- પ્રયાગરાજ કુંભમેળામાં સરકારી ગાડી લઇને ગયા હતા તેનું રૂ.34,780 ભાડું કોર્પોરેશનને ચુકવી દીધું’
- મને બદનામ કરવા માટે કોઇ પાછળ પડી ગયું છે, જરૂર જણાશે તો પ્રદેશમાં જાણ કરીશ: નયનાબેન પેઢડિયા
શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નયનાબેન પેઢડિયા કોર્પોરેશનની ગાડી લઇને પ્રયાગરાજ કુંભમેળામાં પરિવાર અને સ્નેહીજનો સાથે ગયા હતા. જેના કારણે વિવાદ ઉભો થયો છે. ગઇકાલે મહાકુંભ યાત્રા પૂર્ણ કરીને રાજકોટ પરત ફરેલા નયનાબેને સરકારના નિયમ મુજબ કિલોમીટર દીઠ રૂ.10 લેખે 3478 કિલોમીટરનું રૂ.34,780 ભાડું કોર્પોરેશનમાં જમા કરાવી દીધું છે. આજે તેઓએ પત્રકારો સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે મહિલા મેયર તરીકે મારી ગરીમા જળવાતી નથી. મને બદનામ કરવા માટે કોઇ મારી પાછળ પડી ગયું છે. જરૂર જણાશે તો પ્રદેશ ભાજપ હાઇકમાન્ડમાં રિપોર્ટ કરવા માટે પણ હું અચકાઇશ નહિં.
તેઓએ વધુ વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મેયર તરીકે હોદ્ાની રૂએ મને મળેલી સરકારી ગાડી લઇને જવા માટે મેં નિયમ મુજબ મ્યુનિ.કમિશનર અને શહેર ભાજપ પ્રમુખની મંજૂરી મેળવી હતી. પદાધિકારીઓ રાજ્યની બહાર સરકારી ગાડી લઇને જાય તો કિલોમીટર દીઠ માત્ર રૂ.2 ભાડું ચુકવવું તેવો કોઇ જ સરકારી નિયમ નથી છતાં મને જાણી જોઇને બદનામ કરવા માટે પક્ષના કોઇ આગેવાન દ્વારા ભાડાનો ખોટો દર જાહેર કરવામાં આવ્યો હતો. યાત્રા પૂર્ણ થયા બાદ રાજકોટ પરત ફરતાની સાથે જ મેં સરકારના નિયમ મુજબ ડિઝલ સંચાલિત કાર જો ઉપયોગમાં લેવામાં આવે તો તેનું પ્રતિ કિલોમીટર રૂ.10 ભાડું વસૂલવું તે મુજબ 3478 કિલોમીટરના રૂ.34,780 કોર્પોરેશનમાં જમા કરાવી અને પહોંચ પણ મેળવી લીધી છે. 2 રૂપિયા ભાડાનો વિવાદ કોને ઉભો કર્યો તેમાં મારે પડવું નથી. મને બદનામ કરવા માટે પદાધિકારીઓ કે સંગઠનના કોઇ હોદ્ેદારો મારી પાછળ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જેવા મેં પ્રયાગરાજમાં સરકારી ગાડી પર કપડાં સુકવ્યા કે તેના ફોટા મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. મેયર તરીકેની મારી ગરીમા જળવાણી નથી. આ અંગે જો જરૂર પડશે તો પ્રદેશમાં રિપોર્ટ આપવાની પણ મારી સંપૂર્ણ તૈયારી છે. સરકારી ગાડી લઇને મહાકુંભમાં જવા સંદર્ભે મને પક્ષ દ્વારા કોઇ જ પ્રકારનું પૂછાણ કરવામાં આવ્યું નથી. તેઓએ ઉમેર્યું હતું કે એવી વાત પણ ચાલે છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પદાધિકારીઓને સમયાંતરે કવર મોકલે છે. હું ચેલેન્જ આપું છું કે મેં આજ સુધી એકપણ કવર લીધું નથી. જો કોઇએ મને કવર આપ્યું હોય તો તે મારી સામે આવેને કહે તો હું તેટલી રકમ સમાજ સેવાના કામમાં વાપરી નાંખીશ. મેયર તરીકેના દોઢ વર્ષના કાર્યકાળમાં મારી રહેણી-કહેણીમાં કોઇ જ ફેર પડ્યો નથી. આજે પણ હું મીરાપાર્ક નામની સૂચિત સોસાયટીમાં આવેલા મકાનમાં વસવાટ કરી રહી છું. પ્રયાગરાજ કુંભમેળામાં મારા પ્રવાસને વિવાદનું રૂપ આપવામાં આવ્યું છે. ભાડાનો ખોટો ઇશ્યૂ ઉભો કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેયરની ગરીમા છેલ્લા કેટલાક સમયથી જળવાતી ન હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં હોદ્ાની રૂએ મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મેયરના પદની ગરીમા જળવાઇ રહે તે માટે અત્યાર સુધી મેયરની હોદ્ાની રૂએ ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ સૌથી વધુ રહેતી હતી. પરંતુ નવા નાણાકીય વર્ષમાં મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગ્રાન્ટ રૂ.18-18 લાખ એક સમાન કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી પણ નયનાબેન પેઢડિયા નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. જનરલ બોર્ડમાં મેયરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી.