ચોમાસાની સિઝન પૂર્વે નાળુ રિપેર કરવા માંગણી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન પાસે વોર્ડ નંબર 6મા આવેલું નાળુ બેસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાની નોબત આવી છે. એમાંય રેતી ભરેલા ડમ્પર નાળા પરથી પસાર થતા નાળુ બેસી જતા સ્થાનિક રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિવશક્તિ નગર, સંત સવૈયાનાથ નગર, વીર મેઘમાયા સોસાયટી, કોળી વિસ્તાર સહિત પાંચથી છ સોસાયટીને જોડતુ નાળુ બેસી જતા રહીશોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યોં છે. જેમાં આ વિસ્તારના આગેવાનો અને રહીશો દ્વારા અનેક વખત પાલિકા તંત્રને નવુ નાળુ બનાવવા રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષની લાગણી ફેલાવા પામી છે
આ અંગે આ વિસ્તારના જેરામભાઇ ભરતભાઇ પારઘીએ જણાવ્યું કે, આ નાળુ આઠ-નવ વર્ષ અગાઉ જ બનેલું હોવા છતાં ગત રાત્રે રેતી ભરેલું ડમ્પર નીકળતા આખુ નાળુ બેસી જતા આ નાળાનું કામ ખુબ જ નબળું હોવાનું બહાર આવ્યું છે. આથી લાગતા વળગતા તંત્રને આગામી ચોમાસા પહેલા નવું અને મજબૂત નાળું બનાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે.