આજી રિવર ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત સુએઝ ઇન્ટરસેપ્ટર લાઈનના કામનો પ્રારંભ
રાજકોટ શહેર એ આજી નદીનાં કિનારે વસેલું સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. રાજકોટ શહેરનાં ઝડપી વિકાસનાં કારણે શહેર આજીનદીનાં બન્ને કાંઠે એટલે કે પુર્વ અને પશ્ચિમ દિશામાં વિકસેલ છે. આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. આજી નદીના બન્ને કિનારેથી અલગ અલગ ૪૨ જગ્યાએથી પાઈપ તેમજ નાના મોટા વોકળાઓનું ગંદુ પાણી આજી નદીમાં ભળે છે. રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. જે અનુસંધાને હાલ પ્રથમ તબક્કામાં આજી નદીના બન્ને કાંઠાના વિસ્તારોમાંથી આવતા ગંદા પાણીના શુધ્ધીકરણ માટે નેશનલ હાઇવે ૨૭ નાં બ્રિજથી પોપટપરા રીંગ રોડ સુધી, અંદાજીત ૧૦.૫૦ કિલોમીટરની લંબાઈમાં આજી નદીના બન્ને કાંઠાને સમાંતર રૂ. ૨૦ કરોડના ખર્ચે ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર લાઈન નાખવાનું કામ મેયર બિનાબેન આચાર્યનાં વરદ હસ્તે શરૂ કરવામાં આવેલ છે. આ તકે આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ સુએઝ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જઝઙ) તથા ત્રણ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. ઉપરોક્ત કામગીરી થવાથી આજી નદીમાં બન્ને કાંઠાનાં વિસ્તારોમાંથી ભળતા ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી આજી નદીને શુદ્ધ કરવામાં આવનાર છે. ત્યાર બાદ આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કાઓની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામ થવાથી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્યમાં તેમજ જીવન ધોરણમાં સુધારો થઇ શકશે તેમજ આજી નદી શુદ્ધ થઇ શકશે.
આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર આજી રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અનુસંધાને અત્યારે આજી નદીમાં વોંકળાનું પાણી નદીમાં ઠલવાય છે અને સુએઝ વોટરને કારણે ગંદકી અને ગાંડી વેલની સમસ્યા ઉદભવતી રહી હતી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ આજી નદીમાં બંને કાંઠા પર આશરે દસ-દસ કિ.મી (૧૦.૮૫ ૧૦.૮૫ કિ.મી.)ની ઇન્ટરસેપ્ટર પાઈપલાઈન નાંખવાણી કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે.
આ પાઈપલાઈનનું કાર્ય પૂર્ણ થયેથી શહેરના વોંકળાઓનું પાણી આજી નદીમાં ઠલવાતું બંધ થઇ જશે. શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં અમદાવાદ નેશનલ હાઈ-વે થી શરૂ કરીને માધાપર ચોકડીએથી પસાર થતા ૧૫૦ ફૂટ રિંગ રોડ સુધીના એરીયામાં સુએઝ વોટરના કુલ ૪૨ જેટલા આઉટલેટ છે જે ઇન્ટરસેપ્ટર પાઈપલાઈન સાથે જોડાઈ જતા આ પાણી નદીમાં આવતું બધ થઇ જશે. આજી રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ઇન્ટરસેપ્ટર સુએઝ પાઈપલાઈનના કાર્યને અગ્રતા આપવાની રહે છે.