ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૨ કિ.મી. દુર સુવઇ નજીક નોંધાયું
કચ્છનાં વાગડ વિસ્તારની ધરતી વધુ એકવાર ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી હતી. બપોરે ૧.૨૮ મિનિટે સુવઈ નજીક અનેક લોકોએ ભૂકંપનો ઝટકો અનુભવ્યો હતો. ભર બપોરે આવેલા આંચકાથી અમુક લોકોતો ભયના માર્યા ઘરની બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટરનાં જણાવ્યાનુસાર વાગડ વિસ્તારમાં આવેલા ૩.૪ની તીવ્રતાનાં ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૨ કિલોમીટર દૂર સુવઈ નજીક નોંધાયુ હતું. જે ભૂગર્ભ પેટાળમાં ૧૦.૨ કિલોમીટરની ઊંડાઈથી ઉદભવ્યો હોય જેની અસર વાગડ વિસ્તારનાં અનેક ગામએ અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિનામાં ૩ કે તેથી ઉપરની તીવ્રતાનો આ ૬ઠ્ઠો આંચકો નોંધાયો છે, આ પૂર્વે ગત ૧૩મીએ ભચાઉ નજીક ૩.૩, ૧૨મીએ ૩, ૯મીએ ૩.૭, ૭મીએ ૩ અને બીજીએ ૩.૪ની તીવ્રતાનાં ભુકંપના ઝટકા નોંધાઈ ચૂક્યાં છે. જ્યારે જાન્યુઆરીથી લઈને અત્યારસુધીમાં કચ્છ જીલ્લામાં ૩ કે તેથી ઉપરની તીવ્રતાનાં કુલ ૪૦ જેટલા આચકા નોંધાઈ ચૂક્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે લખપત નજીક મોટા રણમાં ૯મી જાન્યુઆરીનાં રોજ ૪.૭ની તીવ્રતાનો ભુકંપ નોંધાઇ ચૂક્યો છે.