અંદાજે 500 વર્ષથી કચ્છમાં થતી ખારેકના 20 લાખ ઝાડ છે અને 5000 જેટલાં ખેડૂતો ખારેકની ખેતી કરી રહયા છે. કચ્છનું કલ્પવૃક્ષ ગણાતી કચ્છી ખારેકની વ્યાપારીક ધોરણે થતી ખારેક ખેતીમાં સમગ્ર દેશમાં પ્રથમ આવે છે.કચ્છની હરિયાળી શોભા ગણાતું કાયમી લીલુ વૃક્ષ ખારેક પોષકતત્વો, ઉપયોગીતા અને રોજગારી માટે કામધેનુ સમાન છે.

ખારેકનું તાજુ ફળ લીલી ખારેક જે પીળા કે લાલ રંગમાં જોવા મળે છે તે કચ્છ, મુંબઇ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ અને નાના મોટા શહેરોમાં પણ ખવાય છે.વિશ્વમાં 40 જેટલી વ્યાપારીક ખારેકની વિવિધ જાતો થાય છે જે પૈકી કચ્છમાં દેશી ઉપરાંત, બારહી, હલાવી, ખદરાવી, સામરાન, ઝાહીદી, મેજુલ અને ખલાલ એ ગુણવત્તા અને આવકની દષ્ટિએ ઉત્તમ જાતો જણાઇ છે.

દુનિયામાં સારામાં સારી ખારેક ઈરાકની બારહી ખારેક ગણાય છે અને કચ્છ વિસ્તારમાં છેલ્લાં 5-7 વર્ષમાં આ જાતના ટીસ્યુકલ્ચરથી તૈયાર કરવામાં આવેલ રોપાઓનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે.

કચ્છમાં બીજ દ્વારા ખારેકનું વાવેતર થયેલ હોવાથી દરેક ઝાડની આગવી લાક્ષણિકતા છે. ખારેક સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી મુન્દ્રાએ સર્વે કરી ઉત્તમ ગુણવત્તાવાળા 225 ઝાડ પસંદ કરેલાં તેના તાજાં ખલાલ મીઠાસ, કદમાં શ્રેષ્ઠ અને ઝાડદીઠ 100 થી 300 કિલો ઉત્પાદન નોંધાયું હતું.

IMG 20210625 WA0124

નાયબ બાગાયત અધિકારી એમ.એસ.પરસાણીયા જણાવે છે કે, જિલ્લામાં ખેડૂતોનું કમાઉ વૃક્ષ કચ્છી ખારેકથી રોજગારીની ઉજળી તકો છે અને બાગાયત ખાતા તરફથી ટીસ્યુકલ્ચર ખારેક માટે વર્ષ 2020-21માં 100 ખેડૂતોને 84-62 હેકટર વાવેતર માટે રૂ.1.42 કરોડ સહાય ચૂકવવામાં આવી છે જયારે 18825 હેકટર વિસ્તારમાં 178461 મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદન થયું છે. જિલ્લામાં મુન્દ્રા, અંજાર, ભુજ અને માંડવી જેવા તાલુકામાં મબલક પાક થાય છે.ખારેકની ખેતી માટે  અહીંના ખેડૂતો બાગાયત ખાતા દ્વારા અપાતી ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની ધારાધોરણ પ્રમાણની સબસીડી મેળવીને સારા ગુણવત્તાવાળી ખારેક ઉત્પાદન કરી રહયા છે.

કચ્છમાં ખારેકના કોર્મશિયલ ફાર્મીંગ પણ થાય છે. જયાં મોટા પ્રમાણમાં આધુનિક ટેકનોલોજી સાથે ખારેકનું ઉત્પાદન, શોર્ટિંગ, ગ્રેડીંગ અને પેકીંગ કરવામાં આવે છે.

બાગાયત ખાતા તરફથી ટીસ્યુકલ્ચર ખારેકના પ્લાન્ટીંગ મટીરીયલ માટે પ્રતિ હેકટર યુનિટકોસ્ટ રૂ.3,12,500 પ્રતિ હેકટર દીઠ સહાય: ખર્ચના 50 ટકા અથવા મહત્તમ 1250 પ્રતિ રોપા, બેમાંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ રૂ.1,56,250 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય, ખેતી ખર્ચ માટે સહાય. યુનિટ કોસ્ટ રૂ.40,000 પ્રતિ હેકટર સહાય ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ.20,000/- પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60 ટકા સહાય તેમજ બીજા વર્ષો જો 75 ટકા રોપા જીવંત હોય તો જ બાકીના 40 ટકા સહાય મળવાપાત્ર રહેશે.

ખાતા દીઠ મહત્તમ 1 હેકટરની મર્યાદામાં આજીવન એક જ વાર. આ માટે ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટીરીયલ (રોપા) માટે ડીબીટી દ્વારા માન્ય/એક્રેડીએશન થયેલ ટીસ્યુ લેબ તથા GNFC, GSFC કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે. આ ઉપરાંત મહત્તમ રૂ.1250 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તેમ એક   યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.