૪.૬ કરોડ લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઈ ગયા તો ધન કુબેરોમાં જબરદસ્ત ઉછાળો
ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધુ મોટી થતી નજરે પડી રહી છે. આ અંગેનો એક નવો અહેવાલ દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૦ માં ૪.૬ કરોડ ભારતીયો ગરીબી રેખા નીચે ધકેલાઈ ગયાનો અંદાજ છે. જ્યારે યુનાઈટેડ નેશન્સ અનુસાર ભારતીય અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ ભારતમાં અબજોપતિની સંખ્યા ૧૦૨ હતી જે મહામારીના સમયગાળા દરમિયાન ૧૪૩ એ પહોંચી ગઈ છે. ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની સામૂહિક સંપત્તિ વર્ષ ૨૦૨૧ માં ૫૭.૩ લાખ કરોડ રૂપિયાની વિક્રમી ટોચે પહોંચી છે.
આ વિશ્લેષણ ઓક્સફામ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનનો એક ભાગ છે, જે ‘ઈનઇક્વાલિટી કિલ્સ રિપોર્ટઃ ધ ડેવોસ ઈન્ડિયા સપ્લીમેન્ટ’ પર આધારિત છે, જે સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વર્ચ્યુઅલ ઈવેન્ટ ‘ધ ડેવોસ એજન્ડા’ ખાતે રજૂ થનારા વૈશ્વિક રિપોર્ટનો એક ભાગ છે.
ભારતમાં મહામારી દરમિયાન (માર્ચ ૨૦૨૦ થી ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધી) અબજોપતિઓની સંપત્તિ રૂ. ૨૩.૧ લાખ કરોડથી વધીને રૂ. ૫૩.૨ લાખ કરોડ થઈ ગઈ છે. તેનાથી વિપરીત અહેવાલમાં ૨૦૨૧ માટે સીએમઆઈઇ દ્વારા એકત્રિત કરાયેલ કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડ સર્વે ડેટા ટાંકવામાં આવ્યો છે કે એવો અંદાજ છે કે, દેશના ૮૪% પરિવારોએ જીવન અને આજીવિકાના અભૂતપૂર્વ નુકસાન દ્વારા ચિહ્નિત થયેલ એક વર્ષમાં તેમની આવકમાં ઘટાડો સહન કર્યો છે.
સંપત્તિ પરની ડેટા ફેક્ટશીટ્સ દર્શાવે છે કે, ૧૪૨ ભારતીય અબજોપતિઓ ૫૫૫ મિલિયન લોકો કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. સૌથી અમીર ૯૮ લોકો પાસે સૌથી ગરીબ ૫૫૫ મિલિયન લોકો જેટલી જ સંપત્તિ છે. જો ૧૦ સૌથી ધનાઢ્ય ભારતીય અબજોપતિઓમાંથી પ્રત્યેકને દરરોજ ૧ મિલિયન ડોલર ખર્ચવામાં આવે, તો તેમને તેમની વર્તમાન સંપત્તિને ખતમ કરવામાં ૮૪ વર્ષ લાગશે. ભારતીય અબજોપતિઓએ મહામારી દરમિયાન તેમની સંયુક્ત સંપત્તિ બમણી કરતાં વધુ જોઈ છે. તેમની સંખ્યામાં ૩૯%નો વધારો થયો છે, તેવું ઓક્સફેમ નિવેદનમાં જણાવાયુ છે.