જીંદગીની કરૂણતા એ નથી કે આપણે કેટલું સહન કર્યું, પણ આપણે જીંદગીમાં શું શું ગુમાવ્યું તે છે!
વસમી વિદાય
પીઆઈ જયદેવને તેના વિરૂધ્ધ ઉભી કરવામાં આવેલી ખોટી ખાતાકીય તપાસ અને પ્રીસાઈડીંગ અધિકારી વગર કારણે જે રીતે સમિક્ષા (જજમેન્ટ) લખવામાં વિલંબ કરી રહ્યા હતા તે પણ જયારે ખોટા આક્ષેપો સબબનું સુપ્રિમ કોર્ટનું પ્રમાણિત રૂલીંગ મોકલવા છતા જે વિલંબ કરતા હતા તેથી તેને હવે પોતાના ખાતા ઉપરથી જ વિશ્ર્વાસ ઉઠી ગયો હતો. કેમકે પ્રમોશન માટે આખરી કલીયરન્સ જે માગવામાં આવે તેની કાર્યવાહી તો અઠવાડીયામાં જ પુરી કરી નાખવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં આવુ કલીયરન્સ (આખરી)નું પુછાણ ઓચિંતું આવી જાય તો જયદેવનું પ્રમોશન તો જાય જ અને ફરી પ્રમોશન અપાયત પહેલા તો જયદેવ નિવૃત થઈ જવાનો હતો, કેમકે જયદેવને હવે નિવૃત્તિને ચાર પાંચ મહિના જ બાકી હતા.
મેરી આવાજ સુનો !
આથી જયદેવ વિચાર્યું કે આ શહેર કોટડા પોલીસ મથકના દારૂબંધીના ગુન્હાના આરોપી અને ફરજ મૂકત પીઆઈ એ જે ગુન્હો જામીન લાયક હોવા છતા કાવત્રુ કરી અદાલતને ગેરમાર્ગે દોરી ને જે ડીફોલ્ડ જામીન હુકમ મેળવેલ છે તે હુકમને જ ખોટો ઠેરવવા માટે આ બાબત હજુ સબજયુડીશ અને અરજી પ્રીમેચ્યોર હોવાથી રીવીઝન કરવા માટે મેટ્રોપોલીટન કોર્ટના એ.પી.પી. (સરકારી વકીલ) દ્વારા ઉપલી અદાલત એટલ કે અમદાવાદ સીટી સેશન્સમાં દાદ માંગવા માટે અરજી કરવી.
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના સરકારી વકીલે જણાવ્યું કે આ અરજી કાયદા મુજબ રીવીઝનમાં દાખલ કરવા લાયક હોય ગાંધીનગર ખાતે રાજયનાં કાયદા વિભાગને મંજૂરી માટે મોકલી. રાજયનાં કાયદા મંત્રાલયે પણ પોલીસ કસ્ટડીના ૨૪ કલાક જયુડીશીયલ કસ્ટડી ગણાય નહીં તે બાબતની નોંધ લઈ ચાર્જશીટ સમય મર્યાદામાં જ થયેંલુ હોય થયેલો ડીફોલ્ડ જામીન હુકમ ન્યાયીક ગણાય નહી તેમ હુકમ કરી સીટી સેશન્સના સરકારી વકીલને રીવીઝન કરવા જણાવ્યું.
જયદેવે રાજયના કાયદા મંત્રાલયના આ ‘ચાર્જશીટ’ સમય મર્યાદામાં જ થયેલું છે’ તેવા સરકારી વકીલને કરેલ હુકમની નકલ મેળવી ફરીથી પોતાના ખાતાને એટલે કે પોલીસ કમિશ્નરને હુકમની નકલ સાથે રૂબરૂમાં અરજી આપી અને વિનંતી કરી કે ન્યાયના હિતમાં આ ખાતાકીય તપાસ ડ્રોપ કરવામાં આવે. પરંતુ જેની આંખમાં શાંતી અંગેનો ખોટો પુર્વગ્રહ અને દ્વેષ ચડી ગયેલા હતા તે અરજી સ્વીકારતા હતા પણ કાયદા મંત્રાલયે આપેલ અભીપ્રાય ને લક્ષમાં લેતા ન હતા જો કે સુપ્રિમ કોર્ટના રૂલીંગને ગણકારે નહી તો કાયદા મંત્રાલય કઈ વાડીનો મુળો ? ટુંકમાં પોતે કોઈ ન્યાયીક કાર્યવાહી કરવા જ માગતા ન હતા. પોલીસ ખાતામાં બોસ ઈઝ ઓલવેઝ રાઈટ ! ગુલામી.
પોલીસ દળના નીચેના દરજજાના અધિકારીઓની મજબુરી જુઓ કે એક સનદી અધિકારી પોતાનો ખોટો અને ગેરકાયદેસર એવો ઈગો અને પૂર્વગ્રહ સંતોષવા રાજયના કાયદા વિભાગ તથા બબ્બે સરકારી વકીલો કે જે કાયદાના નિષ્ણાંતો ગણાય તેના અભિપ્રાયને પણ માનવા તૈયાર ન હતા. ‘સાપ ગયાને લીસોટા રહ્યા’ માફક અંગ્રેજો ગયા પણ હોદાના ઓઠા તળે આવા અમુક નઠોર અધિકારીઓ પોતાનો ગુલામીનો હુકમ હજુ લોકશાહી દેશમાં ચલાવી રહ્યા છે.
આ ખાતાકીય તપાસ ચલાવતા પ્રિસાઈડીંગ અધિકારી અંગે જાણવા મળ્યું કે તે પણ પોલીસ કમિશ્નરના ખાસ પટ્ટ શિષ્ય છે. પરંતુ આખરે ખેંચી ખેંચીને પણ શરમાઈને ખાતાકીય તપાસની સમીક્ષા લખી કે ‘જયદેવ નિર્દોષ’ છે અને તેની નકલ પોલીસ કમિશ્નરને મોકલી, આથી પૂર્વ ગ્રહિત પોલીસ કમિશ્નરને તો હવે ‘જયદેવને દોષ મૂકત’ જાહેર કરવાનો હુકમ કરવા સિવાય છૂટકો ન હતો. પરંતુ જેના મનમાં અહંમ્, દ્વેષ અને પાપ હોય તેઓ ગમે તેવા કારણો વિકલ્પો શોધી લેતા હોય છે. તેમ પોલીસ કમિશ્નરે પ્રીસાઈડીંગ અધિકારી તરફથી જયદેવ નિર્દોષ હોવાનું પ્રકરણ પોતાની પાસે ઈરાદાપૂર્વક પેન્ડીંગ રાખી મૂકયું અને તે અંગે કોઈ હુકમ કર્યો નહી.
કમનસીબે તે જ સમયે પ્રમોશન માટેનું આખરી કલીયરન્સ પૂછાણ રાજયનાં ગૃહખાતામાંથી કમિશ્નર કચેરીમાં આવી ગયું કે પ્રમોશન માટેના અધિકારીઓ વિરૂધ્ધ કાંઈ પેન્ડીંગ છે ? આ વખતે પ્રમોશનમાં જયદેવનું નામ પ્રથમ ક્રમાંકે જ હતુ પરંતુ પોલીસ કમિશ્નરે દ્વેષ બુધ્ધીથી જયદેવ નિર્દોષ હોવાનું જાણતા હોવા છતાં જયદેવ વિરૂધ્ધ ખાતાકીય તપાસ પેન્ડીંગ હોવાનો ઉલ્લેખ કરી આખરી કલીયરન્સ રીપોર્ટ ગૃહખાતાને મોકલી દીધો. આ રીપોર્ટ મોકલીને બીજે જ દિવસે પોલીસ કમિશ્નરે જયદેવના ખાતાકીય તપાસની વિશેષ સમિક્ષા લખી હુકમ કર્યો કે જયદેવ નિર્દોષ છે.
પરંતુ જયદેવની જવલંત કારકીર્દી ઉપર વ્રજઘાત થઈ ચૂકયો હતો. ભલે જયદેવનો વધ ન થયો પણ તેનો વધ અવશ્ય થયો. કાર્યદક્ષ અને સ્વમાની અધિકારી માટે તો આ બાબત મૃત્યુ જેટલી જ વસમી ગણાય.
આમ છતા જયદેવે હિંમત હાર્યા સીવાય પોલીસ કમિશ્નરની આ આખરી સમિક્ષા કે જેમાં ‘જયદેવ નિર્દોષ’ હોવાનો હુકમ તેમજ આખરી વિશેષ સમિક્ષાની થયેલી વિલંબીતતાના સંજોગો અને કારણો સાથે તેણે લેખીતમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગમાં રૂબરૂમાં જઈ રજૂઆત કરી અને પોતાનું નામ પ્રમોશનમાં વિચારણામાં લેવા જણાવ્યું કારણ કે હજુ પ્રમોશનો જાહેર થયા નહતા. અને જાહેર થવામાં હજુ સમય લાગે તેમ હતો. પરંતુ પારદર્શકતાના ઢોલ વગાડતા તંત્રમાં ગૃહ વિભાગમાં પણ કઈ રીતે વહીવટ ચાલતો હોય ભગવાન જાણે ! એકાદ મહિના પછી એટલે કે જયદેવની નોકરીનો સમય હવે ત્રણ મહિના બાકી હતો. ત્યારે એક દિવસ પીઆઈથી ડીવાયએસપીના પ્રમોશનો નો હુકમ થયો તે પ્રમોશન યાદીમાં જયદેવનું નામ નહતુ આથી જયદેવને વગર કારણે થયેલી આવી ભયંકર સજા અંગે ખૂબજ દુ:ખ થયું આ પ્રમોશન યાદીમાં એવાના નામ પણ હતા કે જેમની વિરૂધ્ધ ભૂતકાળમાં ગુન્હા દાખલ થયા હતા સસ્પેન્ડ થયેલા હતા અને જયદેવથી જૂનીયર પણ હતા !
ગુલામીમાંથી સ્વેચ્છીક કવોરંટાઈન !
રાત્રે પ્રમોશનનાં હુકમો નીકળ્યા અને સવારના જયદેવ કોર્ટ મુદતમાં રાજકોટ જવા નીકળ્યો, તેણે મનમાં ભારે હૈયે એવું નકિક કર્યું કે ખાતાને જો કદર ન હોય તો મારે પણ હવે આ ગુલામી કરવાનો કોઈ અર્થ નથી જયદેવે સૌરાષ્ટ્રમાં આવી કોર્ટ મુદતપુરી કરીને સીક રજા ઉપર ઉતરી ગયો. હવે જયદેવને નિવૃત થવાને ૯૦ દિવસ બાકી હતા. આ ત્રણ મહિના દરમ્યાન જયદેવે તેને થયેલા અન્યાય અંગે એક અહેવાલ તૈયાર કર્યો જેમાં તેની વિરૂધ્ધ થયેલી અન્યાયી કાર્યવાહી અંગેની ભૂમિકા મુદાવાઈઝ કાયદાકીય આધારો સાથે નોંધ કરી અને આ બાબતે ન્યાયિક યુધ્ધ કરવા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવા તૈયારી કરી.
આ સમય ગાળામાં જયદેવે દિવસો માનસિક રીતે અતી વ્યગ્રતામાં પસાર કર્યા કે કેવું ચાલે છે? અસત્ય મેવ જયતે? કોઈએ તેને સાંભળ્યો નહીં, સામાજીક મૂલ્યો ને ભયંકર કાળો દાગ લગાડયો !
નિવૃત્તિના આખરી દિવસે જયદેવ અમદાવાદ ટ્રાફિક શાખામાં હાજર થયો, પોતાનો નિવૃત્તિ હુકમ મેળવી ને જયદેવે ભારે હૈયે ખાતામાંથી અને અમદાવાદથી વિદાય લીધી ?
રાખરે ન્યાયની અદાલતમાંજ ન્યાય !
જયદેવે બીજે જ દિવસે ગુજરાત હાઈકોર્ટમા પોતાને ખાતા દ્વારા હળાહળ અન્યાય ઈરાદાપૂર્વક કર્યાની મુદાવાઈઝ રીટપીટીશન પોતાના વિદ્વાન વકિલ દ્વારા દાખલ કરી.
અદાલતે મેરીટ જોઈને રીટપીટીશન દાખલ કરી આ બાબતની નોટીસ રાજય સરકાર અને રાજયનાં પોલીસ વડાને મોકલી આપી અદાલત પાસે તો ‘પાણીનું પાણી અને દુધનું દુધ’ તૂર્ત જ નકકી થઈ જતુ હોય છે. આ નોટીસનો જવાબ કરવા માટે ગૃહ ખાતા અને રાજયનાં પોલીસ વડા પાસે કોઈ મુદા જ ન હતા. કેમકે જયદેવે શરૂઆતથી જ તકેદારી પૂર્વક તમામ સ્પષ્ટતાઓ તમામ અધિકારીઓ સમક્ષ કરી હતી. ટુંક સમયમાં જ (કોર્ટની તારીખ પહેલા) ગૃહ ખાતામાંથી જયદેવને ડયુ ડેઈટથી પ્રમોશન અને પગાર ધોરણ આપવાનો હુકમ કરી દીધો. જો આ હુકમ ૯૦ દિવસ પહેલા કર્યો હોતતો સમાજમાં કાર્યદક્ષતાની નોંધ લેવાય છે તે સાબિત થયું હોત, પરંતુ તેનાથી ઉંધુ સાબિત થયું એક કિન્નાખોર અધિકારીને કારણે ! સમાજમાં અને ખાતામાં એવું ઉદાહરણ ગયું કે ચમચાગીરી જ કરો કાર્યદક્ષતાની આ કળીયુગમાં કોઈ કિંમત નથી.
પરંતુ ગુજરાત હાઈકોર્ટના હુકમ પહેલા તેની નોટીસે જ સાબિત કરી દીધું કે ન્યાયની અદાલતોમાં હજુ સત્યમેવ જયતે સાર્થક છે.
થોડા દિવસો પછી જયદેવ સાથે અગાઉ પીઆઈ તરીકે ફરજ બજાવેલ એવા અધિકારી ગુપ્તા કે જેઓ ગોંડલના વિભાગીય પોલીસ અધિક્ષક હતા તેમનો જયદેવ ઉપર ફોન આવ્યો કે ‘બાપુ રાજયના ઈન્ટેલીજન્સ વિભાગના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું છે કે જો તમે સહમતી પત્ર આપો તો રાજકોટ વિભાગના ઈન્ટેલીજન્સ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તરીકે તમને વધુને બે વર્ષનું નોકરીનું એકસ્ટેન્શન મળે તેમ છે. આ માટે તમારે કાંઈ કરવાનું નથી રાજકોટ આઈ.બી.ના પીઆઈ જે તે સહમતી પત્ર તૈયાર કરી તમારી સહી લઈ જાય. પરંતુ ખાતાથી અતિ નારાજ થયેલા જયદેવે તે દરખાસ્ત અંગે સાભાર અનિચ્છા દર્શાવી !
આ સમય ગાળા દરમ્યાન કચ્છ અંજાર ખાતેની એક મોટી કંપનીએ ઉંચા પગારની નોકરીની ઓફર કરી પરંતુ જયદેવના કુટુંબે કહ્યું ‘તમે આખી જીંદગી ખાતા માટે કૌટુંબીક અને સામાજીક જીવનનો જ ભોગ આપ્યો છે. હવે તમે શાંતીથી સામાજીક અને કૌટુંબીક જીવન જીવો હવે કાંઈ કરવું નથી. કયાંય જવું નથી!
જીંદગીનું સત્ય !
જયદેવે આ સલાહનું આંતરીક મનોમંથન એ કયું કે Tragedy of Life is not what we suffer, but what we miss! જીંદગીની કરૂણતા એ નથી કે આપણે કેટલું સહન કર્યું પણ આપણે જીંદગીમાં શું શું ગુમાવ્યું છે તે છે પોલીસ ખાતામાં નોકરી કરતા કરતા જીદંગીના સામાજીક અને કૌટુંબીક પ્રસંગો તો ગયા જ, ફરી નહી મળનારા એ દિવસો પણ ગયા જ!
આ ગુમાવેલા દિવસો અને હવે બાકીના દિવસો અંગે મનોમંથન કરતા જયદેવને કવિ ભગવતી પ્રસાદ શર્માના કાવ્યની પંકતીઓ યાદ આવી ગઈ.
‘આ ક્ષણો પછીથી નહી રહે
ને સુવાસ ફોરસે શ્ર્વાસમાં;
ચાલો, સંગ થોડુ ચાલીએ
આ સમયના દિઘૅ પ્રવાસમાં …’
આમ વિચારતા જ આદિલ મનસુરીનો શેર પણ યાદ આવી ગયો.
‘નદીની રેતમાં રમતુ આ નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે;
ભરીલો શ્ર્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે !’
છેલ્લે જયદેવે પોતાની જીંદગીનો સરવાળો, હિસાબ કિતાબ કરતા પ્રસિધ્ધ શાયર સાહિર લુધીયાનવીના શેર માફક હિસાબ થયો.
‘માના કી ઈસ જમીન કો ન ગુલઝારકર શકે;
કુછ ખાર તો કમ કર ગયે ગુજરે જીધર સે હમ!’
માની લો કે આ પ્રદેશમાં અમે ફૂલનો બાગ (ગુલઝાર)તો ન બનાવી શકયા; પરંતુ અમે જયાં જયાંથી પસાર થયા ત્યાંથી થોડાક કાંટાઓતો ઓછા કરતા જ ગયા !
રાજકોટ ખાતે મિત્રોએ જયદેવની નિવૃત્તિ સબબ સન્માન સમારંભ સ્નેહમીલન યોજયું જેમાં તેના કવી મિત્ર નવલદાનભાઈ ગઢવી (નાંદુપીપળીયા)એ જયદેવની પોલીસ જીવનની સંઘર્ષમય જીંદગી અંગે એક કાવ્ય રજૂ કર્યું
“સરે રાહ ચલતે ચલતે; વકત ગુજરતા ગયા,
ન મિલી મંઝીલ મગર રાસ્તા બનતા ગયા,
યું હી કારવાં બનતા ચલા ગયા,
લોગ મીલતે ઔર બીછડતે ગયે યું હીં,
યે શિલ શિલા યુંહી બખુબી ચલતા રહા;
આ પહુંચા હું ઉસ મુકામ પર વીરાને મે;
યંહા કૌન હૈ અપના ઔર કૌન પરાયા,
અબ મેં હું ઔર યે હૈ મેરી તન્હાઈયા;
જીંદગી એક અજીબ ખેલ હૈ ‘નવલ’
જીના યંહા મરના યહાં ઈસકે સિવા જાના કહાં ?
આ સ્નેહમીલનમાં જયદેવને મિત્રોએ પુછયું કે આટલી લાંબી અને કપરી નોકરીમાંથી નિવૃત્તિ બાદ કેવું લાગે છે ? જયદેવે તેના પ્રતિભાવમા કવી વિર નર્મદના કાવ્યની એક પંકતી કહી.
“હતો દુ:ખીયો થયો સુખિયો
સમજો છૂટયો રણ (યુધ્ધ)થી !
મને પોલીસ જીવનરૂપિ મહાસંગ્રામમાંથી મુકત થયાનો શાંતીમય અહેસાસ અને આનંદ થાય છે !’