સ્વચ્છતા એપ ડાઉનલોડ નહીં કરો તો મહાપાલિકા દ્વારા અપાતી સેવાઓ બંધ કરી દેવાની પણ આડકતરી ચિમકી: લોકોમાં રોષ
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એમઓયુડી નામની એક સ્વચ્છતા એપ લોન્ચ કરવામાં આવી છે. દેશના સ્વચ્છ ૫૦ શહેરોમાં ૧૮મુ સ્થાન હાંસલ કરનાર રાજકોટમાં મહાપાલિકાનું તંત્ર ભલે શહેર આખાના સ્વચ્છ રાખવામાં ઉણું ઉતરી રહ્યું હોય પરંતુ સિવિક સેન્ટરો ખાતે સામાન્ય કામો આવતા અરજદારોને પણ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવા માટેની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જો કોઈ વ્યક્તિ આ એપ ડાઉનલોડ કરવાની ના પાડે તો તેને મહાપાલિકાની સેવાઓ બંધ કરી દેવાની ચિમકી પણ અપાતી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સ્વચ્છતાના ઢીઢોરા પીટી રહ્યું છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયા છે. સ્વચ્છતા એપથી જો શહેર ચોખ્ખુ થઈ જતું હોય તો લોકોને આ એપ ડાઉનલોડ કરવામાં પણ વાંધો નથી, અગાઉ મહાપાલિકા તંત્રએ આવી એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી હતી જેમાં શહેરીજનો ગંદકીના ફોટા પાડી આ એપ પર મુકે તો ત્યાં સફાઈ થઈ જતી હતી તેવું મહાપાલિકા દ્વારા કહેવામાં આવતું હતું પરંતુ આ મોબાઈલ એપ સંપૂર્ણ નિષ્ફળ સાબીત થઈ હતી. ફરી એક વખત મહાપાલિકા તંત્રને સુરાતન ચઢયું છે અને કેન્દ્ર સરકારની સ્વચ્છતા એપ ડાઉનલોડ કરાવવા માટેનું અભિયાન શ‚ કર્યું છે જે અંતર્ગત સિવિક સેન્ટર ખાતે વેરો ભરવા, ચાર્જીસ ભરવા કે જન્મ-મરણના દાખલા કાઢવા આવતા લોકોને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ લોકોમાંથી ઉઠી રહી છે. જો કોઈ વ્યક્તિ આ મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની મનાઈ કરે તો મહાપાલિકા દ્વારા અપાતી ઓનલાઈન સેવાઓ બંધ કરવાની આડકતરી ચિમકી આપવામાં આવે છે.