જૂનાગઢ જિલ્લાના 8500 હેક્ટર જમીનમાં આંબાના બગીચા આવેલા છે. અને જ્યારે કેરીની મૌસમનો સમય હતો ત્યારે જ તાઉં તે ત્રાટકતા કેરીનો પાક ખરી જતા આંબાવાડીના ખેડૂતો અને ઈજારો રાખનારાઓને માથે હાથ દઈ રડવાનો સમય આવ્યો છે, જ્યારે કેરીના સ્વાદ રસિયાઓને આ વર્ષે ભાવમાં મોંઘી એવી કેસર કેરીનો સ્વાદ પ્રમાણમાં ઓછો માણવો માણવા મળશે.
જુનાગઢના ગ્રામ્ય વિસ્તાર સહિત મેંદરડા, કેશોદ, માળિયા વિસ્તાર એ કેસર કેરીનું જન્મ સ્થાન ગણાય છે અને અહીં લગભગ 8500 હેકટર જમીનમાં આંબાના બગીચાઓ આવેલા છે ત્યારે હાલમાં જ કેસર કેરી તેના અસલ રૂપરંગમાં આવતી હોય તેવી કેરીની યુવાનીની મોસમમાં ચાલી રહી હતી અને માર્કેટમાં આવી કેરી હજુ વેચાણ માટે આવવાની શરૂઆત થઈ રહી હતી ત્યારે જ તાઉં તે ત્રાટકતા આંબે લટકટી કેરીઓ અકાળે જમીને દોસ્ત થઈ જવા પામી હતી.
જાણકારોના મતે વેડવા વગરની કેરી અકાળે ખરી જાય તો તેની જે ખાવાની મજા અને તેનો જે સ્વાદ હોય છે તે જળવાઈ રહેતો નથી ત્યારે આવી હજારો કિલો કેરીઓ વાવાઝોડાના કારણે ખરી પડી છે અને આ ખરી પડેલ કેરીઓ એકી સાથે માર્કેટમાં આવતાં તેમનો ભાવ પણ હાલ નીચે જવા પામ્યો છે. પરંતુ બાગાયત નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ કેરી વરસાદ હોવાથી ખાવાલાયક યોગ્ય ગણાય નહી અને તેનો સ્વાદ પણ હોતો નથી.
જુનાગઢ પંથકની કેસર કેરી ખરા સમયે આંબા ઉપરથી ખરી પડતાં શરૂઆતમાં કેરીના બોક્ષ માં જે રૂ. એક હજાર જેટલો ભાવ હતો તેના બદલે છેલ્લા બે દિવસથી કેરીના બોક્ષ રૂ. 300 ની આસપાસમાં વહેચાય રહ્યા છે. તેથી મોંઘા ભાવે કેરીની બાગના ઇજારા રાખનારાઓને નફો તો ઠીક પણ મજૂરીના પણ રૂપિયા હાથમાં ના આવે તેવી પરિસ્થિતિ ઊભી છે. તો હવે ખેડૂતોને કેરીનો પુરતો ભાવ મળશે નહીં, તેથી આખા વર્ષની કેરીમાંથી જે કમાણીની આશાઓ હતી તે પૂરી થવાને બદલે લાખો રૂપિયાની નુકશાની જવાની સંભાવના વર્તાઈ રહી છે.
તો બીજી બાજુ યોગ્ય સમય કરતાં વહેલી કેરીનો પાક ખરી પડતાં ખરા સમયે કેરી ખાવાનો જે લહાવો હોય તે ઓછા પ્રમાણમાં આવશે, કારણ કે, વરસાદી માહોલ હોવાથી તેનો પાકેલ ગર્ભ પણ જોઈ તેટલી સુગંધિત અને જીભને લલચાવે તેવો નથી હોતો. જેથી કેરીના સ્વાદ રસિયાઓ માટે આ વખતની કેરી ભાવમાં મોંઘી પડશે અને પ્રમાણમાં કેરી ઓછી ખાવા મળશે તેવું મનાઇ રહ્યું છે. જોકે જાણવા મળતી વિગતો મુજબ ખેતીવાડીમાં કેરી સહિતના પાકને થયેલ નુકશાન અંગે તંત્ર દ્વારા તાજેતરમાં સર્વે કામગીરી હાથ આવનાર છે.