- 78 વર્ષના તબીબે નોકરી અપાવવાના બહાને જાળમાં ફસાવી પોતાના ક્લીનીકમાં હવસનો શિકાર બનાવ્યાનો આક્ષેપ
Rajkot News
રાજકોટના સ્વામીનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પરના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ક્લીનીક ધરાવતા ૭૮ વર્ષના ડો. એલ.જી. મોરી સામે એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. માલવિયાનગર પોલીસે દુષ્કર્મ, ધમકી આપવી અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડો. મોરી મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ભોગ બનનાર પરિણીતાની ઉંમર 30 વર્ષ છે. તેણે પોલીસને જણાવ્યું કે તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. જો કે પતિ સાથે મનદુઃખ થતાં છેલ્લા આઠ મહિનાથી રાજકોટ રહેતી માતાના ઘરે રિસામણે છે. સંતાનમાં આગલા ઘરની પુત્રી છે. જેની ઉંમર સાત વર્ષ છે.
સાતેક માસ પહેલા તેને સામાન્ય તાવ આવતા ડો. મોરી પાસે દવા લેવા ગઇ હતી. તે વખતે ડો. મોરીએ તેનું નામ-સરનામું અને મોબાઈલ નંબર નોંધી લીધા હતા. એટલું જ નહીં દવા આપી, ક્લીનીકનું વિંઝીટીંગ કાર્ડ આપી કહ્યું કે બે દિવસ પછી મને ફોન કરી બતાવવા આવજે. બે દિવસ પછી તેણે કોલ કરતાં ડો. મોરીએ કહ્યું કે હું તને ફોન કરું એટલે બપોરના બે-અઢી વાગ્યે આવજે. બપોરના ડો. મોરીએ કોલ કરી કહ્યું કે તું બતાવવા આવી જા. જેથી તે બપોરના સમયે ક્લીનીકે ગઇ હતી. તે વખતે ડો. મોરી એકલા હતા. તેને કેબીનની અંદર બોલાવી પૂછ્યું કે તું શું કામ કરે છે, જેથી તેણે કહ્યું કે ઇમીટેશનના કામનું કહ્યું હતું. તે સાથે જ તેને કહ્યું કે હું તને સારી એવી નોકરી અપાવી દઇશ. સાથોસાથ પૂછ્યું કે હવે કોઇ તકલીફ છે. જેની સામે તેણે પેટમાં થોડી તકલીફ હોવાનું કહ્યું હતું.
તે સાથે જ ડો. મોરીએ કેબીનમાં રહેલા ટેબલ પર સૂવડાવી પેટના ભાગે તપાસવાનું શરૂ કર્યા બાદ બળજબરીપૂર્વક તેની સાથે શરીર સંબંધ બાંધી કહ્યું કે જો તું આ વાત કોઇને કરીશ તો તારા ઘરનું સરનામું છે મારી પાસે છે, હું તારા ઘર સુધી આવીશ અને તને બદનામ કરી નાખીશ.
આ ઘટનાક્રમના છ દિવસ બાદ ફરીથી ડો. મોરીએ તેને કોલ કરી પૂછ્યું કે તબિયત સારી થઇ ગઇ ને, એટલે તેણે હા પાડતા કહ્યું કે મેં મારા મિત્રને તારી નોકરી માટે વાત કરી છે, તું ક્લીનીકે આવ. જેથી બે-અઢી વાગ્યાની આસપાસ પુત્રી સાથે ક્લીનીકે ગઇ હતી. તે વખતે ડો. મોરીએ તેની પુત્રીને ચોકલેટ આપી બહાર બેસાડી દીધા બાદ તેને તપાસવા માટે કેબીનમાં બોલાવી હતી. પરીણીતાએ ના પાડી હોવાથી છતાં તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાધ્યો હતો. અઠવાડિયા પછી ડો. મોરીએ સવારના સમયે કોલ કરી કહ્યું કે તારી નોકરીનું થઇ ગયું છે, મેં તારી સાથે જે ખોટું કર્યું છે તેની હું માફી માંગુ છું, તું બપોરના બે-અઢી વાગ્યે ક્લીનીકે આવજે.
જેથી બપોરે તે એકલી ક્લીનીકે ગઇ હતી તે વખતે ડો. મોરીએ તેની પાસે માફી માંગી અને કહ્યું કે તારી નોકરીનું સેટીંગ થઇ ગયું છે, હું ફોન કરું એટલે મારા મિત્ર સાથે નોકરીની વાતચીત કરવા બોલાવીશ.
ત્યારબાદ ગઇ તા.5ના રોજ ડો. મોરીએ કોલ કરી કહ્યું કે બપોરે મારા મિત્ર ક્લીનીકે નોકરીની વાતચીત કરવા આવે છે એટલે તું બપોરે અઢી વાગ્યે ક્લીનીકે આવજે. જેથી બપોરે તે ક્લીનીકે ગઇ ત્યારે ડો. મોરી એકલા જ હતાં. તેણે કહ્યું કે મારા મિત્ર આવે છે. આ પછી તેને અંદર બોલાવી હતી, પરંતુ તેણે ના પાડયા છતાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી કહ્યું કે તારાથી થાય તે કરી લેજે, આ વાત કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ.
ફરિયાદણી ગંધ આવી જતાં તબીબ ફરાર
ભોગ બનનાર પરિણીતાએ પોલીસને જણાવ્યું કે ડો. મોરીની ધમકીથી તે ખૂબ જ ડરી ગઇ હતી.જેથી આજ સુધી કોઇને આ વાત જણાવી ન હતી. આખરે માતાએ હિંમત આપતા ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે ડો. મોરી વિરૂધ્ધ અગાઉ ભોગ બનનાર પરિણીતાએ અરજી કરી હતી. જેથી ગંધ આવી જતાં ડો. મોરી મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી ગયા છે. હાલ તેની શોધખોળ જારી રાખવામાં આવી છે.
ડૉ. મોરી અગાઉ બની ચુક્યા છે હનીટ્રેપનો શિકાર
ડૉ. મોરી અગાઉ હનીટ્રેપનો શિકાર બની ચુક્યા છે. ડો. મોરીએ વર્ષ 2016માં માલવિયાનગર પોલીસ મથકમાં જ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. તે વખતે ફરિયાદમાં તેણે જે ઉંમર લખાવી હતી તે જોતા હાલ તેની ઉંમર 78 વર્ષ થાય છે.