રાજકોટની ગ્રીનવુડ સ્કુલનું આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ સાથે જોડાણ
રાજકોટ અને સૌરાષ્ટ્રના બાળકોને ઈન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ કોચીંગ મળી રહે તે હેતુથી ગ્રીનવુડ સ્કૂલ દ્વારા આજરોજ ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ (સીએપી) સાથે જોડાણ કર્યું હતું જેનું આજે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચીંગ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ હાજર રહ્યાં હતા. આ તકે ગ્રીનવુડ સ્કૂલ દ્વારા પત્રકાર પરિષદની આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં રોઝર ગેલેરીયાના ક્રિપાલસિંહ પણ હાજર રહ્યાં હતા. તેમજ ઈરફાન પઠાણની સાથે સાથે તેના સાથી મિત્રો પણ હાજર રહ્યાં હતા.
ગ્રીન વુડ ઈન્ટરનેશનલ સ્કૂલની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમીનું જોડાણ ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ દ્વારા સ્થાપવામાં આવેલી (સીએપી) ક્રિકેટ કોચીંગ એકેડમી સાથે જોડાણ થતાં સૌરાષ્ટ્રનું પ્રથમ અને દેશનું આઠમું કોચીંગ સેન્ટર ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે થયું છે.
પત્રકાર પરિષદ સંબોધતા ઈરફાન પઠાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ સુરત ત્યારબાદ બરોડા અને હવે રાજકોટની ગ્રીનવુડ સ્કૂલ સાથે સીએપીનું જોડાણ થયું છે. કેપ એકેડમીની વિશેષતા છે કે યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા બનાવેલ ખાસ પીય-વિઝન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જે કોમ્પ્યુટર સોફટવેરની મદદથી દરેક બોલને રેકોર્ડીંગ કરી શીખનારને તેમણે ફેંકેલ અને રમેલ દરેક બોલ અંગે ઈન્ફોગ્રાફીકસની મદદથી પરફોર્મન્સ રીપોર્ટ જનરેટ કરે છે. અને તેમાં રહેલી ત્રુટીઓ અને વિશેષતાઓને પ્રસ્થાપિત કરે છે. જેથી માઈક્રો લેવલે એનાલીસીસ કરી કોચ દ્વારા શીખનાર ખેલાડીને તાલીમ આપી શકાય અને આવડતને નિખારી શકાય.
વધુમાં તેઓએ ખેલાડીઓ પ્રત્યે રી‚ દાખવતા જણાવ્યું હતું કે, ક્રિકેટર માટે સેટ-બેક એમની જીંદગીનો એક ભાગ હોય છે.
હું હાલમાં વધુ મહેનત કરી રહ્યો છું જેથી મારી અપેક્ષા અને મારા સપના પરિપૂર્ણ થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે અને જો નિષ્ફળતા મળશે તો મને દુ:ખ નહીં થાય પરંતુ હું મહેનત કરવાનું ચાલુ રાખીશ. અમારો પ્રયત્ન દેશમાં ૨૦ એકેડમી સાથે જોડાવાનો છે. ક્રિકેટ સાથે દેશમાં અન્ય રમતનો પણ વિકાસ થઈ રહ્યો છે એ એક મોટી વાત છે. મને કોચીંગ કરવા કરતા રમવાની વધારે મજા આવે છે. અંતમાં તેઓએ ખેલાડીઓને ટ્રેનીંગ આપતી વખતે જણાવ્યું હતું કે, હાર-જીતતો ક્રિકેટનો એક ભાગ છે તેનાથી ગભરાવું ન જોઈએ પરંતુ વધુ મહેનત કરી આગળ વધવું જોઈએ.
ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી દ્વારા એકેડમીમાં જોડાવા માટે ગ્રીનવુડ સ્કૂલમાં અભ્યાસ ન કરતા વિદ્યાર્થીઓને પણ તેમજ રાજકોટ કે સૌરાષ્ટ્રની કોઈપણ શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ આ એકેડમીમાં જોડાઈ શકે છે. એકેડમી ખાતે અઠવાડિયાના પાંચ દિવસ સવાર, બપોર, સાંજ, એમ વિવિધ બેંચના રોજ ૨ કલાક ટ્રેનીંગ આપવામાં આવશે. વધુ વિગત મેળવવા માટે મો. નં.૯૯૧૩૮ ૨૫૫૬૮ પર સંપર્ક કરવો.