સુરતના વૈભવી બંગલામાં રહેતા ‘કરોડપતિ પિતા – પુત્ર’ ચોર પકડાયા

પુત્ર માટે લકઝરીયસ કાર બૂક કરાવી, શ્ર્વાન માટે એ.સી રૂમ, રૂ. ૧૦ લાખ ઉપરની ચોરી કરતો

રાજકોટમાં ચોર મચાયે શોરની માફક પોલીસને મોટી ચોરી પડકાર ફેકનાર અને ૬ માસમાં ૧૨ મકાનમાં ચોરી કરનાર  ’ કરોડપતિ ચોર ’ ને પકડી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા સાંપડી છે. શહેરના માધાપર ચોકડી પાસેથી પોલીસે રીઢા તસ્કર આનંદ ઉર્ફે જયંતિ અને તેના પુત્ર હસમુખને ઝડપી લઈ શહેરનાં રામકૃષ્ણનગરમાં થયેલી ચોરી સહિત કુલ ૧૨ ચોરીઓના ભેદ ઉકેલાયા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.૧૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પકડાયેલા પિતા-પુત્ર સુરતમાં બંગલામાં રહેતા હતા અને તેઓની પાસેથી કારથી લઈ મોંઘીદાટ ઘરવખરી હોવાનું માલુમ પડયું છે. આ ઉપરાંત અન્ય એક આરોપીએ મળી રામકૃષ્ણનગરમાં ચોરીના બનાવને અંજામ આપ્યો હતો જે આરોપીને અગાઉ એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.

20201215 124550 1

શહેરમાં ચોરીના અનડિટકેટ બનાવોનો ભેદ ઉકેલવા માટે એસીપી ક્રાઈમ ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પી.આઈ. વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઈ પી.એન.ધાખડા તથા તેમની ટીમ પ્રયત્નશીલ હતી. દરમિયાન કોન્સ્ટેબલ કુલદિપસિંહ જાડેજા, નગિનભાઈ ડાંગર અને અમિત અગ્રાવતને મળેલી બાતમીના આધારે અગાઉ અસંખ્ય ચોરીમાં સંડોવાયેલા આનંદ જેસીંગભાઈ સિતાપરા અને તેના દિકરા હસમુખ સિતાપરા (રહે.બંને પલસાણા રોડ, સોપાન સૃષ્ટિ બંગલા નં.૨૭, સુરત)ને ચોરીના મુદામાલ સાથે માધાપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા ૩.૧૯ લાખ, બે બાઈક અને ઘડિયાળ સહિત કુલ રૂા.૧૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા ૧૨ ચોરીઓના ભેદ ઉકેલાયા હતા જેમાં ગત તા.૧૭/૮ના રોજ રામકૃષ્ણનગર શેરી નં.૧૩માં રાત્રીના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની સહીત બાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલ આરોપી આનંદ જેસીંગ સિતાપરા લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે ચોરીના અત્યાર સુધીમાં કુલ ૩૨ ગુનાઓ નોંધાઈ ચુકયા છે. વર્ષ ૨૦૧૭માં તે પાસા હેઠળ જેલ હવાલે પણ થઈ ચુકયો છે. આ સાતીર તસ્કરને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આઈવે પ્રોજેકટની પણ મદદ લેવામાં આવી હતી. રીઢા તસ્કરોને ઝડપી લેનાર પોલીસ ટીમને પોલીસ કમિશનર દ્વારા રૂા.૧૫ હજારનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

20201215 124523 1

ચોરી કરતા પૂર્વે માતાજીની માનતા રાખતો બાદમાં મોટો જમણવાર કરતો

રીઢો તસ્કર આનંદ જેસીંગ કોઈપણ ચોરી કરવા જાય તેમાં સફળતા મળે તે માટે તે પૂર્વે માતાજીની માનતા રાખતો હતો અને ચોરીના બનાવને અંજામ આપ્યા બાદ માનતા પૂર્ણ કરવા માટે મોટો જમણવાર પણ કરતો હતો. મહત્તમ પણે ચોરી કરવા માટે બાઇકમાં જ જતો અને પાછળ જ બેસતો હતો. ચાલકને હેલ્મેટ પહેરાવતો હતો.

બારી- દરવાજાની ગ્રીલ તોડી રાત્રીના સમયે જ ચોરીને અંજામ આપતા

રીઢો તસ્કર આનંદ જેસીંગ સિતાપરાની મુખ્યત્વે હાઈફાઈ સોસાયટી અને બંગલામાં ચોરી કરતો હતો. બંધ મકાનમાં બારીની ગ્રીલ તોડી દિવાલ કુદી ચોરીઓના બનાવને અંજામ આપતો. ચોરી કરવા જતી વેળાએ તે હંમેશા આગળ કોઈ વ્યકિતને બેસાડી તેને હેલ્મેટ પહેરાવતો અને પોતે ઓળખ છુપાવવા માટે પાછળ બેસતો હતો તેટલું જ નહીં રાત્રીના સમયે જ ચોરી કરતો અને ચોરી કરવા જતી વેળાએ સફેદ કલરના કપડા પહેરતો હતો જેથી કરીને કોઈ રસ્તામાં મળે તો તેને કહેતો માઠા પ્રસંગ માટે જાય છે અને એક સગાની રાહ જોવે છે જેથી કરીને કોઈને શંકા ન જાય. કમ્પાઉન્ડ વોલવાળા મકાન જ પસંદ કરતો અને હંમેશા પોતે જ દિવાલ કુદી મકાનમાં ઘુસી ચોરીના બનાવને અંજામ આપતો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.