રાજકોટની ભાગોળે આવેલો માધાપર આઇ.ઓ.સી.સેલ આજે સવારે સાડા દસના સુમારે અચાનક આવેલા ભુકંપથી ફાયર ફાઇટર, સ્ટ્રેચર, પાણીના ફુવારા, કેમિકલયુકત ફીણ, દોરડા, નિસરણી વગેરેથી ધમધમી ઉઠયો હતો. તમામ સરકારી ઇમરજન્સી વિભાગો તાત્કાલિક ઘટનાસ્થળે દલડી ગયા હતા, અને પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી હતી.
ભુકંપ અંગેની આપત્તિ વ્યવસ્થાપનનું જિલ્લા વહીવટીતંત્રે ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડયું હતું. ભુકંપને લીધે ફેલાયેલી હાડમારીઓનો સામનો કરવા લોકોને જરૂરી જાણકારી આપવામાં આવી હતી, અને કોઇ પણ પ્રકારની ઇજા થયેલા નાગરિકોને સુરક્ષાકર્મીઓએ ૧૦૮ની મદદથી પ્રાથમિક સારવાર આપી હતી. ઉપલા માળે ફસાયેલા લોકોને દોરડા અને નિરણીથી બચાવવામાં આવ્યા હતા.
માધાપર આઇ.ઓ.સી.સેલ ખાતે થયેલ ડીઝલ લીકેજને નાથવા માટે કેમિકલયુકત ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો, તથા અમુક જગ્યાએ લાગેલી આગને ફાયરબ્રિગેડે પાણી વડે નિયંત્રિત કરી હતી. માધાપર આઇ.ઓ.સી.સેલમાં તાત્કાલિક અસરથી મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો હતો, જેથી ડીઝલ કે પેટ્રોલ લીકેજના કિસ્સામાં મોબાઇલ ફોન વડે સ્પાર્ક ન થાય. પોલિસ, હોમગાર્ડઝ, ૧૦૮, આરોગ્ય, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, માધાપર આઇ.ઓ.સી.સેલ વગેરે વિભાગોના કર્મચારીઓએ નમૂનેદાર કામગીરી કરી મહત્ત લોકોના જાન બચાવ્યા હતા.
પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા અને કોઇ પણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ તાકીદની બેઠક બોલાવી હતી, જેમાં સરકારના તમામ ઇમરજન્સી વિભાગોના વડાઓ ઉપસ્થિત રહયા હતા. કલેકટરશ્રીએ આ બેઠકમાં ઉપલબ્ધ તમામ સુરક્ષા સાધનોની સજ્જતાની ચકાસણી કરવા તાકીદ કરી હતી, અને સુરક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓને અગાઉથી જાણ કર્યા વગર સ્થળ ન છોડવા સૂચના આપી હતી.
માધાપર આઇ.ઓ.સી.સેલ ખાતે આજે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજયકક્ષાની ભુકંપ અંગેની મોક ડ્રીલ યોજાઇ હતી, જેમાં ભુકંપની પરિસ્થિત સર્જાય તો શું કરવું, તે અંગે રીહર્સલ કરવામાં આવ્યું હતું. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કલેકટરશ્રીએ સંતોષ વ્યકત કર્યો હતો, અને માધાપર આઇ.ઓ.સી.સેલની સુરક્ષા પ્રણાલિની સરાહના કરી હતી. આ મોક ડ્રીલમાં નિવાસી અધિક કલેકટરશ્રી હર્ષદ વોરા, રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીશ્રી પ્રભવ જોષી, માધાપર આઇ.ઓ.સી.સેલના અધિકારીશ્રી દેવ બત્રા દાસ, સંલગ્ન સરકારી વિભાગોના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com