- મંડલ પ્રમુખ માટે આજથી બે દિવસ ઉમેદવારી ફોર્મ અપાશે તથા સ્વીકારાશે: 9 થી 13 સુધી બુથ પ્રમુખો સાથે મીટીંગ, 15મી સુધીમાં વોર્ડ અને તાલુકાના અધ્યક્ષના નામો જાહેર થઇ જશે
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભાજપમાં હવે નવા સંગઠન માળખાની રચના કરવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આજથી 580 વોર્ડ-તાલુકા પ્રમુખોની નિયુક્તી માટે આજથી બે દિવસ દાવેદારીના ફોર્મ સ્વીકારવામાં આવશે. કેટલાક આકરા નિયમો હોવાના કારણે પસંદગી થોડી પેચિદી બની જવા પામી છે. દરમિયાન આગામી 15મી સુધીમાં મંડલના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવશે.
ભાજપ દ્વારા આ વખતે સંગઠનની રચનામાં તદ્ન લોકશાહી પ્રક્રિયા અપનાવી છે. સામાન્ય રિતે પહેલા હાઇકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખની નિયુક્તી કરવામાં આવતી હોય છે ત્યારબાદ પ્રદેશના અન્ય હોદ્ેદારોના નામ જાહેર કરવામાં આવે છે પછી મહાનગરો અને જિલ્લાના અધ્યક્ષોના નામ જાહેર કરવામાં આવે છે. પછી તાલુકા પ્રમુખ અને વોર્ડ પ્રમુખની નિયુક્તી કરાયા બાદ સૌથી છેલ્લે બૂથ સમિતિની રચના કરવામાં આવતી હોય છે.
આ વખતે સંગઠનની રચનામાં ભાજપે બોટમ ટુ ટોપ નીતિ અપનાવી છે. રાજ્યભરમાં બૂથ સમિતિની રચના કરી દેવાયા બાદ આજથી 580 મંડળ એટલે કે તાલુકા અને વોર્ડ પ્રમુખની નિયુક્તીની કાર્યવાહી હાથ પર લેવામાં આવી છે. આજે રાજ્યના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી અધિકારીઓ દ્વારા વોર્ડ-તાલુકા પ્રમુખ પદ માટે આજે અને આવતીકાલે ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે.
મંડળ પ્રમુખની નિયુક્તી માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. મહત્તમ 40 વર્ષની વય મર્યાદા ધરાવતા કાર્યકરને જ વોર્ડ કે તાલુકા પ્રમુખ બનાવવામાં આવશે. ખાસ કિસ્સામાં 45 વર્ષ સુધીની મંજૂરી આપવામાં આવશે. પરંતુ આવા કેસમાં પ્રદેશ હાઇકમાન્ડની પરવાનગી લેવી પડશે. મંડળ પ્રમુખ પદ માટે દાવેદારી કરનાર વ્યક્તિ ભાજપમાં છેલ્લી બે ટર્મથી સક્રિય સભ્ય હોવા જોઇએ. જેની માહિતી પણ ઉમેદવારી ફોર્મ સાથે ભરવી પડશે. વોર્ડ પ્રમુખ બનનાર ઇચ્છુક કાર્યકર્તાઓએ ફરજિયાત વોર્ડની ટીમ, સેલ, મોરચા કે પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઇએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ચૂંટાયેલા પ્રતિનિધિએ મંડળ પ્રમુખ માટે દાવેદારી કરી શકશે નહીં. મહિલાઓ પણ મંડળના અધ્યક્ષા બનવા માટે ઉમેદવારી ફોર્મ ભરી શકશે. સતત બે ટર્મથી જે વ્યક્તિ મંડળના પ્રમુખ હશે તેને રિપીટ કરવામાં આવશે નહીં.
રાજ્યભરમાં ભાજપ દ્વારા 580 મંડળોના પ્રમુખની વરણી કરવા માટે આજથી બે દિવસ માટે ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવશે અને ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ 9 થી 13 ડિસેમ્બર દરમિયાન ચૂંટણી અધિકારીઓ બૂથ પ્રમુખો સાથે બેઠક કરશે ત્યારબાદ ઉમેદવારી ફોર્મ પ્રદેશ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. 15મી ડિસેમ્બર સુધીમાં મંડળ પ્રમુખોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. મંડળ પ્રમુખોની પસંદગીમાં વય મર્યાદા સહિતના નિયમો લાદી દેવામાં આવ્યા હોવાના કારણે કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન જિલ્લા અને મહાનગરોના પ્રમુખની વરણીમાં પણ 60 વર્ષની વય મર્યાદા નિયત કરવામાં આવી છે. ભાજપ દ્વારા આગામી 31મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોના અધ્યક્ષના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે.