હજારો હ્રદયમાં શ્રધ્ધા–ભક્તિના ઉછળતાં તરંગો સાથે ઉજવાયો તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબનો 20 મો સ્મરણાંજલિ અવસર
– રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મ. સા.
જેમના અમોઘ વચનોના પ્રાગટ્યથી અશક્ય પણ શક્ય બની જતું એવા વચનસિધ્ધિના સ્વામી અને જેમના ચરણમાં અનેક પ્રકારની લબ્ધિઓ આળોટી રહી હતી તેવા લબ્ધિધારી સિધ્ધપુરુષ તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 20 મી પુણ્યસ્મૃતિનો અવસર તેઓશ્રીના જ સમાધિસ્થાન એવા રાજકોટ સ્થિત તપસમ્રાટ તીર્થધામના આંગણે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે અત્યંત શ્રધ્ધા-ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો.
ઈતિહાસના પાના પર ખાવાવાળા નહીં પરંતુ ખવડાવવાવાળા અમર બની જતાં હોય છે.
પરમ ઉપકાર કરી જનારા એવા ઉપકારી ગુરુ ભગવંત તપસમ્રાટ પૂજ્યશ્રીના ચરણમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ અવસરે ગુજરાતરત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, શાસન ગૌરવ પૂજ્ય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય મુક્ત-લીલમ ગુરુણી પરિવારના સાધ્વીવૃંદની સાથે અનેક ક્ષેત્રોથી વિશાળ સંખ્યામાં ભાવિકો વિશેષરૂપે પદયાત્રા કરીને પધાર્યા હતાં.
ગુરુ કદી માટલું ન હોય, વહેતી સરિતા હોય જે પીએ એનું પાણી હોય.
તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીના અંતેવાસી કૃપાપાત્ર સુશિષ્ય એવા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આ અવસરે ઉપકારી ગુરુ ભગવંતના સંસ્મરણોને વાગોળીને ગુરુ તત્વનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, સમયનો પ્રવાહ ચાહે વર્ષોના વર્ષો વ્યતીત કેમ ન થઈ જાય પરંતુ કેટલાંક એવા હોય છે.
જેમની વિદાયના વર્ષો પછી પણ એમનો પ્રભાવ અનુભવાતો હોય છે. જેમણે જીવતાં અનેકોને શાંતિ-સમાધિ આપી હોય એવા જ આત્માઓની વિદાય પછી સમાધિસ્થાન રચાતું હોય છે. ગુરુ કદી કોઈની માલિકીનું માટલું નથી હોતાં પરંતુ ગુરુ હંમેશા એક વહેતી સરિતા હોય છે, જે પીએ એનું પાણી હોય છે.
ગુરુની એક દ્રષ્ટિ આખો સંસાર ભૂલાવી સંયમ માર્ગ પર પ્રયાણ કરાવી દેતી હોય છે.
ગુરુ કોઈ એકના નથી હોતાં, બધાંના હોય છે. ગુરુ એક એવું તત્વ હોય છે, જે પામે જેટલું પામી શકે એના તે બની જતાં હોય છે. જે કોઈક એકના હોય છે તે સંસારી હોય છે પરંતુ જે સર્વના હોય તે વાસ્તવિકતામાં સંતત્વને વરેલાં હોય છે. જેને ગુરુના દરેક શબ્દ સોના કરતાં પણ વધારે મૂલ્યવાન લાગતાં હોય તે ગુરુના એક શબ્દ માત્રને પણ વેડફી નથી શકતાં.
તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીના બેજોડ ગુણ સંપન્ન જીવનનું અત્યંત ભાવવાહી શૈલીમાં વર્ણન કરતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું હતું કે, શબ્દોથી ગુરુદેવ નામનાં સંબોધન કરવાવાળા અનેક હોય છે પરંતુ શ્રધ્ધાથી ગુરુદેવનું સંબોધન કરવાવાળા કોઈક હોય છે. ગુરુ એ જ હોય જે હજારોની વચ્ચે પણ પાત્રવાન શિષ્યને પારખી લેતાં હોય છે. ગુરુ પળ માટે મળે પણ ભવ સુધારી દેતાં હોય છે.
આ અવસરે ડૉ. પૂજય શ્રી આરતીબાઈ મહાસતીજીએ તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, ગુરુનું જીવન તે શિષ્ય માટે એક દર્પણ સમાન હોય છે. શિષ્ય માટે ગુરુ હંમેશા પ્રત્યક્ષ રહેતાં હોય છે. પૂજ્ય શ્રી ઉર્મીબાઈ મહાસતીજીએ આ અવસરે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીને ગુણાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, તપ અને સંયમરૂપી હલેસા સાથે તરી ગએલી તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીની જીવનનાવ અનેકો અનેકોના જીવનને સંયમથી વાસિત કરી ગઇ હતી.
ગુરુના સાંનિધ્યને માણ્યું હોય તેને જ ધરતી પરના સ્વર્ગની અનુભૂતિ થઈ શકે
ગુજરાતરત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબે આ અવસરે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીને સ્મૃતિપટ પર લાવીને સુંદર શબ્દોમાં ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ડૉ. પૂજય શ્રી અમીતાબાઈ મહાસતીજીએ તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીને ભાવાંજલિ અર્પણ કરતાં 21 વર્ષ પછી આજે પણ એમને જીવિત અને સાક્ષાત સ્વરૂપે ઓળખાવ્યા હતાં. લુક એન લર્ન જૈન પાઠશાલા- રાજકોટના દીદીઓએ આ અવસરે બોધદાયક પ્રેરણાત્મક સૂત્રો સાથે કલાત્મક રીતે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીની મુખાકૃતિ રચીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. એ સાથે જ, લુક એન લર્નની બાલિકાઓ દ્વારા સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારીએ આ અવસરે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપસ્થિતિના ખેદની અભિવ્યક્તિ સાથે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ રૂપી ચતુર્વિધ સંધના આધારસ્તંભની અર્પણતા કરવા બદલ એમની કૃપાદ્રષ્ટિ પ્રત્યે અહોભાવની અભિવ્યક્તિ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે આ અવસરે સહુનું સ્વાગત કરતું વક્તવ્ય આપ્યું હતું. શ્રી ડૉલરભાઈ કોઠારીએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.
રુના દરેક શબ્દ જેને સોના કરતાં મૂલ્યવાન લાગે તે ગુરુના એકપણ શબ્દને વેડફી ન શકે.
વિશેષમાં, આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ અત્યંત ભાવવાહી શૈલીમાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવયાત્રા કરાવતાં ઉપસ્થિત વિશાળ જન સમુદાયે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રત્યક્ષ અનુભૂતિ કરી હતી. ઉપરાંતમાં બરાબર બપોરના 1.35 કલાકે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીના દિવ્યલોક તરફના પ્રયાણનું અત્યંત સંવેદનાસભર દ્રશ્યનું સર્જન કરવામાં આવતાં સમગ્ર વાતાવરણમાં અનેરા પ્રકારની દિવ્યતા પથરાઇ ગઇ હતી. આ દિવ્યતાની અનુભૂતિ કરતાં કરતાં ઉપસ્થિત વિશાળ સમુદાય તપસ્વી ગુરુ શરણં મમ્, સકલ વિધ્ન હરણં મમ્ ની જપ સાધનામાં લીન બની ગયો હતો.
ઉપરાંતમાં, ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ગિરિશચંદ્રજી મહારાજ સાહેબના જીવનકવન પર આધારિત ગ્રંથ ‘મહાનાયક’ ને આ અવસરે ગાદીપતિ પૂજ્ય ગુરુદેવશ્રીના સમાધિસ્થાન પર અર્પણ કરીને સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
સિધ્ધપુરુષો સુખમાંથી નહીં પરંતુ સંઘર્ષમાંથી સર્જાતાં હોય છે.
શ્રી નટુભાઇ શેઠ પરિવાર, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ પરિવાર તેમજ પારસધામ અને પાવનધામ તરફથી ઉપસ્થિત ભાવિકોને લક્કી ડ્રો માં ચાંદીની ગીની તેમજ શ્રીયંત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત ભાવિકો માટે નૌકારશી વ્યવસ્થા શ્રી નટુભાઇ શેઠ પરિવાર તરફથી તેમજ ગૌતમ પ્રસાદની વ્યવસ્થા શ્રી નટુભાઇ ચોકસી પરિવાર તરફથી કરવામાં આવી હતી.