વરતેજ સ્થિત તંબોલી કાસ્ટિંગ પ્રા.લી.ની બોર્ડ મિટીંગમાં ડીરેકટર પદેથી હટાવવતા કરાયો હુમલો
ભાવનગરના વરતેજ ખાતે આવેલી દેશની સૌથી મોટી મેટલ કાસ્ટીંગ કંપની તંબોલી પ્રા.લી.ના ડીરેકટર પદેથી મોટા ભાઇને હટાવી નાના ભાઇની કરાયેલી નિમણુંકના કારણે ઉશ્કેરાયેલા મોટા ભાઇએ પોતાના નાના ભાઇ પર છરીથી હુમલો કર્યાની વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના વરતેજ ખાતે આવેલી તંબોલી કાસ્ટીંગ પ્રા.લી.ના ડીરેકટર વૈભવ તંબોલીને તેના સગા મોટા ભાઇ મેહુલભાઇ તંબોલીએ છરીથી હુમલો કર્યાની કંપનીના ચેરમેન અને બંનેના પિતા બીપીનભાઇ તંબોલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તંબોલી કાસ્ટીંગ પ્રા.લી.ની બોર્ડ મિટીંગ ચેરમેન બીપીનભાઇ તંબોલીની અધ્યક્ષામાં બોર્ડ મિટીંગ યોજવામાં આવી હતી તેમા મેહુલ તંબોલીને કંપનીના ડીરેકટર પદેથી હટાવી પોતાના નાના પુત્ર વૈભવ તંબોલીની નિમણુંક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે મેહુલ તંબોલી ઉશ્કેરાયો હતો બોર્ડ મિટીંગમાં કંપનીના ચેરમેન બીપીનભાઇ તંબોલી, વાયઇસ ચેરમેન પી.એ.સુબ્રમણીયમ, ડીરેકટર અભિનંદન જૈન, કંપનીના સીએ અંકિત અને અન્ય બે વ્યક્તિઓની હાજરીમાં વૈભવ તંબોલીને છરીના ઘા ઝીંકી દીધા હતા. ઘવાયેલા વૈભવ તંબોલીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વરતેજ પોલીસે મેહુલ તંબોલી સામે ગુનો નોંધી એએસઆઇ એ.બી.ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
મેહુલ તંબોલી અને વૈભવ તંબોલી વચ્ચે લાંબા સમયથી પરિવારની મિલકતના પ્રશ્ર્ને વિવાદ ચાલતો હતો. મેહુલ તંબોલી લાંબા સમયથી પરિવારથી અલગ રહે છે. જ્યારે વૈભવ તંબોલી પોતાના પરિવાર સાથે રહેતો હોવાથી કંપનીના ડીરેકટર પદેથી મેહુલ તંબોલીને હટાવી વૈભવ તંબોલીને નિમણુંક અપાતા તેને હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
તંબોલી કાસ્ટીંગની બોર્ડ મિટીંગમાં મેહુલ તંબોલી છરી સાથે આવ્યો હોવાથી તેને પૂર્વ યોજીત કાવતરૂ બનાવ્યું હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે.મેહુલ તંબોલી સ્વભાવનો અત્યંત ઝનૂની સ્વભાવનો હોવાનું અને તેને ૨૦૧૨માં તેની પત્નીએ પણ ઘરેલું હિંસા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
તંબોલી કાસ્ટીંગ બીએસઇમાં સ્થાન ધરાવતી દેશની સૌથી મોટી મેટલ કાસ્ટીંગ કંપની છે. આ કંપની લકઝરીયસ કાર ફરારી, જગુઆર અને મર્સિડિઝના મહત્વના સ્પેર પાર્ટ બનાવતી કંપની છે.