ભંગાર-નકામા ટાયરોમાં સંખ્યાબંધ મચ્છરો, કચરા પેટી આખી ભરાઈ જવા છતાં ખાલી કરાતી નથી
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન મહિનાની મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી બાદ જુલાઇ મહિનાની ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી પાણી ભરેલા પાત્રો, ખાબોચિયા કે જેમાં મચ્છરોના પોરા થાય તે ખાલી કરાવી એબેટ નામની દવા નાખવામાં આવી રહી છે. સાથે સાથે મકાનની છત પર પડેલી નકામી વસ્તુઓ ટાયર, ભંગારનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી રહી છે.
પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, આખા શહેરમાં મચ્છરોના પોરા ગોતતી મહાનગરપાલિકાનું પટાંગણ જ મચ્છર ઉત્પતિનું કેન્દ્ર બન્યું છે. કારણ કે, મહાનગરપાલિકાના ફાયર શાખા, આઇસીડીએસ શાખા પાસેના પટાંગણમાં ભંગાર, નકામા ટાયરો પડયા છે તો પાણીના ખાબોચિયા ભરેલા છે. આટલું જ નહીં કચરાથી ભરેલી કચરાપેટી પડેલી છે. જે મચ્છરોના ઉત્પતિ કેન્દ્રો બન્યા છે. મહાનગરપાલિકાની પાછળ ફાયર વિભાગ પાસે ફાયરના કર્વાટરો આવેલા છે. આ કર્વાટરો પાસે આવેલા પટાંગણમાં જ નકામા ટાયરો, ભંગારના ખડકલા છે તો પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે. જે મચ્છરોના ઉત્પતિ સ્થાન બનતા
મનપાના કર્મચારીઓની સાથે શહેરીજનોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.શહેરમાં મચ્છરો શોધવા 180 ટીમ દ્વારા સર્વે થઈ રહ્યો છે. 352 કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી શરૂ થઇ ગઇ છે. દરરોજ 10 થી 11 હજાર ઘરનો સર્વે 65000 પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવે છે.