આકર્ષક ઓફર્સ સાથે વેચાણ માટે પ્લેટફોર્મ સજ્જ: ગત સિઝન કરતા આ વખતે વેચાણમાં 20 ટકા વૃદ્ધિની આશા

નવરાત્રી અને દિવાળીના તહેવારની સિઝન નજીક આવી રહી છે. ત્યારે આકર્ષક ઓફર્સ સાથે વેચાણ માટે ઇ કોમર્સ પ્લેટફોર્મ સજ્જ બન્યા છે. આ વખતે તેઓ અંદાજે 90 હજાર કરોડનો વકરો કરે તેવી શકયતા સેવાઈ રહી છે.  ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ આ તહેવારની સિઝન દરમિયાન સામૂહિક રીતે રૂ. 90,000 કરોડનું વેચાણ કરે તેવી અપેક્ષા છે. તેવું ક્ધસલ્ટિંગ ફર્મ રેડસીરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. જે ગત વર્ષની સિઝનની સરખામણીમાં વેચાણમાં 18-20% વૃદ્ધિ થાય તેવી અપેક્ષા છે.  વેચાણ લગભગ 14 કરોડ દુકાનદારો દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે જેઓ તહેવારોની સિઝન દરમિયાન ઓછામાં ઓછી એક વખત ઑનલાઇન વેચાણ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે નવરાત્રીની શરૂઆતથી દિવાળી સુધી તહેવારની સિઝન ચાલે છે.

ફર્મના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક ત્રિમાસિક ગાળામાં ઇ-ટેઇલિંગ વેચાણ વૃદ્ધિ ઐતિહાસિક રીતે સૌથી નીચી રહી છે, અર્થતંત્ર સામાન્ય થવા સાથે, તહેવારોની સિઝન માંગને ઉત્પ્રેરિત કરશે.

ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓ તહેવારોની મોસમ દરમિયાન વધુ ગ્રાહકોને પ્લેટફોર્મ પર વ્યવહાર કરવા માટે ઘણી બધી ડીલ્સ ઓફર કરે છે.  વાસ્તવમાં, છેલ્લા કેટલાક તહેવારોની સીઝન દરમિયાન, કંપનીઓએ નાના શહેરોમાંથી ઘણા નવા ગ્રાહકોને આકષ્ર્યા છે, જેઓ ઘણીવાર તમામ પ્લેટફોર્મ પર ઑફર્સની તુલના કરવાનું પસંદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.