ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરો 12 દિવસથી ફસાયેલા છે. ભૂસ્ખલન બાદ પડેલા કાટમાળને કારણે ટનલનો પ્રવેશદ્વાર હજુ પણ બંધ છે. ત્યારે હવે ગુજરાતથી મોકલાયેલ ઓગર ડ્રિલિંગ મશીન આ શ્રમિકોને ઉગારવાનું છે.
આજે સાંજ સુધીમાં શ્રમિકોનું રેસ્ક્યુ થઈ જાય તેવી સંભાવના
જો કે આ ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું, આજે સવારે મશીન રિપેર કરવામાં આવ્યું હતું. ફરી કામગિરી શરૂ કરી દેવામાં આવી છે. આ હેવી ડ્રિલિંગ મશીન ટનલ બનાવવા માટે વપરાય છે. જે વલસાડમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સાઇટ પરથી ઉત્તરકાશીના સિલ્ક્યારા ખાતે સ્થળ પર મોકલવામાં આવ્યું હતું.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડની માલિકીનું ડ્રિલિંગ મશીન બુધવારે મોકલવામાં આવ્યું હતું.આ મશીનનો ઉપયોગ વલસાડના ઉમરગામ તાલુકાના ઝાલોરી ગામમાં એક ટેકરીમાં ટનલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. કામ પૂરું થઈ ગયું હતું અને મશીન નિષ્ક્રિય પડેલું હતું. અમારી ટીમોએ વલસાડ પોલીસ સાથે સંકલન કર્યું અને બચાવ સ્થળ માટે બંધાયેલા અર્થ મૂવર વાહનમાં લોડ કરતા પહેલા મશીનના કેટલાક ભાગોને અલગ કરવામાં આવ્યા હતા. બાદમાં મશીનને ઉતરકાશીમાં પહોંચાડી ફરી તેના પાર્ટને જોડવામાં આવ્યા હતા.