કોર્પોરેશનને બનાવેલી ટીપી સ્કિમ નં.25 વાવડીને રાજ્ય સરકારે 9 મહિનામાં આપી મંજૂરી: 64 અનામત પ્લોટનું કુલ ક્ષેત્રફળ 1,60,639 ચો.મી.
રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગત માર્ચ મહિનામાં બનાવવામાં આવેલી ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.25 (વાવડી)ને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મહોર મારવામાં આવતા છ વર્ષ પૂર્વે મહાપાલિકામાં ભળેલા વાવડી વિસ્તારમાં હવે વિકાસના દ્વારો ખૂલશે. આ ટીપી સ્કિમ અંતર્ગત કોર્પોરેશનને અલગ-અલગ હેતુ માટેના 64 રિઝર્વેશન પ્લોટ મળશે. જેનું કુલ ક્ષેત્રફળ 1,60,639 ચો.મી. જેવું થવા પામે છે. આ ટીપી સ્કિમમાં અલગ-અલગ મુખ્ય 12 વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની ટીપી સ્કિમ નં.25 (વાવડી) કે જેનું કુલ ક્ષેત્રફળ 91 હેક્ટરનું છે. આ ટીપી સ્કિમ ગત માર્ચ મહિનામાં કોર્પોરેશન દ્વારા તૈયાર કરી રાજ્ય સરકાર સમક્ષ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ગઇકાલે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની જે 8 ટાઉન પ્લાનિંગ સ્કિમને મંજૂરીની મહોર મારવામાં આવી છે તેમાં ટીપી સ્કિમ નં.25 (વાવડી)નો પણ સમાવેશ થાય છે.
આ ટીપી સ્કિમમાં ટીપી સ્કિમ નં.15 (વાવડી)ની દક્ષિણનો ભાગ, વાવડી ગામથી દક્ષિણ તથા પશ્ર્ચિમનો ભાગ, આકાર હાઇટ્સ વાળો વિસ્તાર, આદર્શ એક્સોટીકા હાઇટ્સવાળા વિસ્તાર, સોપાન રેસીડેન્સી, રાધેશ્યામ ગૌશાળા, શ્રીજી રેસીડેન્સી, આંગણ રેસીડેન્સી, ઇન્દિરાનગર 25-વારિયા, અલય પાર્ક દાતાર હઝરત પીર દરગાહથી ઉત્તરનો ભાગ, પુનિતનગર થી કાંગશીયાળી રોડને જોડતો 80 ફૂટના રોડ સહિતનો કુલ 12 વિસ્તારનો સમાવેશ થાય છે.
આ ટીપી સ્કિમ અંતર્ગત કોર્પોરેશન એસઇડબલ્યૂએસએચ હેતુ માટે 8 પ્લોટ પ્રાપ્ત થશે કે જેનું ક્ષેત્રફળ 45,984 ચો.મી. છે. રહેણાંક-વેંચાણ હેતુના 12 પ્લોટનું ક્ષેત્રફળ 34078, વાણિજ્ય વહેચાણ હેતુના 7 પ્લોટનું ક્ષેત્રફળ 34936 ચો.મી., સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુના 16 પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 23107 ચો.મી., ગાર્ડન હેતુ માટે 12 પ્લોટનું ક્ષેત્રફળ 17465 ચો.મી., પાર્કિંગ હેતુ માટે 3 પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 2540 ચો.મી. અને 6 ઓપન પ્લોટ મળશે જેનું ક્ષેત્રફળ 2529 ચો.મી. છે. આ ટીપી સ્કિમમાં 9 મીટરથી 30 મીટર સુધીના રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીપી રોડનું ક્ષેત્રફળ 167022 ચો.મી.નું છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર નવ મહિનામાં જ ટીપી સ્કિમને મંજૂરી આપવામાં આવતા મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેઓએ વિશેષ જણાવ્યું હતું કે મવડી તેમજ વાવડી વિસ્તારની ટી.પી. સ્કીમ મંજુર થયેલ ન હોવાથી લોકોઉપયોગી કામો કરવામાં ખૂબ જ મુશ્કેલી થતી. અગાઉ મવડી 21 અને વાવડી 14 ડ્રાફ્ટ સ્કીમ બનાવવામાં આવેલ છે. જેની પ્રિલીમીનરી સ્કીમની મંજુરી માટે સરકારમાં મોકલેલ છે. જ્યારે ટી.પી. સ્કીમ નં.25 વાવડી ડ્રાફ્ટ સ્કીમ મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જુદી જુદી 8 ટી.પી. સ્કીમો મંજુર કરાયેલ છે. જેમાં રાજકોટ ટી.પી. સ્કીમ નં.25 વાવડી ડ્રાફ્ટ સ્કીમ મંજુર કરવામાં આવેલ છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મેયર ડો.પ્રદિપ ડવ આભાર વ્યક્ત કરેલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઘણી ટી.પી. સ્કીમો મંજુર કરવામાં આવી રહી છે.