- ખીરસરા ગામના વતની ચિરાગ વાગડીયા કાર ચલાવતા હોવાનું ખુલ્યું
રાજકોટ શહેરની ભાગોળે મેટોડામાં ગુરૂવારે સાંજે ચાલીને રસ્તો ઓળંગી રહેલી મહિલા, તેના 12 વર્ષના ભાઇ અને દોઢ વર્ષના પુત્રને પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે ઉલાળ્યા હતા, માતા પુત્રનાં મોત નીપજ્યા હતા જ્યારે મહિલાના ભાઇની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. બે વ્યક્તિની જિંદગીનો અંત આણનાર ચાલક કાર મુકીને નાસી ગયો હતો અંતે પોલીસે તેને ઝડપી લીધો હતો.
મેટોડા ગેઇટ નં.2માં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતા શીલાદેવી ચંદનકુમાર શાહ (ઉ.વ.21) તેનો દોઢ વર્ષનો પુત્ર અંકુશ અને તેનો ભાઇ રાજા કૈલાશભાઇ પાસવાન (ઉ.વ.12) ગુરૂવારે મોડી સાંજે મેટોડા ગેઇટ નં.2 નજીક મણી મંદિર પાસે ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે એક વર્ના કાર ધસી આવી હતી અને શીલાદેવી સહિત ત્રણેયને ઉલાળ્યા હતા, પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે ત્રણેયને ફુટબોલની જેમ ઉલાળ્યા હતા, કારચાલક ગંભીર અકસ્માત સર્જી ઘટનાસ્થળે કાર મુકી નાસી ગયો હતો, ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને ઘવાયેલા શીલાદેવી સહિત ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં માસૂમ અંકુશનું ટૂંકી સારવાર દરમિયાન પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને ત્યારબાદ તેની માતા શીલાદેવીએ દમ તોડી દીધો હતો. રાજા પાસવાનની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં મેટોડા પોલીસની ટીમ દોડી ગઇ હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહારની વતની શીલાદેવી એકાદ વર્ષ પૂર્વે તેના વતનથી પતિ, પુત્ર અને તેના ભાઇ સાથે મેટોડા આવી હતી, તેનો પતિ ચંદનકુમાર કારખાનામાં કામ કરે છે,
પુત્ર અંકુશને પોલીયોના ઇન્જેક્શનનો ડોઝ આપવાનો હોઇ શીલાદેવી સાંજે પુત્ર અને ભાઇને લઇને મેટોડામાં ગેઇટ નં.3 પાસે આવેલી ક્લિનિકે ગઇ હતી અને ત્યાં પુત્ર અંકુશને પોલીયોનો ડોઝ અપાવ્યો હતો અને ઘર તરફ જતાં પહેલા રસ્તામાંથી શાકભાજી પણ ખરીદ કર્યા હતા, જોકે ઘરે પહોંચે તે પહેલા જ કાર કાળ બનીને આવી હતી અને શીલાદેવી તથા તેના પુત્ર અંકુશનું મૃત્યુ થયું હતું. પોલીસે કાર નંબરના આધારે તપાસ કરતાં જીવલેણ અકસ્માત ખિરસરાના ચિરાગ ભીખા વાગડિયાએ કર્યાનું ખુલતાં પોલીસે તેને ઝડપી લઇ વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.