વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમસ્ટેટમાં ભાજપનું કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમસ્ટેટ ગુજરાતમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મોદી અને શાહના વાવાઝોડા સામે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીનો રિતસર સફાયો થઇ ગયો છે. ડબલ એન્જિંન સરકારે હવે બુલેટ ટ્રેનની સ્પીડ પકડી લીધી છે. ગુજરાતની જનતાએ વધુ એકવાર વિકાસવાદને હોંશભેર આવકારી લીધો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માત્ર એક રાજ્ય પૂરતી હોય તેવું મનાતું ન હતું. કારણ કે ગુજરાત મોડેલના આધારે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યા છે. જો આવામાં ગુજરાતમાં ભાજપને નુકશાન થાય તો તેની અસર દેશભરમાં જોવા મળે. આવતા વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આજે ગુજરાતના પરિણામે ભાજપ માટે લોકસભાનો રોડમેપ તૈયાર કરી દીધો છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે તેને ડબલ એંન્જીન સરકાર તરીકેનું બિરૂદ આપવામાં આવ્યું હતું.
આજે મતગણતરીના દિવસે આ ડબલ એંન્જીન સરકારે બુલેટ ટ્રેનથી પણ વધુ સ્પીડે આગળ વધી હતી. મતગણતરીના પ્રથમ બે કલાકમાં જ એક વાત ફાઇનલ થઇ ગઇ હતી કે ગુજરાતમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવી રહી છે. આટલું જ નહિં રેકોર્ડ બ્રેક બેઠકો પણ મેળવી રહી છે. 2017માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો હોવાના કારણે ભાજપની ગાડી 99 બેઠકો પર અટકી ગઇ હતી. જો કે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની જોડીએ કમાલ દેખાડી દીધો છે. વર્ષ-2002માં ભાજપ સૌથી વધુ 127 બેઠકો જીતીને સત્તારૂઢ થયું હતું. આ રેકોર્ડ આજે ગુજરાતની જનતાએ બ્રેક કરી દીધો છે. પ્રારંભિક અંદાજ મુજબ ભાજપને 150 બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 19 બેઠકો પર સમેટાઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમવાર ચૂંટણી લડી રહ્યું હોવા છતાં 10 બેઠકો પર જીત મેળવી રહ્યું હોવાનું હાલ તારણ મળી રહ્યું છે.
જ્યારે અન્ય પક્ષો કે અપક્ષ ઉમેદવારો ત્રણ બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. પાંચ વર્ષમાં જ ભાજપની બેઠકમાં 50 થી વધુનો વધારો થયો છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં ડબલ એંન્જીન સરકારે હવે બુલેટ ટ્રેનથી પણ વધુ ગતિ પકડી લીધી છે. રાજ્યભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે હોંશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો ફરી એકવાર ઘોર નિરાશામાં ગરકાવ થઇ ગયા છે. આમ આદમી પાર્ટી ભલે ગાજ્યા મુજબ વરસવામાં નિષ્ફળ રહી હોય પરંતુ પ્રથમ ચૂંટણીમાં આપનું પરિણામ પ્રમાણમાં સારૂં કહી શકાય તેવું છે. ગુજરાતનો ગઢ સાતમી વખત ફતેહ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે છેલ્લાં એક મહિનાથી કરેલી કાળી મજૂરીનું સુંદર પરિણામ મળી રહ્યું છે. ભાજપના બુલડોઝર સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રિતસર કચડાઇ ગયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર આવતા વર્ષે યોજાનારી મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન સહિતની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર પડશે. હવે ભાજપે લોકસભા માટે પણ રોડમેપ બનાવી લીધો છે.