ગાંધીનગર સમાચાર
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં ભૂકી છારો રોગ લાગતા ખેડૂતો ચિંતિત થયા છે. ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ભૂકી છારો રોગ અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ ઉભા પાકને આ રોગથી બચાવવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે.
ભૂકી છારો રોગ પાકની છેલ્લી અવસ્થામાં જોવા મળે છે, જ્યારે ઠંડીનું પ્રમાણ સતત ઘટે છે. આ રોગની શરૂઆતમાં છોડના પાન પર ફૂગના સફેદ ડાઘા જોવા મળે છે, જે ધીમે-ધીમે ડાળી, થડ તેમજ શિંગો જેવા દરેક ભાગો પર જોવા મળે છે. આમ, ધીરે-ધીરે આખો છોડ સફેદ છારીના રૂપમાં છવાઈ જાય છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર, ભૂકી છારો રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે ૮૦ ટકા વેટેબલ સલ્ફર-૨૫ ગ્રામ અથવા ૫ મિ.લી. ડીનોકેપ (૪૮ ઈ.સી.)ને ૧૦ લીટર પાણીમાં ઓગાળી તેનો છોડ પર છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરી શકાય. હેકઝાકોનાઝોલ ૦.૦૦૫ ટકા અથવા પેન્કોનાઝોલ ૦.૦૦૫ ટકાનો પ્રથમ છંટકાવ કરવો અને ત્યારબાદ ૧૦ દિવસના અંતરે બીજા બે છંટકાવ કરવાથી ભૂકી છારો રોગ નિયંત્રણમાં આવે છે.
રાઇ પાકમાં ભૂકી છારો રોગને નિયંત્રણમાં લાવવા માટે ૮૦ દિવસ બાદ પિયત પાણી આપવાનું ટાળવું. આ ઉપરાંત જીરૂ, વરીયાળી તેમજ ધાણા પાકમાં ભૂકી છારો રોગના સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકીનો ૨૫ કિગ્રા પ્રતિ હેક્ટર તેમજ રાઇ પાકમાં ૨૦ કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે સવારે છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. આમ કરવાથી સવારે ઝાકળના કારણે ભૂકી છોડ ઉપર ગંધક ચોંટીને છોડને ભૂકી છારો રોગથી રક્ષણ આપે છે. રોગ દેખાય કે તુરંત જ ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરી શકાય.
દ્રાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે ૨૫ ગ્રામ દ્રાવ્ય ગંધક ૧૦ લીટર પાણીમાં ઓગાળી તેનો ૨-૩ છંટકાવ દિવસે છોડ ઉપરથી ઝાકળ ઉડી ગયા પછી જ કરવો, જેથી સૂકા છોડ ઉપર દ્રાવણ ચોંટી રહે. વધુમાં જીરા પાકને પાંચ સેમિ ઊંડાઈના ફક્ત બે-ત્રણ પિયત આપવાથી પાકમાં ભૂકી છારા રોગની તીવ્રતા ઓછી રહે છે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.