ઘટના સ્થળથી 2॥ કિલોમીટર દૂર મૃતક બાવાજી યુવાનની કોહવાઈ ગયેલી લાશ મળી: રાજકોટ ફાયર બ્રિગેડ ટીમની પાંચ દિવસની મહેનતને અંતે સફળતા; પરિવારને જાણ કરાઈ
રાજકોટના કાલાવાડ રોડ છાપરા ગામે પાંચ દિવસ પહેલા આઈ-20 કાર સાથે તણાયેલા ડ્રાઈવરની લાંબી શોધખોળ બાદ ઘટના સ્થળથી 2॥ કિલોમીટર દૂર આજે કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા યુવાનની લાશ બહાર કાઢી પોલીસના હવાલે કરી દીધી હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી પાસે નીલ સિટી પાર્કમાં રહેતા ઉદ્યોગપતિ કિશનભાઈ શાહ (ઉ.50) પોતાના ડ્રાઈવર શ્યામગીરી મહેશગીરી ગોસ્વામી (ઉ.21), યશ ઉર્ફે સંજય બોરીચા (ઉ.21)સાથે જીતુભાઈ અને રસોઈ કામ કરતા જયાબેન સાથે સોમવારે સવારે રાજકોટથી આઈ-20 કાર લઈ છાપરા ગામ પાસે આવેલી પોતાની માલીકીની પેલીકન ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરી જવા રવાના થયા હતા.
સોમવારે વહેલી સવારથી ભારે વરસાદના કારણે છાપરા ગામ પાસે બેઠા પુલ પર પુર આવ્યું હોય કિશનભાઈએ ધરાર ગાડી પાણીમાં નાખતા તણાઈ ગઈ હતી. જેમાં યશ ઉર્ફે સંજય બોરીચાનો ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે ઉદ્યોગપતિ કિશનભાઈ શાહ અને ડ્રાઈવર શ્યામગીરી ગોસ્વામી લાપતા થઈ ગયા હતા. બે દિવસ પહેલા કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો અને આઈ-20 કાર પણ મળી આવી હતી. પરંતુ ડ્રાઈવરનો કોઈ પતો લાગતો નહોતો.
રાજકોટ ફાયર બ્રિગેડના વિનોદભાઈ મકવાણા, કિરીટ બોખાલી, અનિલ પરમાર, મૌલીક અણીયારા, વિરલ ચુડાસમાની સધન શોધખોળ બાદ આજે પાંચમાં દિવસે ઘટના સ્થળથી 2॥ કિલોમીટર દૂર છાપરા ગામની સીમમાં ભીખાભાઈની વાડી પાસેથી લાપત્તા ફાઈવર શ્યામગીરી ગોસ્વામીની કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવતા લાશ બહાર કાઢી પોલીસના હવાલે કરી હતી. આ બનાવની જાણ થતાં લોધીકા પી.એસ.આઈ. કે.કે. જાડેજા, એ.એસ.આઈ. ગીરીશભાઈ મકવાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શ્યામગીરી ગોસ્વામી 150 ફૂટ રીંગ રોડ રામાપીર ચોકડી પાસે ભારતીનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.