ફૂવાને ત્યાં આટો મારવા આવેલા બે ભત્રીજાઓએ રૂ.૪ લાખની મત્તાનો હાથફેરો કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક મુંજકા ખાતે આવેલા પંચરત્ન સેલ્સ એન્ડ સર્વિસ નામના ગોડાઉનમાંથી રૂ.૪ લાખની મતાની થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોના યુનિવર્સિટી પોલીસે ઝડપી રૂ.૩.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કોઠારીયા રોડ પર રહેતા ખાખડાબેલાના હરદેવસિંહ ઉર્ફે હરૂભા વનરાજસિંહ જાડેજાને મુંજકા નજીક પંચરત્ન સેલ્સ એન્ડ સર્વિસ નામના ગોડાઉનમાં ગત તા.૧૬મીએ રૂ.૪ લાખની મત્તાની ચોરી થયાની અંગેની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના ગુનામાં સંડોવાયેલા શિહોર તાલુકાના જારીયા ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે યુવરાજ મહાવીરસિંહ ગોહિલ અને ભગીરથસિંહ રઘુવીરસિંહ ગોહિલ નામના શખ્સોને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ ડી.વી.દવે, પીએસઆઈ એન.વી.ડોડીયા, હેડ કોન્સ. જે.પી.મેવાડા, ઈકબાલભાઈ મોરવાડીયા, રાવતભાઈ ડાંગર અને મુકેશભાઈ ડાંગર સહિતના સ્ટાફે બન્ને શખસોની રૂ.૩.૫૯ લાખની મતા સાથે માધાપર ચોકડી પાસેથી ઝડપી લીધા છે.
પોલીસની પુછપરછ દરમિયાન હરદેવસિંહ જાડેજા જાળીયા ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે યુવરાજ મહાવીરસિંહ ગોહિલના ફૂવા થતા હોવાથી તેને ત્યાં બન્ને આટો દેવા આવ્યા હતા. ભાવનગરથી બન્ને શખ્સો રાજકોટ આવ્યા તે પૂર્વે પાલીતાણાથી બાઈક ચોરી કરીને આવ્યા હોવાની કબુલાત આપી છે.૧૫ ઓગષ્ટની બેંકમાં રજા હોવાથી હરદેવસિંહ જાડેજાએ બેંકમાં રોકડ રકમ જમા કરાવી શકયા ન હોવાથી રૂ.૩ લાખની રોકડ ગોડાઉનમાં જ રાખી ઘેરે આવી ગયાની દિવ્યરાજસિંહ ગોહિલને જાણ થતાં તા.૧૬મીએ ગોડાઉનમાં તાળા તોડી ઓફિસ રાખેલ રૂ.૩ લાખ રોકડા, મોબાઈલ, કોમ્પ્યુટર મળી રૂ.૪ લાખની ચોરી કર્યાની તેમજ પોતાની ઓળખ છતી ન થાય તે માટે સીસીટીવી કેમેરામાં નુકશાન કર્યાની કબુલાત આપી છે.