મહાનગરપાલિકા આયોજીત દિવાળી કાર્નિવલનો અંજલીબેન રૂપાણીના હસ્તે શુભારંભ: કિસાનપરા ચોકથી બહુમાળી ભવન સુધી રંગોળીનો આહલાદક નજારો: સ્પર્ધામાં ૨૫૦૦ જેટલી બહેનો જોડાઈ
ચાર દિવસ લાઈવ બેન્ડના મ્યુઝીકલ શો, મ્યુઝીક સાથે લાઈટીંગ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ ઝોન, આંગણવાડી બહેનોના જુદા જુદા સ્ટોલ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪/૧૦/૨૦૧૯ થી તા.૨૭/૧૦/૨૦૧૯ સુધી દિવાળી કાર્નિવલ, રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, જુદી જુદી કમીટીના ચેમેને, કોર્પોરેટર, ભાજપના અગ્રણીઓ, અધિકારીઓ તેમજ શહેરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણીએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દિવાળી કાર્નિવલનું આયોજન કરતુ રાજકોટ પ્રથમ શહેર હશે. તે બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકાએ નગરજનોમાં આનંદ અને ઉમંગમાં પલટાવવાનો પ્રયત્ન કરેલ છે. તે ખુબ સરાહનીય છે. રાજકોટ પહેલેથી જ રંગીલું શહેર તરીકે જાણીતું છે. તમામ ઉત્સવો જેમકે જન્માષ્ટમી, દિવાળી, હોળી-ધુળેટી, ઉતરાયણ વિગેરેની ઉજવણી ખુબ ધામધૂમથી કરે છે તેમજ રાજકોટ ઉત્સવપ્રેમી શહેર તરીકે જાણીતું છે. રંગોળી સ્પર્ધામાં પણ ૨૫૦૦થી વધુ જેટલી બહેનોએ પરિવાર સાથે ભાગ લીધેલ છે જે ખરેખર રેકોર્ડ હશે. આ માટે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જોડવાની જરૂર હતી. અંતમાં અંજલીબેન રૂપાણીએ શહેરીજનોને દિવાળી તહેવારો પ્રસંગે શુભકામના પાઠવેલ હતી.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, તહેવારોની ઉજવણીથી મનુષ્યના જીવનમાં એક નવો સંચાર પૂરે છે. અને ઉત્સવોની ઉજવણીથી આપણી સંસ્કૃતિ જીવંત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસની સાથે સાથે રાષ્ટ્રીય પર્વ, તમામ જુદા જુદા તહેવારોની ઉજવણી કરે છે. વિશેષમાં રાજકોટ શહેર વિશ્વમાં પણ એક વિકસતા શહેર તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટ શહેરને કરોડોના વિકાસ કામોની ભેટ આપતા રહ્યા છે. પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે ત્યારે આપણે સૌ સાથે મળી શહેરને સ્વચ્છ બનાવવા આપણું યોગદાન આપીએ. અંતમાં મેયર બિનાબેન આચાર્યએ શહેરીજનોને આગામી દિવાળી, નુતનવર્ષના તહેવારો પ્રસંગે શુભકામના પાઠવેલ.
આ અવસરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, આવનારું વર્ષ તમામ શહેરીજનોને ખુબ ઉત્સાહ આરોગ્ય પ્રદ અને આનદમયી નીવડે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાથના સાથે સૌને શુભેચ્છા પાઠવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે તહેવારો ખુબ જ ઉત્સવથી ઉજવવા જોઈએ, રાજકોટ મહાનગરપાલિકા તહેવારો ખુબ ધામધૂમથી ઉજવે છે. આજે ભવ્ય આતશબાજીનું આયોજન કરેલ છે. જેમાં પધારવા શહેરીજનો અનુરોધ કરેલ.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા અંજલીબેન રૂપાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. ત્યારબાદ સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને પુષ્પ અને ખાદીના રૂમાલ અર્પણ કરી સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ આભારવિધિ કરેલ.
ત્યારબાદ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી દ્વારા દિવાળી કાર્નિવલનું શુભારંભ કરાયેલ. તેમજ ઉપસ્થિત દિવ્યાંગ બાળકોને બગીમાં બેસાડીને દિવાળી કાર્નિવલનો આનંદ કરાવેલ.
દિવાળી કાર્નિવલ ૨૦૧૯માં ચાર દિવસ માટે શાનદાર રંગબેરંગી રોશની, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લાઈવ બેન્ડના મ્યુઝિકલ શો, મ્યુઝિક સાથે લાઈટીંગ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ, આંગણવાડીના બહેનો દ્વારા જુદા-જુદા સ્ટોલ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનુ આયોજન કરવામાં આવેલ છે.
ચિત્રનગરી દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધામાં ૮૭૦ સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. સ્પર્ધકોની મદદમાં રહેનાર ચિત્રકારો-પરિવારજનોએ મળી આશરે ૨૫૦૦ લોકો આ સ્પર્ધામાં જોડાયેલ. કિસાનપરા ચોકથી બહુમાળી ભવન સુધી બન્ને સાઈડમાં સ્પર્ધકો દ્વારા રંગોળી દોરવામાં આવેલ છે. સ્પર્ધામાં પ્રથમ પાંચ વિજેતાને પાંચ હજાર રૂપિયાનો પુરસ્કાર અને આ ઉપરાંત ૫૧ સ્પર્ધકોને એક હજારનો આશ્વાસન પુરસ્કાર આપવામાં આવશે. તેમજ દરેક સ્પર્ધકોને સર્ટીફીકેટ આપવામાં આવશે.