એક ક્રિમિનલ લોયરનો દાવો છે કે 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટના આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકર ભારત પરત ફરવા માગે છે. પરંતુ તેને આ માટે કેટલીક શરતો રાખી છે જે સરકારને મંજૂર નથી. આ પ્રકારનો દાવો કરનાર વકીલ છે શ્યામ કેસવાની, જેઓ ગેરકાયદેસરની એક વસૂલીના કેસમાં દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો કેસ લડી રહ્યાં છે. તેઓએ ઠાણેની કોર્ટની બહાર મીડિયા સાથે વાતચીતમાં આમ કહ્યું હતું.
આર્થર સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટીમાં રહેવા માગે છે દાઉદ
ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ વકીલ કેસવાનીએ જણાવ્યું કે, “દાઉદે કહ્યું છે કે જો તે પરત ફરશે તો તેને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં જ રાખવામાં આવે.”
દાઉદે આ પ્રકારની ઈચ્છા જાણીતા વકીલ રામ જેઠલમાનીને પણ થોડાં સમય પહેલાં જણાવી હતી. પરંતુ હકિકત એ છે કે સરકાર દાઉદની કોઈજ શરત માનશે નહીં.