અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ હવે મ્યુકોરમાઈકોસિસની મહામારીએ લોકોને ભરડામા લીધી છે. લોકોમાં આ બિમારીનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના પાલડીમાં રહેતા વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો અને ડાયાબીટીસ હતો. જેથી બ્લેક ફંગસ થઈ જશે તેવો ડર સતાવી રહ્યો હોવાથી ઝેર દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશનમાં આવી છે. આ અંગે પાલડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
પાલડી વિસ્તારના અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ એકલા રહે છે. તેમના દિકરાઓ મુંબઈ ખાતે રહે છે. બે દિવસ પહેલા અચાનક નિરંજનભાઈએ પોતાના ફ્લેટના ધાબે જઈને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ફ્લેટના લોકોને આ અંગેની જાણ થતા તેઓ ભેગા થઈ ગયા હતા અને નિરંજનભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિજ્યું હતું.
પોલીસે તેમના દીકરાનું નિવેદન લઈ તપાસ કરી ત્યારે જણાવા મળ્યું હતું કે, નિરંજનભાઈને ચાર મહિના પહેલા કોરોના થયો હતો. જો કે ત્યાર બાદ તેઓ નોરમલ થઈ ગયા હતા. પરંતુ તેમને ડાયાબીટીસ હોય અને હાલ ચાલી રહેલી બ્લેક ફંગસની બિમારી તેમને થઈ જશે તેવો ડર તેમને અવાર નવાર સતાવવા લાગ્યો હતો. જેના કારણે નિરંજભાઈ ફ્લેટના ધાબે જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે પાલડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.