નાગેશ્વર મેઇન રોડ પર ખાણીપીણીની 27 દુકાનોમાં ચેકીંગ: 11 વેપારીઓને નોટિસ
હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારોમાં ખજૂર, ધાણી, દાળીયા અને હારડાનો ઉપાડ વધુ માત્રામાં રહેતો હોય છે. વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પરાબજાર, રૈયારોડ અને સત્યસાંઇ રોડ પરથી ખજૂર, હારડા અને દાળીયાના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
આજે ચેકીંગ દરમિયાન પરાબજારમાં ગોળ બજાર સ્થિત અબ્દુલ હુશેન શેખભાઇ એન્ડ સન્સમાંથી લૂઝ જાયદી ખજૂરનો નમૂનો, રૈયારોડ પર ભગવતી હોલની સામે બાલાજી કોમ્પ્લેક્સમાં આવેલા અરિહંત પ્રોવિઝન સ્ટોર્સમાંથી લૂઝ હારડા, એનબી બ્રધર્સમાંથી લૂઝ દાળીયા અને સત્યસાંઇ રોડ પર આલાપ હેરીટેઝની સામે ઇન્દ્રલોક રેસિડેન્સી શોપ નં.6માં આવેલા ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર્સમાંથી જાયદી ખજૂરના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આજે ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાનને સાથે રાખી શહેરના નાગેશ્ર્વર મેઇન રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઠંડા-પીણા, દૂધ, બેકરી પ્રોડક્ટ, મિઠાઇ અને ખાદ્ય તેલ સહિત કુલ 17 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. મહાદેવ નમકીન, તિરૂપતી ફરસાણ એન્ડ સ્વીટ્સ, સનરાઇઝ સુપર માર્કેટ, ગાંધી સોડા શોપ, લાઇફ કેર ફાર્મસી, ગોપાલ નમકીન એન્ડ સ્વીટ્સ માર્ટ, મહાવીર પ્રોવિઝન સ્ટોર્સ, સુરેશ નમકીન, શ્રીજી મેડિકલ સ્ટોર્સ, અનમોલ રસ ડેપો અને બાલાજી કોલ્ડ્રીંક્સ એન્ડ આઇસ્ક્રીમને ફૂડ લાઇસન્સ મેળવવા માટે નોટિસ આપવામાં આવી હતી