંબેશના દિવસોનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૯ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી યોજાનાર છે. આ દિવસો દરમિયાન કોઈપણ વ્યક્તિ મતદાર ફોર્ન નં.૬,૭,૮ અને ૮-ક સંબંધી વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારની કચેરી ખાતે રજૂ કરી શકશે. કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશના દિવસો પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં નજીકના મતદાર મથક ખાતે બુથલેવલ ઓફિસરને સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ફોર્મ નં.૬,૭,૮ અને ૮-ક આપી શકશે. આ ખાસ ઝુંબેશના દિવસો તા.૨૨ નવેમ્બરને રવિવાર, તા.૨૯ નવેમ્બરને રવિવાર, તા.૬ ડિસેમ્બર રવિવાર અને તા.૧૩ ડિસેમ્બરને રવિવાર છે. મતદાન મથકોની સંખ્યા જોઈએ તો ૬૮-રાજકોટ પૂર્વમાં ૨૬૩, ૬૯-રાજકોટ પશ્ર્ચિમમાં ૩૦૮, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨૨૮, ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૩૬૭, ૭૨-જસદણમાં ૨૬૧, ૭૩-ગોંડલમાં ૨૩૬, ૭૪-જેતપુરમાં ૨૯૮ અને ૭૫-ધોરાજીમાં ૨૭૧ છે. કુલ ૨૨૩૨ બુથ માટે ૨૨૩૨ બીએલઓને ફરજ સોંપણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઝુંબેશ દરમિયાન કોઈપણ બે રવિવારે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂંક થયેલા રાજકોટના પૂર્વ કલેકટર મનિષા ચંદ્રા પણ રાજકોટની મુલાકાત લેવાના છે અને ચૂંટણીની કામગીરીનું નિરીક્ષણ કરવાના છે.
છેલ્લી મતદાર યાદી મુજબ રાજકોટ જિલ્લામાં ૨૧.૮૭ લાખ મતદારો
જિલ્લામાં ૧૧.૩૭ લાખ પુરૂષો, ૧૦.૪૯ લાખ મહિલાઓ અને ૨૭ થર્ડ જેન્ડર
જિલ્લામાં છેલ્લી મતદાર યાદી મુજબ ૨૧.૮૭ લાખ મતદારો નોંધાયા છે. જેમાં ૬૮-રાજકોટ પૂર્વમાં ૨.૭૯ લાખ, ૬૯-રાજકોટ પશ્ર્ચિમમાં ૩.૩૮ લાખ, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨.૫૦ લાખ, ૭૧-રાજકોટ રૂરલમાં ૩.૩૨ લાખ, ૭૨-જસદણમાં ૨.૪૦ લાખ, ૭૩-ગોંડલમાં ૨.૨૦ લાખ, ૭૪-જેતપુરમાં ૨.૬૫ લાખ, ૭૫-ધોરાજીમાં ૨.૬૧ લાખ આમ સિટી વિસ્તારમાં ૮.૬૮ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩.૧૯ લાખ મતદારો નોંધાયા છે. જિલ્લામાં ૧૧.૩૭ લાખ પુરૂષો અને ૧૦.૪૯ લાખ મહિલાઓ તેમજ ૨૭ થર્ડ જેન્ડર નોંધાયા છે.