એરપોર્ટ ફાટક નજીક ઢોસાની દુકાન ધરાવતા વેપારી અને તેના પુત્ર ઘાયલ
શહેરમાં ગાયકવાડીમાં રહેતા અને એરપોર્ટ ફાટક પાસે ઢોસાની દુકાન ધરાવતા વેપારી પર અને તેના પુત્ર પર તેના જ સગા મોટા પુત્રએ વાપરવાના પૈસા માગી છરી વડે હુમલો કરતા બંનેને ઈજા થતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથધરી છે.
વિગતો મુજબ જંક્શન પ્લોટ, ગાયકવાડી-6માં રહેતા મુર્ગનભાઇ ઉર્ફે રાજુભાઇ ગોપાલભાઇ નાડાર નામના પરપ્રાંતીય પ્રૌઢે તેના જ મોટા પુત્ર મણીરાજ ગોપાલ સામે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં એરપોર્ટ રોડ પર મદ્રાસ કાફેના નામથી ખાણીપીણીનો ધંધો કરતા પ્રૌઢની ફરિયાદ મુજબ, મંગળવારે બપોરે તેઓ પત્ની સેલ્વી, નાનો પુત્ર માંડાસ્વામી, બે ભાણેજ રાજા, સુધાકર ધંધાના સ્થળે હતા. ત્યારે મોટો પુત્ર મણીરાજ ત્યાં આવ્યો હતો. અને પત્ની પાસે વાપરવાના પૈસા માગ્યા હતા.
જેથી પત્નીએ ના પાડતા તેની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતો હતો. ત્યારે પોતે ત્યાં જઇ તું કંઇ કામકાજ કરતો નથી એટલે પૈસા નહિ મળે. આટલું બોલતાની સાથે જ પુત્ર મણીરાજ ઉશ્કેરાય જઇ નેફામાંથી છરી કાઢી કમરમાં તેમજ મોઢા પર ઘા ઝીંક્યા હતા. જેથી પોતે ત્યાં જ જમીન પર ફસડાઇ પડ્યા હતા. પત્ની અને નાના પુત્રે મણીરાજને પકડવાની કોશિશ કરતા મણીરાજે નાના પુત્ર માંડાસ્વામીને ગળા અને હાથમાં બે ઘા ઝીંકી નાસી ગયો હતો. બાદમાં પુત્ર અને પોતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા કપાતર પુત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.