અબતક, નવી દિલ્હી: ડ્રોન એ ડોન નથી. ડ્રોનના ઉપયોગ માત્ર હુમલા માટે જ થતા નથી. ડ્રોનથી અનેક સુવિધાઓ સરળ બનાવતા કામ પણ થઈ શકે છે. આ વાતનું સરકારને જ્ઞાન થતા સરકારે ડીલીવરી ડ્રોન માટે ખાસ કોરીડોર તૈયાર કરવા અને લાયસન્સ સહિતની પ્રક્રિયા અત્યંત સરળ બનાવવાના મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જેના કારણે 2030 સુધીમાં અવકાશી પરિવહન દ્વારા રૂ. 3 લાખ કરોડનો વેપાર થવાનો છે.
કેન્દ્ર સરકારે દેશમાં ડ્રોન ઉડાડવા અંગે નવા કાનૂનનો ડ્રાફટ રજુ કર્યો છે જેમાં ડ્રોન પોલીસી અત્યંત ઉદાર બનાવાઈ છે અને અનેક પ્રકારની મંજુરી તથા સર્ટીફીકેટની પ્રક્રિયા દૂર કરી છે તથા સેલ્ફ સર્ટીફીકેશનના આધારે કોઈ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે. નવી ડ્રાફટ પોલીસીમાં ગ્રીન ઝોન તરીકે જાહેર થયેલા ક્ષેત્રમાં 400 ફુટ સુધી ડ્રોન ઉડાડવામાં કોઈ મંજુરીની જરૂર રહેશે નહી.
2030 સુધીમાં અવકાશી પરિવહન દ્વારા આટલા કરોડનો વેપાર થશે
અને એરપોર્ટ સહિતના ક્ષેત્રમાં 8થી12 કીમીની રેન્જમાં 200 ફુટ સુધી ડ્રોન ઉડાડવાની મંજુરી જરૂરી નહી હોય ઉપરાંત ડ્રોન ટ્રાન્સફર થઈ શકશે કે તેનું રજીસ્ટ્રેશન રદ પણ કરી શકાશે. સરકારે જાહેર કર્યુ છે કે સમગ્ર નીતિ વિશ્વાસ, સ્વયમ સર્ટીફીકેશન અને કોઈ ખોટા વિસ્તારમાં ઘૂસણખોરી નહી કરવાના આધારે તૈયાર થઈ છે. માઈક્રો ડ્રોન ની વ્યાખ્યામાં આવતા ડ્રોન વ્યાપારી હેતુ વગર ઉડાડવા માટે કોઈ પાઈલોટ લાયસન્સ જરૂરી રહેશે નહી. આ જ નિયમ નેનો ડ્રોન માટે પણ લાગુ પડશે.
ડીલીવરી ડ્રોન માટે ખાસ કોરીડોર તૈયાર કરવા અને લાયસન્સ સહિતની પ્રક્રિયા અત્યંત સરળ બનાવવાના મહત્વપૂર્ણ નિર્ણય
જયારે વ્યાપારી ઉપયોગમાં ડ્રોન કોરીડોર તૈયાર કરશે. જેનાથી ડ્રોન મારફત ડિલીવરી કરી શકાશે અને તેના માટે એક ઓથોરીટી રચાશે. સરકારે હવે આ અંગે અભિપ્રાય અને સૂચનો મંગાવ્યા છે. આ નવી ઓળખમાં મોટાભાગની મંજુરી પ્રમાણીત હશે.
ડ્રોનને દેશવિરોધી તત્વોએ બદનામ કરી નાખ્યું !!
ડ્રોનના અનેક ફાયદાઓ છે. પણ સામાન્ય રીતે ડ્રોન હુમલાઓ માટે જ જાણીતું બન્યું છે. સરહદ પારના દેશવિરોધી તત્વોએ ડ્રોનના ગેરઉપયોગ કરી તેને એ હદે બદનામ કરી નાખ્યું છે કે ડ્રોનના નામથી જ ફફડાટ ફેલાઈ ઉઠે છે. હકીકતમાં ડ્રોન તે આવતા દિવસની જરૂરિયાત છે. ખાસ કરીને કોઈ જગ્યાએ જઈને વિગતો લેવા કે ફોટા ખેંચવા માટે કે વસ્તુ પહોંચાડવા માટે ડ્રોન શ્રેષ્ઠ સાબિત થવાનું છે.