એન્યુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના આધાર પર કિંમતોમાં ફેરફાર કરવાની દવા ઉત્પાદક કંપનીઓને સરકારની મંજૂરી
પેઈનકિલર, એન્ટીઈન્ફેક્ટિવ, કાર્ડિયાક અને એન્ટીબાયોટિક્સ સહિત જરુરી તમામ દવાઓની કિંમતમાં એપ્રિલ માસથી વધારો થવાની શકયતા
દવાઓ હવે વધુ “કડવી” બનશે… જી હા, આગામી એપ્રિલ માસથી મોટાભાગની તમામ દવાઓના ભાવમાં ૨૦ ટકા સુધીનો ઉછાળો આવે તેવી પ્રબળ શક્યતા છે. સરકારે દવા ઉત્પાદક કંપનીઓને એન્યુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબ્લ્યૂપીઆઈ)ના આધાર પર દર વર્ષે થતી કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપી દીધી છે. જેના મુજબ, હવે દવા બનાવતી કંપનીઓ દવાના ભાવમાં ૨૦ ટકા સુધી વધારો કરશે તેમ જણાઈ રહ્યું છે.
ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટરી, નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓર્થોરિટીએ કહ્યું કે સરકાર તરફથી 2020 માટે ડબ્લ્યૂપીઆઈમાં 0.5 ટકાના એન્યુઅલ ચેન્જ માટે જણાવાયું છે. ડ્રગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ 15થી 20% ભાવ વધારો લાદી શકે છે. જેના કારણે દુઃખાવાની, એન્ટીઈન્ફેક્ટિવ, કાર્ડિયક અને એન્ટીબાયોટિક્સ સહિત જરુરી દવાઓની કિંમતમાં એપ્રિલથી વધારો તોળાશે.
ફાર્મા ઈન્ડસ્ટ્રીના એક એક્ઝિક્યૂટીવએ જણાવ્યું કે, કોરોના મહામારીની દવા ઉત્પાદક કંપનીઓ પર પણ માઠી અસર પડી છે. કોરોનાના આ કપરાકાળ દરમિયાન દવા બનાવવામાં જરૂર પડતા કાચા માલ અને પેકેજિંગ મટેરિયલ સહિત બીજા મટેરિયલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે જેના કારણે ભારતનો દવા ઉદ્યોગ પણ અસરગ્રસ્ત થયો છે. અમારી યોજના છે કે અમે ટૂંક સમયમાં જ સરકાર પાસે હજું વધારો કરવાની રજુઆત કરવાના છીએ. તેમણે જણાવ્યું કે, કાર્ડિયો વૈસ્કુલર, ડાયબિટિસ, એન્ટીબાયોટિક્સ, એન્ટી ઈન્ફેક્ટિવ અને વિટામિનના મેન્યૂફેક્ટર માટે મોટા ભાગે ફાર્મા ઈન્ગ્રીડીએન્ટ ચીનથી આયાત કરવામાં આવે છે. જ્યારે કેટલાક એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રીડિએન્ટ (એપીઆઈ) માટે ચીન પર નિર્ભરતા લગભગ 80થી 90 ટકા છે. ચીનમાં ગત વર્ષની શરુઆતમાં કોરોનાને લીધે સપ્લાયમાં સમસ્યા આવતા ભારતીય દવા આયાતોની કોસ્ટ વધી ગઈ. આ બાદ ચીન તેના ઈનપુટ્સની કિંમતોમાં 10થી20 ટકા વૃદ્ધિ કરી છે. જો કે, હાલ આ આયતો પર ઘણાં અંશે અંકુશ પણ જરૂરી છે.