તંત્રની મંજુરી વિના કોરોના દર્દીની ઘરે જઇ સારવાર આપતા ડોકટરનું પોલીસે કર્યુ ‘ઓપરેશન’
બીએચએમએસની ડીગ્રી ધરાવતા તબીબને કોરો મહામારીમાં સપડાયેલા મજબુર અને લાચાર દર્દીઓને ખંખેરવા રેમડેસિવીર ઇન્જેકશનના ડબલ ભાવ વસુલ કર્યા
શુભમ હોસ્પિટલના તબીબ સહિત ત્રણને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કરાયા કોર્ટ હવાલે
કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વમાં મહામારીના ભરડામાં આવ્યું છે ત્યારે કોરોનાની કપરી પરિસ્થિતીમાં એક બીજાને સધિયારો અને સહયોગ આપવાના બદલે કાળો કારોબાર ચલાવવામાં આવતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાસ કરી રેમડેસિવીર ઇન્જેકશનના કાળાબજાર કરતા શખ્સોની ધરપકડ કર્યા બાદ તંત્રની કોઇ પણ જાતની મંજુરી વિના કોરોના પોઝિટીવી દર્દીના ઘરે જઇ સારવાર આપતા તબીબ સહિત ત્રણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તબીબની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં આઠ જેટલા દર્દીના ઘરે જઇ સારવાર આપવાના બદલામાં દર્દી દીઠ રૂા.૩૦ હજાર વસુલ કરતો હોવાનું તેમજ પોતે રૂા.૫૪૦૦માં ખરીદ કરેલા રેમડેસિવીર ઇન્જેકશનના આઠ થી દસ હજાર વસુલ કર્યાની કબુલાત આપી છે.
કોરોના દર્દીઓ માટે જરૂરી રેમડેસિવીર ઇન્જેકશનના કાળા બજાર કરતા નિધી કર્મચારી સોસાયટી રહેતા અને થ્રીયોસ ફાર્માસ્યુટીકલ્સના સંચાલક સચિન હરેશ પટેલ અને સંસ્કાર એવન્યુમાં રહેતા ઝાયડસ કેડીલા કંપનીના સંચાલક રજનીકાંત હરેશભાઇ પટેલની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી બંનેને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. બંને શખ્સોએ અત્યાર સુધીમાં ૨૩૩૨ જેટલા ઇન્જેકશન ઉંચી કિંમતે વેચી કાળા બજાર કર્યા છે. અને તેના માટે જુદી જુદી હોસ્પિટલના બોગસ બીલ બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા વેદાંત અને શુભમ હોસ્પિટલ સિવાય તેને કંઇ હોસ્પિટલના નામના બોગસ બીલ બનાવ્યા તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. તેમજ તેની સામે જીએસટી અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસસુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાંથી છળકપટથી મેળવેલા રેમડેસિવીર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઝડપાયેલા હિમત કાળુ ચાવડાએ દેવ્યાની જીતેન્દ્ર ચાવડા, વિશાલ ભૂપત ગોહેલ, અંકિત મનોજ રાઠોડ અને જગદીસ ઇન્દ્રવદન શેઠ મદદથી વેચાણ કરવાના ગુનામાં પાચેયની ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે.
બજરંગવાડી પાસે વાંકાનેર સોસાયટીમાં રહેતા અને નાણાવટી ચોક પાસે શુભમ હોસ્પિટલ ધરાવતા દિપક દેવરાજ ગઢીયા પોતે બીએચએમએચનો અભ્યાસ કર્યો હોવા છતાં તંત્રની મંજુરી વિના કોરોના પોઝિટીવ દર્દીના ઘરે જઇ સારવાર કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. એસ.વી.સાખરા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ માલકીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હિરેન સોલંકી, કિરીટસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દિપક ગઢીયાને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કલસ એપાર્ટમેન્ટ પાસેથી ધરપકડ કરી છે.
દિપક ગઢીયાની પૂછપરછ દરમિયાન કલસ એપાર્ટમેન્ટમાં રહેતા તુષારભાઇ ભેસદડીયાના માતાને કોરોના પોઝિટીવ હોવાથી તેની સારવાર કરવા માટે તેમના ઘરે ગયા હોવાનું તેમની પાસેથી રૂા.૩૦ હજાર વસુલ કર્યાની કબુલાત આપી હતી.
કોરોના પોઝિટીવ દર્દીને રેમડેસિવીર ઇન્જેકશન આપવાની જરૂરીયાત ઉભી થતા નિલકંઠ કોવિડ હોસ્પિટલના મેડિકલ સુપરવાઇઝર મુકેશ ભીખુ રાઠોડ અને નિલકંઠ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા પંકજ દોમડીયા પાસેથી રૂા.૫૪૦૦ની કિંમતના ઇન્જેકશન ખરીદ કરી દર્દી પાસેથી રૂા.૭ હજાર વસુલ કરી કાળા બજાર કર્યાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મુકેશ રાઠોડ અને પંકજ દોમડીયાની ધરપકડ કરી છે.
દિપક ગઢીયાની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં આઠ જેટલા કોરોના પોઝિટીવ દર્દીના ઘરે જઇને સારવાર કરી તેઓ પાસેથી રૂા.૩૦ હજાર વસુલ કર્યાની કબુલાત આપી છે. તંત્ર પાસેથી કોરોના પોઝિટીવ દર્દીની સારવાર આપવાની તેમને કોઇ પ્રકારની મંજુરી લીધી નથી તેમજ તે બીએચએમએસની ડીગ્રી ધરવતા હોવા છતાં અનઅધિકૃત રીતે દર્દીની સારવાર કરી માનવ જીંદગી સાથે ચેડા કર્યાના ગુનામાં ધરપકડ કરી છે. ત્રણેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.