પ્રાકૃતિક સૌદર્યથી ઘેરાયેલા પરમધામ ખાતે ભાવ ઉપધાન તપ આરાધના સંપન્ન
અબતક,રાજકોટ
પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલાં પરમધામ સાધના સંકુલમાં આયોજિત કરવામાં આવેલી આ સાધનામાં સાધુ જીવનશૈલીને જીવવા, જાણવા અને આત્મશુદ્ધિ કરવાના લક્ષ સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, આફ્રિકા, કોંગો તેમજ મુંબઈ, પૂના, નાસિક, આકોલા, અમરાવતી, નાગપુર, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, ઉમરગામ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, હૈદરાબાદ, કોચીન, ચેન્નઈ, કોલકાતા આદિ અનેક ક્ષેત્રોથી આવેલાં ૧૭૫થી વધુ ભાવિકો સ્નેહી-સ્વજન, ઘર-પરિવાર, સંસારની સુખ-સગવડતાઓ અને સંસારી વ્યવહારો ત્યજીને ભાવ સંયમની સાધનામાં જોડાઈ ગયાં હતાં ત્યારે સંયમ ભાવ સાધનાનો સમગ્ર લાભ લઈને ધર્મવત્સલા માતૃશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ (રાજકોટ) પરિવાર ધન્ય બન્યાં હતાં.
આત્મશુધ્ધિ કરવાના લક્ષ સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, આફ્રિકા, કોંગો તેમજ મુંબઈ,પુના, નાસિક, આકોલા, અમરાવતી, નાગપુર, અમદાવાદ-નાગપુર વગેરે ક્ષેત્રોથી આવેલા ૧૭૫ થી વધુ ભાવિકો ધન્ય બન્યાં
આ ૧૧ દિવસીય ભાવ ઉપધાન સાધના અંતર્ગત વહેલી પરોઢે પ્રભુ ચરણમાં પ્રાર્થનીય ભાવોની અર્પણતા સાથે પ્રારંભ થતી આરાધનામાં પ્રાત:કાળે ક્યારેક જનમ-જનમના પાપ-દોષોની આલોચના કરાવતું ધ્યાન, તો ક્યારેક પ્રભુ મહાવીરની જેમ વૃક્ષોની છાયામાં કરાવવામાં આવેલું મહાવીર ધ્યાન, તો ક્યારેક દેહ-આત્માની ભિન્નતાનું ભાન કરાવતું ભેદજ્ઞાન ધ્યાન તો ક્યારેક સ્વયંનું સ્વયં સાથેનું અનુપ્રેક્ષા ધ્યાન! આવી વિવિધ પ્રકારની ધ્યાન સાધના કરાવવામાં આવી હતી.
આત્મ ઊંડાણની સ્પર્શના કરાવી દેતી આવી ધ્યાન સાધના સાથે જીવતે-જીવતા પાલખી અને નનામીમાં બેસાડીનેજીવનના પરમ સત્ય એવા મૃત્યુનું ભાન કરવામાં આવતું તો ક્યારેક કર્મોના બંધનને અનુભવ કરાવતા પ્રેક્ટીકલ પ્રયોગ દ્વારા આત્મ સાધના કરાવવામાં આવી હતી.
એ સાથે જ, ૧૧ દિવસ સુધી નિરંતર પરમ ગુરુદેવના શ્રીમુખેથી આપવામાં આવેલો સમકિત પ્રગટાવોનો પરમ બોધ તેમજ પ્રભુ મહાવીર કથિત નમિ રાજર્ષિ પ્રવ્રર્જ્યાનું હૃદયસ્પર્શી વર્ણન અનેક આરાધકોના સુષુપ્ત આત્માને જાગૃત કરી સમકિત પ્રાગટ્યનું કારણ બની ગયું. ઉપરાંતમા પૂજ્ય શ્રી પરમ મહાસતીજી દ્વારા શ્રી આચારાંગ સૂત્રની વાંચના, સંયમ જીવનના આચાર-વિચાર, ગૌચરી આદિની સમજણ તેમજ ઉપકરણ પ્રતિલેખન વિધિની સમજણ બાદ, પરમધામમાં સ્થિત આરાધ્યા આર્ટ ગેલેરીમાં જૈન દર્શનની ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ્ય કરતી પૈન્ટીંગના માધ્યમે ભાવિકોને કથા વર્ણન કરવામાં આવતું હતું.
નિત્ય સ્વાધ્યાય, કાષ્ઠના પાત્રામાં ભોજન, સ્નાન ત્યાગ, ભોંય પથારી, રાત્રિ ભોજન ત્યાગ જેવી પ્રતિકૂળતામાં પણ પ્રસન્નતાથી જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય અને તપની સાધના કરતા આરાધકો સંધ્યાના સમયે પ્રતિક્રમણની સાધના બાદ પ્રભુ ભક્તિના સૂરોમાં લીન-તલ્લીન બની જતાં હતાં.
વિશેષમાં, આરાધકોના અહંકાર ભાવને દૂર કરવા તેમજ નમ્રતા અને સરળતા જેવા ગુણનું પ્રાગટ્ય કરવા પરમ ગુરુદેવ દ્વારા આપવામાં આવેલી એક હાથે આહાર કરવાની, અણીદાર પથ્થરો પર ઊભા રહીને કલાકો સુધી વૃક્ષોની છાયામાં ધ્યાન કરવા જેવી વિવિધ પ્રકારની આજ્ઞાનું પાલન સમર્પણ ભાવની અનેરી સુગંધ પ્રસરાવી ગયું હતું.
અનેક આરાધકોની એકાસણા-બેઆસણા તેમજ નવાઈ તપની સાધના સાથે કેટલાંય ભાવિકોએ ગ્રહણ કરેલાં આજીવન બ્રહ્મચર્ય વ્રતના પ્રત્યાખ્યાન, તેમજ વૈરાગ્યની વૃદ્ધિ કરાવતાં અનેક ભાવિકોના સંકલ્પની ફલશ્રુતિ આપી જનારી આ ભાવ ઉપધાન સાધનાના અંતે ઉપકારી એવા પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવભીની વંદના કરીને આરાધકોએ ઋણ સ્વીકૃતિની અભિવ્યક્તિ કરી હતી.
ભાવ ઉપધાન તપ આરાધનાની પૂર્ણાહૂતિએ પરમ ગુરુદેવના હસ્તે આરાધકોની આરાધનાનું સન્માન કરતાં આરાધકોને અર્પણ કરવામાં આવેલી મોક્ષમાળાના અવિસ્મરણીય ભાવભીના દ્રશ્યો અને ઉપધાન સાધનાના અમીટ સંભારણા સાથે શ્રી શેઠ પરિવાર દ્વારા દરેક આરાધકોને સાધના યોગ્ય ઉપકરણોની અર્પણતા સાથે એમની સાધનાનું બહુમૂલ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંતમાં આ ૧૧ દિવસ ખડે પગે અમૂલ્ય સેવા અર્પણ કરનાર પરમધામના દરેક કર્મચારીની પણ શ્રી શેઠ પરિવાર દ્વારા અનુમોદના કરવામાં આવી હતી. તેમજ દરેક આરાધકોની સાધનાની અનુમોદના કરનારા એવા શેઠ પરિવારનું શ્રી પરમધામ સાધના સંકુલના ભાવિકો દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
પરમ ગુરુદેવના ચરણમાં ફરી ફરીને આવી સાધનાનું આયોજન દ્વારા ભવ્ય જીવોને જાગૃત કરતાં રહેવાની યાચના સાથે જ આ સાધના પરમધામની ભૂમિ પર સંયમ સાધનાનો એક અદ્ભુત ઇતિહાસ સર્જી ગઈ હતી.