દિવાદાંડીઓને પ્રવાસન ક્ષેત્રે હેરીટેજ તરીકે વિકસાવવા માટે તખ્તો: ૯૦ વર્ષ જૂનો કાયદો બદલવા નેવીગેશન બીલ
દરિયામાં વહાણો-જહાજો માટે દિશા બતાવતા લાઈટ હાઉસને સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા જઈ રહી છે. સરકારે બ્રિટીશકાળના એટલે કે ૯૦ જેટલા વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની તૈયારી કરી છે. નેવીગેશન બીલ, ૨૦૨૦ માટે ડ્રાફટ તૈયાર થયો છે. જેમાં ટેકનોલોજી ડેવલોપમેન્ટ, ડાયરેકટરેટ જનરલ ઓફ લાઈટ હાઉસ અને લાઈટશીપને સત્તાઓ આપવા સહિતની જોગવાઈ છે. લાઈટ હાઉસ માટે જે જગ્યા પડી છે તેને હેરીટેજ તરીકે વિકસાવાશે. શાસન વ્યવસ્થામાં લોકભાગીદારી અને પારદર્શકતા વધારવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને, જહાજ મંત્રાલય દ્વારા ‘એડ્સ ટુ નેવિગેશન બિલ-૨૦૨૦’ પર હિતધારકો અને સામાન્ય જનતા પાસેથી પ્રતિભાવો મેળવવા માટે મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. લગભગ નવ દાયકા જુના લાઇટહાઉસ કાયદો,૧૯૨૭ ને બદલવા માટે આ બિલની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં દરિયાઇ નેવિગેશનના ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ આચરણો, ટેકનોલોજીકલ વિકાસ અને ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, બ્રિટિશકાળના પ્રાચીન કાયદાઓ રદ કરી તેના સ્થાને દરિયાઇ ઉદ્યોગની વર્તમાન અને આધુનિક જરૂરિયાતો અનુસાર નવા કાયદાને અમલમાં લાવવા માટે, જહાજ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલા સક્રિય અભિગમના ભાગરૂપે આ પહેલ હાથ ધરવામાં આવી છે. શ્રી માંડવિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, જાહેર જનતા અને હિતધારકો તરફથી મળેલા સૂચનો આ વિધેયકની જોગવાઇઓને વધુ મજબૂત કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ વિધેયકનો ઉદ્દેશ દરિયાઇ નેવિગેશનની શ્રેષ્ઠ ટેકનોલોજીનું નિયમન કરવાનો છે, જે અગાઉ લાઇટહાઉસ કાયદો,૧૯૨૭ અંતર્ગત કાનૂની જોગવાઇઓમાં ગુંચવાયેલી હતી. આ વિધેયકથી લાઇટહાઉસ અને લાઇટશીપ મહાનિદેશાલય (DGLL)ને વધારાની સત્તા અને કામગીરી જેમ કે, વેસેલ ટ્રાફિક સર્વિસ, રેક ફ્લેગિંગ, તાલીમ અને પ્રમાણીકરણ, જ્યાં ભારતે હસ્તાક્ષર કર્યા હોય તેવા આંતરરાષ્ટ્રીય સંમેલનો અંતર્ગત આવતી અન્ય જવાબદારીઓના અમલીકરણ વગેરે બાબતોમાં વધુ અધિકાર પ્રાપ્ત થશે. તે હેરિટેજ લાઇટહાઉસને ઓળખી તેનો વિકાસ કરવાની જોગવાઇ પણ પૂરી પાડે છે.
આ વિધેયકમાં ગુનાઓની નવી અધિસૂચી સમાવવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર કે અને અન્ય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશોનું અનુપાલન ન કરવા અને નેવિગેશનમાં અવરોધ ઊભો કરવા કે તેને હાનિ પહોંચાડવા બદલ યોગ્ય દંડાત્મક પગલાં લેવાની જોગવાઇ પણ છે. દરિયાઇ નેવિગેશનમાં અદ્યતન ટેકનિકલ સુધારો આવવાથી, દરિયાઇ નેવિગેશનનું નિયમન અને પરિચાલન કરતા અધિકારીઓની ભૂમિકા પણ ઘણી બદલાઈ ગઈ છે. આથી આ નવો કાયદો એ લાઇટહાઉસ નિયમનથી આગળ વધીને અદ્યતન નેવિગેશનની દિશામાં એક મોટું પરિવર્તન છે.