બજેટમાં સેનેટરી પેડના વિતરણ માટે રૂ.૨૫ લાખની નવી જોગવાઈ ઉમેરાઈ: કોર્પોરેટરોને રૂ.૧૫ હજારનું માનદ વેતન જયારે જિલ્લા પંચાયતના સભ્યોને પુરો ખર્ચ પણ નહીં અપાતો હોવાનો પ્રશ્ન ઉઠાવાયો
જુથવાદ હોવા છતાં બજેટ સામે કોઈએ વિરોધ ન દર્શાવ્યો, સામાન્ય સભામાં સભ્યોની એકતા ઉડીને આંખે વળગી
જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી જેમાં કારોબારીમાં રજુ થયેલા રૂ.૩૩.૮૩ કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. કોઈપણ સભ્યએ જુથવાદ હોવા છતાં વિરોધ દર્શાવ્યો ન હતો. સામાન્ય સભામાં સભ્યોની આ એકતા ઉડીને આંખે વળગે તેવી હતી. બજેટમાં સેનેટરી પેડના વિતરણ માટે રૂ.૨૫ લાખની નવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત એક સભ્યએ એવો પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે, કોર્પોરેટરોને રૂ.૧૫ હજારનું માનદ વેતન આપવામાં આવે છે જયારે જિલ્લા પંચાયતના સભ્યોને પુરો ખર્ચ પણ આપવામાં આવતો નથી.
જિલ્લા પંચાયત કચેરી પાસે આજે પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેશ મકવાણાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં કારોબારીમાં રજુ થયેલા રૂ.૩૩.૮૩ કરોડના અંદાજપત્રને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી જિલ્લા પંચાયતમાં જુથવાદના લબકારાઓ જોવા મળી રહ્યા છે. શાસન ઉથલાવવાના પ્રયાસો પણ થયા હતા. આટલા વિવાદો વચ્ચે સામાન્ય સભા ગાજશે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી હતી પરંતુ આજની સામાન્ય સભા ખુબ જ શાંતીપૂર્ણ વાતાવરણમાં પુરી થઈ હતી. બજેટમાં એક પણ સભ્યએ વિરોધ દર્શાવ્યો ન હતો જેથી બજેટ સર્વાનુમતે મંજુર થવા પામ્યું હતું. વધુમાં આ બજેટમાં નવી જોગવાઈ પણ ઉમેરવામાં આવી હતી. સેનેટરી પેડ માટે રૂ.૨૫ લાખ ફાળવવાની જોગવાઈને વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ઉમેરવામાં આવી હતી.સામાન્ય સભામાં સભ્ય તરફથી અનેક પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા જેમાં ચંદુભાઈ શિંગાળાએ પ્રશ્ન કર્યો હતો કે સ્વભંડોળમાંથી સુચવાયેલા કામોમાંથી માત્ર ૨૭ ટકા રકમના જ કામો થાય છે. બાંધકામમાં રૂ.૬૫૭ લાખ ફાળવવામાં આવ્યા હતા. જેમાં માત્ર ૧૪૨ લાખ જ વાપરવામાં આવ્યા હતા. આજ રીતે ખેતીવાડીમાં ૫૭ લાખ ફાળવવામાં આવ્યા જયારે વપરાયા માત્ર ૮૯ હજાર જ.વધુમાં ચંદુભાઈએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે મહાપાલિકા કોર્પોરેટરોને રૂ.૧૫ હજારનું માનદ વેતન આપવામાં આવે છે જયારે જિલ્લા પંચાયતના સભ્યોને પુરો ખર્ચ પણ આપવામાં આવતો નથી. બાદમાં અર્જુનભાઈ ખાટરીયાએ એવો પ્રશ્નો ઉઠાવ્યો હતો કે જિલ્લા પંચાયતના સભ્યો પોતાની ગ્રાન્ટમાંથી કામ કરવા ઈચ્છે છતાં પણ કરી શકતા નથી. જે તાલુકા પંચાયતો ભાજપ હસ્તક છે તેમાંથી યેનકેન પ્રકારે રોડા નાખવામાં આવે છે.