જિલ્લા પંચાયતના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો
સરપંચ અને ચેરમેન વચ્ચેની વાતનો વીડિયો વાયરલ થતાં ચકચાર
જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાન્ટો માં ૨૦ ટકાકમિશન લેવાતું હોવાની એક ઓડીયો ક્લીપ વાયરલ થતા જૂનાગઢ જિલ્લા પંચાયતનું રાજકારણ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને તેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનું નામ ઉછળવા પામ્યુ છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને સરપંચ વચ્ચે થયેલી વાતચીત ખાનગી ન રહી હતી અને જિલ્લા પંચાયતની સભ્યોની ગ્રાન્ટના વેચાતી હોવાની વાત કારોબારી ચેરમેન કરતા હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા પંચાયત એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની માતૃ સંસ્થા ગણાય અહીંથી જિલ્લાભરના વિકાસ કામોને મંજૂરી અને કામના અમલ થાય છે, ત્યારે જિલ્લા પંચાયતના કી પર્શન ગણાતા કારોબારી સમિતિના ચેરમેન સામે અગાઉ સભ્યોને અંધારામાં રાખીને બે હેદની આઈટમ વિના ચર્ચાએ અને વિગતો પાછળથી જોડીને કારોબારી સમિતિના અન્ય સભ્યોને અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ કરીને આઈટમ પુન: વિચારણામાં લેવાની નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રકરણ હજુ પ્રક્રિયામાં છે ત્યાં જ કારોબારી સમિતિ ચેરમેન લાલજીભાઈ ડોબરીયા ફોન ઉપર જિલ્લા પંચાયતનો વહીવટ ૨૦ ટકામાં થતો હોવાની ટૂંકસાર વાત સરપંચની સાથે કરતા હોવાની ટેલિફોનિક વાતચીતનો વીડિયો વાયરલ થતાં જિલ્લા પંચાયત ક્ષેત્ર અને રાજકારણની સાથે-સાથે વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વારંવાર રાજકીય વિવાદમાં રહેતી જુનાગઢ જીલ્લા પંચાયતના વહીવટમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે તાજેતરમાં કારોબારી સમિતિના સભ્યોએ રૂ. ૨.૭૦ કરોડના કામો ચર્ચા વિચારણા વગર જ કારોબારી ચેરમેન લાલજીભાઈ સાવલિયાએ સભ્યોને અંધારામાં રાખીને બહાલ કરાવી દીધા હોવા અંગેની રજૂઆત કરીને, બે હેડની કામગીરી અટકાવવાની માંગ કરી હતી.
બાદ બે દિવસથી સોશિયલ મીડિયા પર કારોબારી સમિતિના ચેરમેન તથા એક ગામના સરપંચની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં સરપંચ અને કારોબારી સમિતિના ચેરમેન વચ્ચે ગ્રાન્ટમાં અમુક અભ્યોની ગ્રાન્ટ મેળવવા ૨૦ ટકા કમિશનનો વહીવટ થતો હોવાની વાત સંભળાઈ રહી છે.
આ ઓડિયો ક્લિપમાં સરપંચ પોતાના ગામમાં શિક્ષણ વિભાગના કામોની ગ્રાન્ટની વ્યવસ્થાની રજૂઆત કરે છે, તો સામા પક્ષે કારોબારી સમિતિના ચેરમેન તરીકે બોલતા વ્યક્તિ એવું કહેતા સંભળાય છે કે, આ કામ માટે ૨૦% કમિશન આપવું પડે. જો તૈયારી હોય તો પોતે વહીવટ ગોઠવી દે આવી વાત બધા સાથે ન કરાય સંબંધમાં બધું ગોઠવાતું હોય છે તેવા ટૂંકસાર સાથેની આ વાતચીતમાં જૂનાગઢ જિલ્લા પંચાયતનો વિકાસ વહીવટ ૨૦ ટકાના કમિશનથી ચાલતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જો કે, જિલ્લા પંચાયતના અમુક રાજકીય મહારથીઓની ગ્રાન્ટમાં ૨૦% લેવાતી હોવાની વાયરલ થયેલ ઓડિયો ક્લિપે જૂનાગઢ જિલ્લા પંચાયતની શાન અને મતદારોએ પોતાના પ્રતિનિધિઓ પર મુકેલ વિશ્વાસના લીરે લીરા ઉડ્યા છે, પરંતુ આમાં સાચું શું છે ? તેની તટસ્થ તપાસ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ ડેપ્યુટી ડી.ડી. ઓ.ને આદેશ કર્યા છે.
કારોબારી ચેરમેન શું કહે છે ?
બીજી બાજુ આ ઓડિયો ક્લિપમાં ગ્રાન્ટ ૨૦ % ટકામાં વહેચાતી હોવાની વાતોમાં જેનો અવાજ મનાઈ રહ્યો છે, તેવા કારોબારી ચેરમેન લાલજીભાઈ ડોબરીયા આ બાબતને ષડયંત્ર ગણાવી રહ્યા છે, અને પોતાને ફસાવવા બનાવટી અને ઉપજાવી કાઢેલ વાત ગણાવી રહ્યા છે.
ડીડીઓ શું કહે છે ?
ડી.ડી. ઓ. ચૌધરીના જણાવ્યા અનુસાર વાયરલ થયેલ ઓડિયો ક્લિપ માં ત્રણ વ્યકિતઓ જણાય રહ્યા છે, અને ત્રણેય વ્યક્તિઓના નિવેદન લેવામાં આવશે બાદમાં તેનો રિપોર્ટ ગાંધીનગર કરાશે.