21મી સદીના વિશ્ર્વમાં અત્યારે વિકાસ અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી દુનિયા સુખ-સુવિધાસભર બનતી જાય છે. હજુ સતતપણે નવી-નવી ટેકનોલોજીના આવિષ્કાર અને ભૌતિક સુવિધાઓના અંબાર ખડકાઇ રહ્યાં છે ત્યારે વિકાસની આ રફ્તાર માટે ક્યાંક-ક્યાંક નહીં, વ્યાપકપણે કુદરત અને પ્રાકૃતિક વ્યવસ્થા સાથે છેડછાડ કરવાની કાળા માથાની માનવીની ગૂસ્તાખીના પરિણામો હવે પ્રકૃતિના પ્રકોપના રૂપમાં સામે આવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં અત્યારે પૂર પ્રકોપની વ્યાપક તારાજીએ રાજ્યના જનજીવનને વેરવિખેર અને અનેકનો ભોગ લઇ લીધો છે.
ભારે વરસાદથી પૂર અને પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનથી વ્યાપક ખાનાખરાબી સર્જાઇ રહી છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે થયેલી પ્રાકૃતિક આપદાની તારાજીનો દોષનો ટોપલો કુદરત ઉપર ઢોળવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકતમાં છેલ્લાં એક દાયકામાં જે રીતે પ્રકૃતિ સાથે ચેડાં થઇ રહ્યાં છે તે જોતા કુદરતના આ પ્રકોપમાં કુદરત ક્યાંય દોષિત નથી દેખાતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે આંખ મિચાંમણા અને પ્રકૃતિની જાળવણીની બેદરકારીની સાથેસાથે વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક વિકાસે સુખ-શાંતિ આપી પણ પર્યાવરણનો જે દાટ વાળ્યો છે તેનાથી કુદરતી ઋતુચક્ર છીનભીન્ન બની ગયું છે અને ઉનાળો, શિયાળો અને ચોમાસાના પરંપરાગત માપદંડમાં ઉંધેમાથે ફેરફાર થયા જેવી સ્થિતિના પરિણામો મળી રહ્યાં છે.
અત્યારે દેશ નહીં દુનિયાભરમાં ઋતુઓ મૂળભૂત તાસિર ગૂમાવી ચુકી હોય તેમ ભારતમાં જ કેરળ અને ઉત્તરાખંડમાં મેઘરાજાએ કાળો કહેર વર્તાવ્યો. દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષનો, ચીનના હેનાનમાં 1000 વર્ષ અને જર્મનીમાં વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો. વિશ્ર્વના ઠંડા ગણાતા યુરોપથી સાઇબીરીયામાં ઠંડા પટ્ટામાં રેકોર્ડબે્રેક લૂ ના વાયરાએ હાહાકાર સર્જી દીધા છે.
ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીનું વાતાવરણ સતત વધી રહ્યું છે. ડીઝલ-પેટ્રોલના ધુવાડા અને ઔદ્યોગીક ગરમીથી ઓઝોનના પડમાં ગાબડાં પડી રહ્યાં છે જેથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધ્ધા જ પૃથ્વી ઉપર પડી રહ્યાં હોવાથી જીવ માત્રમાં કેન્સર જેવા ડીએનએ આધારિત જીનેટીક અવ્યવસ્થાના રોગચાળાથી લઇ અનેક વનસ્પતિ અને જીવ પ્રજાતિઓ ઓઝોલ રીતે લુપ્ત થઇને આખી જૈવિકચક્રની વ્યવસ્થા તૂટી રહી છે.
પૂર પ્રકોપ, હીમ વાયરા અને ભીષણ ગરમીના પ્રાકૃતિકના રોદ્રરૂપોને કુદરતી નહીં પણ માનવ સર્જીત જ ગણવા જોઇએ. બીજી તરફ ઉત્તરાખંડમાં સર્જાયેલી પૂર પ્રકોપની પરિસ્થિતિમાં ખુવારીનો આંક વિકરાળ થવા પાછળ પણ માનવ સર્જીત અવ્યવસ્થાને દોષિત ગણી શકાય.
પ્રાકૃતિક રીતે સંપૂર્ણ પહાડી વિસ્તાર ધરાવતાં રાજ્યમાં રહેવા લાયક જમીનોની ઉંચી કિંમત, વધતી વસ્તી અને પ્રવાસન ઉદ્યોગના વિકાસ અને હોટલ ઉદ્યોગના નામે પહાડોના ઢોળાવ, જંગલો અને પાણી નિકાસના વિસ્તારોની મર્યાદા રાખ્યા વગર સતતપણે થઇ રહેલાં બાંધકામો અને નીચાણવાળા વિસ્તારોમાં અને પાણી ભરવાવાળા વિસ્તારોમાં વસવાટની અમર્યાદિત આંધળી વિકાસ દોટમાં ઉત્તરાખંડ જેવી પરિસ્થિતિ સર્જાય છે.
ચોમાસું અને પાણી પોતાના પ્રાકૃતિક અંદાજ મુજબ પાણી વરસાવે જ છે. અગાઉ પાણીના નિકાસના રસ્તાઓ અને વહેણ નીચાણવાળા વિસ્તારોમાં વસ્તી વસાવવામાં આવતી ન હતી હવે કોઇ નિયમ રહ્યો નથી. નદીના પટમાં તો વરસાદનું પાણી આવે જ…. ઉત્તરાખંડ જેવી પ્રાકૃતિક હોનારતો કુદરતીથી વધુ માનવ સર્જીત જ ગણાશે.