કેળવણીનાં તંત્ર પર રાજયકર્તાનો ઓછામાં ઓછો અંકુશ હોવો જોઈએ: કેળવણીકારો રાજકીય અને સામાજિક નિયંત્રણથી પર હોવા જોઈએ…
ભારત એ યુવાશકિતથી ઉભરાતો દેશ છે તેમને ગુણવતાયુકત શિક્ષણ મળે, તે સંશોધન અને નવ વિચાર કરતા થાય, જેથી ભારત એ જ્ઞાનશકિતમાં મહાસત્તા બને ‘વન સ્કૂલ ઓપન્ડ મીન્સ વન જેઈલ કલોઝડ’એ મંત્રને રાષ્ટ્રના મહામંત્ર તરીકે પ્રસ્થાપિત કરવો ઘટે !
આપણા દેશમાં રાષ્ટ્રપતિના પદ માટે અભ્યાસની કોઈ ડિગ્રી નકકી થઈ નથી. એવું જ ઉપરાષ્ટ્રપતિ માટે છે.
આપણા દેશમાં વડાપ્રધાન પદ માટે કોઈ ડિગ્રી લાયકાત સુનિશ્ચિત થઈ નથી. એવું જ નાણામંત્રી માટે, ગૃહમંત્રી માટે, સુરક્ષામંત્રી માટે પણ છે. અભ્યાસ સંબંધી ડિગ્રી અને તેમના અનુભવને લગતી લાયકાતો પણ સુનિશ્ચિત નથી.
આપણા દેશના બંધારણમાં આપણે ત્યાં સંસદીય સ્વરૂપની લોકશાહી શાસન પધ્ધતિ સ્વીકારાઈ છે. પરંતુ સંબંધિત હોદ્દા માટેની શૈક્ષણિક ડિગ્રી લાયકાત, અનુભવ સુનિશ્ચિત થયા નથી.
સાંસદોની બાબતમાં પણ એવું જ છે… અરે, મતદારની બાબતમાં પણ એમ જ છે. વયમર્યાદાનાં ધોરણે જ મતદાર બની જવાય છે. અને તેઆ સમગ્ર રાષ્ટ્રના ભાવિ સંબંધમાં નિર્ણયો લે છે.
‘ઓશો’ એ સ્વર્ણમ ભારત અને સ્વર્ણિમ વિશ્ર્વ સંબંધમાં યુનોને કરેલાં સૂચનોમાં આ બધું દર્શાવ્યું છે.
આપણે આપણા દેશના શિક્ષણ, કેળવણી, વિદ્યાર્થીઓ અને તેમને લગતા આદર્શો, સિધ્ધાતો વગેરે અંગે કેટલીક મહત્વની બાબતો દર્શાવી છે.
અનુભવીઓ-ચિંતકો તો એવું સ્પષ્ટ પણે માને છે કે, કોઈ પણ સરકારમાં સૌથી વધુ મહત્વ શિક્ષણ અને માનવ સંશાધન વિકાસ ખાતાને જ આપવું જોઈએ અને તેને માટે જ નોંધપાત્ર બજેટ ફાળવું જોઈએ કમનશીબે, અત્યાર સુધીમાં કયારેય એવું બન્યું નથી.
અમેરિકા વિશ્વનો સૌથી વધુમાં વધુ ધનવાન દેશ છે, તેનું કારણ એ છેકે એ વિધાવાન દેશ છે.
અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓ એજ તેની ઉપાસનાની મૂર્તિ છે. એમની સેવા એ તેની પૂજા છે. એમનો વિકાસ એ તેનો પ્રસાદ છે. એમું અધ:પતન એ તેનું નરક છે. અને ચારિત્ર્યની દ્દઢતા એ જ તેનું સ્વર્ગ છે. દુર્બળ લોકોને મોળા પડતા રોકે ને શૂર ચઢાવે તે અધ્યાપક, ઢોર જેવા પ્રાણીને શિક્ષક દેવ જેવા માણસ બનાવી શકે છે. ગૂરૂએ શિષ્યમાં જ્ઞાન રેડવાનું નથી શિષ્યની બુધ્ધિએ કંઈ વાસણ નથી, તે એક કમળ છે. સૂર્યની પેઠે દૂરથી જ પોતાના પ્રખર સૌમ્ય કિરણોથી તેનો વિકાસ કરવાનો છે. વિદ્યાર્થીઓને વિધાનંદ ને સેવાનંદનો સ્વાદ ચખાડવો અને આદર્શ પાછળ ગાંડા થવામાં જ જીવનની સફળતા છે. તે સમજાવી દેવું એ શિક્ષકનો આનંદ છે.
ભારતમાં સરકાર બદલાતા શિક્ષણનીતિમાં બદલાવ લાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયે આ અંગે એક રૂપરેખા તૈયાર કરી છે. જેમ જેમ નવાં પરિવર્તનો આવતાં જાય, નવા પડકારો આવે તેમ તેમ શિક્ષણનીતિની સમીક્ષા કરવામાં આવે, તેમાં આવશ્યક ફેરફાર કરાય તે આવકાર્ય છે.
ભારત એ યુવાશકિતથી ઉભરતો દેશ છે. તેમને ગુણવત્તાયુકત શિક્ષણ મળે, સંશોધન અને નવવિચાર કરતા થાય, જેથી ભારત એ જ્ઞાનશકિતમાં મહાસત્તા બને અને વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ અને ઉદ્યોગમાં જે જ્ઞાન અને તજ્જ્ઞતા જોઈએ તેવી માનવશકિત મળી રહે. આ ધ્યેયને સિધ્ધ કરવા ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયે નવી શિક્ષણનીતિના સૂજાવ માટે એક સમિતિની રચના કરી છે. તેના કાર્યક્ષેત્રમાં શાલેય શિક્ષણક્ષેત્રે ૧૩ મુદાનો સમાવેશ થયો હતો. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ૨૦ મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આવતીકાલની દૂનિયા તેવી બનાવવી તે આપણે સૌએ વિચારવાનું છે. આ તકે મને એક ગર્ભસ્થ શિશુએ પૃથ્વી પર જન્મ લેતા પહેલા ઈશ્ર્વરને પુછેલા પ્રશ્ર્નો યાદ આવે છે. બાળક ઈશ્ર્વરને પૂછે છે કે
આ પૃથ્વી પર યુધ્ધતો નથી ને?, કયાંય વિગ્રહ રકતપાત કે બોમ્બ વર્ષા નથી ને?, સત્તાખોરોનાં ભાષણોનાં પોલાણમાં સ્વતંત્રતા પૂરાઈ નથી ગઈ ને ?, હજીયે હવા મુકત છે?, અને ફૂલો ખીલે છે ?
આખરે આપણે સ્વસ્થ અને સુખી સમાજ રચવો હશે તો સમાજનાં કુટુંબો સ્વસ્થ, સમતોલ અને સંતોષી હોવા જોઈએ. સમાજના કેન્દ્રમાં કુટુંબ છે. તેમ કુટુંબના કેન્દ્રમાં બાળક છે.
ખરેખરતો રાષ્ટ્રની મૂળભૂત સમસ્યાઓ શિક્ષણ આરોગ્ય, ગરીબાઈ નિર્મૂલન વગેરે માટે સર્વસંમતિથી નીતિ ઘડવી જોઈએ. બધાને ગુણવતાયુકત શિક્ષણ, મળવું જોઈએ. બધાને આરોગ્યની સુવિધા મળવી જોઈએ ગરીબાઈ દૂર થવી જોઈએ તેમાં કોણ સંમત ન હોય? બધા પક્ષોએ સાથે બેસી લાંબાગાળાની આ પ્રશ્ર્નો અંગે નીતિ ઘડવી જોઈએ લોકશાહીમાં સરકાર તો બદલાય પણ આ પ્રાણ પ્રશ્ર્નો અંગેની નીતિ ન બદલાય તેવી વ્યવસ્થાની જરૂર છે.