હોટલ સંચાલકના મકાનની ચોરીનો ભેદ ઉકેલાય
જામનગર તાલુકાના વીજરખી ગામમાં એક હોટેલ સંચાલકના રહેણાંક મકાનમાં શનિવારે રાત્રે થયેલી ચોરી ભેદ ઉકેલવામાં પંચકોશી એ ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખી એક રિક્ષા ચાલકને પકડી પાડયો છે. તેની પાસેથી રોકડ રકમ તથા ચોરાઉ દાગીના કબજે કરી લીધા છે. પોતાનો રીક્ષા નો ધંધો બરાબર ચાલતો ન હોવાથી અને રિક્ષાના હપ્તા ચડી જતા ચોરી કર્યાની કબુલાત આપી છે.
જામનગર તાલુકાના વિજરખી ગામ માં રહેતા અને હોટલ ચલાવતા કિશોરસિંહ ભગવતસિંહ ઝાલાના બંધ રહેણાંક મકાનને શનિવારે રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ મકાનમાંથી રૂપિયા ૭૮,૨૫૦ ની માલમત્તાની ચોરી કરી ગયા હતા. જે ચોરી અંગેની પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવ્યા પછી પોલીસે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને વિજરખી ગામમાં જ રહેતા અને રિક્ષા ચલાવતા કનુભા ભીખુભા કેર નામના રીક્ષાચાલક શખ્સ ની અટકાયત કરી તેની પાસેથી સોનાનો હાર, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના સાંકળા, અને ચાંદીના સિક્કા ઉપરાંત ૧,૭૧૦ ની રોકડ રકમ વગેરે માલમતા કબજે કરી લીધી છે. પોલીસની પુછપરછ દરમ્યાન પોતે જે રીક્ષા ચલાવતો હતો, તે રિક્ષાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી રિક્ષાના હપ્તા ચડી ગયા હતા. જેથી પોતાને પૈસાની જરૂરિયાત પડતા ચોરીના રવાડે ચડી ગયો હતો, અને મકાન માલિક પોતે સત્સંગમાં ગયા છે તેવું જાણતો હોવાથી મોકાનો લાભ લઇ ચોરી કરી લીધાની કબૂલાત આપી છે. પોલીસ દ્વારા તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.